મનુષ્યને દુરાચારથી દૂર રહી સેવા ભક્તિનો માર્ગ અપનાવવા શીખ

મોટા ભાડિયા (તા. માંડવી), તા. 22 : તાલુકાના વલસરા સ્થિત રાવળપીર દાદા મંદિરે તાજેતરમાં રાવળપીર દાદાના જન્મદિને ધર્મસભા, વિશેષ પૂજા, આરતી, દાતાઓનાં સન્માન અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યો યોજાયા હતા. રાવળપીર દાદા મંદિર વિકાસ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ વિજયભાઇ ગઢવીના અધ્યક્ષ પદે યોજાયેલી સભાને સંબોધતાં કાંઠાળ પંથકના સાહિત્યકાર ડાયાભાઇ ગઢવીએ હિન્દુ ધર્મશાત્રોના વિવિધ ગ્રંથોના લોકહૃદયને સ્પર્શતા વિવિધ પાસાંઓની છણાવટ કરતાં જણાવ્યું કે, જીવનમાં સંત-ભક્તિથી ઉત્તમ કોઇ પદાર્થ નથી. સદ્ભાગ્યે મનુષ્યને મળેલા માનવ જીવનને સાર્થક કરવા દુરાચાર સહિતના અન્ય કલંકિત પાસાંઓને બાજુએ મૂકી મનુષ્યે પ્રફુલ્લિતતા સાથે સેવા ભક્તિનો માર્ગ અપનાવવો જોઇએ. અરજણ ડોસાભાઇ, મંગાભાઇ ભગત સહિતના વકતાઓએ આ દિવ્ય દેવાલયની ગરિમા સાથે થતો વિકાસ યાત્રાળુઓને સ્વયંભૂ આકર્ષિત કરે છે એવું ઉમેર્યું હતું. વિજયભાઇ ગઢવીએ મંદિર વિકાસ  અને અન્નક્ષેત્ર માટે થઇ રહેલા વિકાસકાર્યોથી  ઉપસ્થિતોને અવગત કર્યા હતા. આ અવસરે ખાનજીભાઇ ધલ, રામસંગજીભાઇ ધલ (મુંબઇ), પેડી સમિતિના પ્રમુખ નાગશીભાઇ ગઢવી, ટ્રસ્ટીઓ પ્રભુભાઇ ગઢવી, પ્રકાશભાઇ નાથાણી, કીર્તિભાઇ ગોર, રાજદેભાઇ ગઢવી, ધારાસભ્યના કાર્યાલય મંત્રી વિનુભાઇ થાનકી સહિતનાઓ મંચસ્થ રહ્યા હતા. આગેવાનો રતન પેથા ગઢવી, સમિતિના મંત્રી નારાણ ગોપાલ ગઢવી, નવીનભાઇ પેથાણી સહિતના સહયોગી રહ્યા હતા. સેંકડો યાત્રાળુઓએઁ સમુદ્ર સ્નાનનો લાભ લીધો હતો. આભારવિધિ શાંતિલાલભાઇ મોતાએ કરી હતી. પંથકના વિવિધ ગામોનો બહોળો ભાવિકવર્ગ ઉપસ્થિત રહ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer