પરિવહનકારોને ઓવરલોડ વાહન ન ચલાવવા ટ્રક એસો.નો અનુરોધ

ભુજ, તા.22 : જિલ્લા આરટીઓ તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસથી વાહનોની તપાસ ચાલી રહી છે ત્યારે કચ્છના પરિવહનકારો પણ માર્ગના નિયમોનું પાલન કરે અને ટેકસ ભરવા ઉપરાંત પાસિંગ વિનાના તેમજ ઓવરલોડ વાહનો માર્ગ પર ન ચલાવે તેવો અનુરોધ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસીએશને કર્યો હતો. સંગઠને આજે આરટીઓ દિલીપ યાદવ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ જારી કરવામાં આવેલી એક યાદીમાં સંગઠનના પ્રમુખ નવઘણભાઈ આહીરે તમામ પરિવહન વાહનધારકોને આરટીઓના નીતિનિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને હાલમાં ચાલતી તપાસ ઝુંબેશમાં તંત્રને સાથ સહકાર આપવા જણાવ્યું હતું. યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ વાહનના તમામ દસ્તાવેજ અપ-ટુ-ડેટ કરાવીને વાહનમાં અસલ દસ્તાવેજો સાથે રાખવા, વાહનનું સમયસર પાસિંગ કરાવવું, વીમો અને ટેક્સ ભરપાઈ કરી ખાટી રીતે દંડાતાં બચવું. આ સિવાય રસ્તાની સલામતી અને અકસ્માતોથી બચવા કોઈપણ ટ્રાન્સપોર્ટ વાહનમાં ઓવરલોડ પરિવહન ન કરવા પણ પરિવહનકારોને જણાવવામાં આવ્યું હતું. કચ્છના મોટાભાગના વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે ત્યારે બાકી રહેતા વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવી લેવાની તાકીદ પણ આ યાદીમાં કરવામાં આવી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer