ગાંધીધામ સંકુલમાં ઔદ્યોગિક પ્રદૂષણ અંગે તંત્ર સક્રિય ન થાય તો કેસ કરાશે

ગાંધીધામ, તા. 22 : આદિપુર-ગાંધીધામ શહેરમાં છેલ્લાં બે વર્ષથી આસપાસ આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાવાતાં પ્રદૂષણને લઈને ત્રાસદાયક સ્થિતિ પેદા થઈ છે. આ પ્રદૂષણને રોકવા તંત્ર સક્રિય નહીં થાય તો ગુજરાતની વડી અદાલતમાં જાહેર હિતની અરજી દાખલ કરાશે તેવી કાનૂની નોટિસ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ફટકારાઈ છે. અહીંના ધારાશાત્રી એન.જે. તોલાણીએ ગાંધીનગર તથા ભુજ સ્થિત જીપીસીબી કચેરીને પાઠવેલી આ નોટિસમાં જણાવ્યું છે કે આદિપુર-ગાંધીધામ શહેરને તેના આસપાસના 10થી 15 કિ.મી વિસ્તારમાં અંજાર-ગળપાદર ધોરીમાર્ગ સ્થિત ઔદ્યોગિક એકમોના પ્રદૂષણનો પ્રશ્ન ખડો થયો છે. આ ફેકટરીઓમાંથી આખો દિવસ પ્રદૂષણરૂપી કેમિકલનો થતો ઉપયોગ અને તેના ધુમાડાથી શરીરને નુકસાન પહોંચે તે હદે પ્રદૂષણ ફેલાવાઈ રહ્યું છે. આ ધુમાડાને લઈને આદિપુર તથા ગાંધીધામના નાગરિકો પૈકી ઘણાને શ્વાસની તકલીફ ઊભી થાય છે. અન્ય કેટલીક બીમારી પણ ફેલાઈ રહી છે. આ પ્રદૂષણને રોકવા જીપીસીબીની ભુજ કચેરી સમક્ષ વારંવાર રજૂઆત થઈ છે પણ કોઈ પગલાં લેવાયાં નથી. છેલ્લાં  બે વર્ષથી તો સ્થિતિ વધુ કફોડી બની છે અને બે મહિનામાં તો અનેક લોકો બીમાર પડયા છે.  આ પ્રદૂષણ રોકવાની જીપીસીબીની જવાબદારી છે પરંતુ તે નિષ્ફળ ગયું છે. આથી જીપીસીબીને આ નોટિસથી તાકીદ કરાઈ છે કે આદિપુર-ગાંધીધામના 10થી 15 કિ.મી.ના આસપાસના ક્ષેત્રમાં આવેલા ઉદ્યોગો દ્વારા ફેલાવાતું પ્રદૂષણ જો એક મહિનામાં રોકવામાં નહીં આવે તો ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી સાથે કાનૂની કાર્યવાહી કરાશે તેવું જણાવવામાં આવ્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer