જખૌ પાસેથી 500 કરોડનું કેફી દ્રવ્ય પકડાયું

જખૌ પાસેથી 500 કરોડનું કેફી દ્રવ્ય પકડાયું
સતીશ ઠક્કર દ્વારા ;
જખૌ બંદર (અબડાસા), તા. 21 : વિખ્યાત મત્સ્ય બંદર એવા અત્રેના સાગરકાંઠાથી 29 નોટિકલ માઇલ દૂર ભારતીય જળસીમાના અરબી સમુદ્રમાંથી બાતમીના આધારે ભારતીય તટરક્ષકદળે ઓપરેશન હાથ ધરીને અંદાજિત રૂા. 500થી 600 કરોડની કિંમતના કેફી દ્રવ્યના જથ્થા સાથે આવી રહેલી પાકિસ્તાની બોટ છ પાકિસ્તાની ઇસમ સાથે ઝડપી પાડી હતી. એક હેવાલ મુજબ ડ્રગ્સનો જથ્થો લેવા જઇ રહેલા સાત ભારતીયોને પણ પકડી લેવાયા છે. આજે સાંજે કેફી દ્રવ્યોનો જથ્થો અને ઝડપાયેલા ઇસમો સાથે પાકિસ્તાની બોટને અત્રેના સમુદ્ર કાંઠે લઇ અવાયા પછી સુરક્ષાને સંલગ્ન વિવિધ એજન્સીઓ અને તંત્રો હરકતમાં આવીને છાનબીનમાં પરોવાયા છે.  દરિયાઇ હેરફેર માટેની આખરની સિઝન પૂર્ણ થતાં અને બંધ મોસમની સિઝન શરૂ થઇ રહી છે તેવા સમયે કચ્છને સંલગ્ન સાગર સરહદ અને દરિયાઇ વિસ્તારના ગેરઉપયોગનો પડોશી રાષ્ટ્રનો નાપાક કારસો તટરક્ષકદળ દ્વારા ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ અને અન્ય એજન્સીઓ દ્વારા ઇનપુટ મળ્યા બાદ વિફળ બનાવ્યો હતો. ઝડપાયેલી પાકિસ્તાની બોટ અલ મદિનામાંથી કેફી દ્રવ્યના 194 પેકેટ કબ્જે કરવામાં આવ્યા છે. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર મુજબ રૂા. 500થી 600 કરોડ થવા જાય છે. ભારતીય તટરક્ષક દળે ગઇકાલે સાંજથી આરંભેલા આ ઓપરેશનને અંતે આજે સવારે સફળ અંજામ અપાયો હતો.  મધદરિયેથી છ પાકિસ્તાનીઓ તથા પકડાયેલા કેફી દ્રવ્યના જંગી જથ્થા ઉપરાંત બોટને આજે સાંજે સાતેક વાગ્યાના સુમારે જખૌના દરિયાકાંઠે  લવાઇ હતી. આ સમયે લોકો ઉપરાંત વિવિધ એજન્સીઓ અને તંત્રોનો કાફલો  દોડી આવ્યો હતો અને તેમણે પ્રકરણની છાનબીનમાં ઝુકાવ્યું હતું. જખૌ બંદરે તટરક્ષકદળ કે અન્ય કોઇ એજન્સી દ્વારા સત્તાવાર રીતે કોઇ વિગતો જાહેર કરાઇ ન હતી. હાલતુરત સત્તાવાર રીતે કોઇ માહિતી જાહેર કરાઇ ન હોવાથી કબ્જે કરાયેલો કેફી પદાર્થ શું છે તેની વિગતો બહાર આવી શકી નથી. સત્તાવાર સાધનોના નિર્દશ મુજબ પૃથક્કરણ માટે ઝડપાયેલા કેફી પદાર્થના નમૂના લેબોરેટરીમાં મૂકવામાં આવશે. અલબત્ત, કોસ્ટગાર્ડના એ.ડી., ડી.જી. (વેસ્ટર્ન અબોર્ડ) કે. નટરાજનના કહેવા મુજબ આ ડ્રગ્સ હેરોઇન છે. કચ્છની દરિયાઈસીમાનો ઉપયોગ કરીને ભારતમાં નશીલા દ્રવ્યને ઘૂસાડવાના નાપાક ઈરાદાને નાકામ કરતાં આ પ્રકરણમાં ભારતીય તટરક્ષક દળે જખૌ નજીકની અંતરરાષ્ટ્રીય જળસીમા પાસેથી પાકિસ્તાની માછીમારી નૌકાને ઝડપી અંદાજિત પ00થી 600 કરોડની કિંમતના 194 પેકેટ હેરોઈનનો જથ્થો કબ્જે કર્યો હતો. કોસ્ટગાર્ડે છ પાકિસ્તાનીને અટકમાં લીધા હતા, સાથે સાત ભારતીયો પણ સાણસામાં લેવાયા છે અને બોટ તથા પાકિસ્તાનીઓને જખૌ લઈ જઈ ઊલટતપાસ શરૂ કરાઈ છે. આ નૌકાને ગુજરાત અને મુંબઈ તટની મધ્યમાં ઝડપવામાં આવી હતી. આ બનાવની સાથે જ પાકિસ્તાન હજુ પણ પોતાના નાકામ ઈરાદાને બર લાવવા સમુદ્રી સીમાનો ઉપયોગ કરી રહ્યું હોવાનું ફરી એકવાર સપાટી પર આવ્યું છે. જાણકારી અનુસાર આ નૌકા પહેલી વખત 19મી મેના ભારતીય જળસીમા તરફ આવવાની શરૂ થઈ હતી. રાત્રે નવ વાગ્યાના અરસામાં કોસ્ટગાર્ડને બાતમી મળી હતી કે એક પાકિસ્તાની બોટ ભારતીય સમુદ્રસીમા તરફ આગળ વધી રહી છે. આ પછી આ બોટ પર સતત નજર રાખવામાં આવતી હતી. આવી જ એક બાતમી ગઈકાલે પણ તટરક્ષકદળને મળી હતી. ભારતીય સમુદ્રી સીમાની ચોકી કરી રહેલા જહાજ અરિંજ્યને આ બોટ અંગેની માહિતી આપવામાં આવી હતી અને બે ઈન્ટરસેપ્ટર બોટને ચોકી માટે ઉતારવામાં આવી હતી. આ દરમ્યાન ગઈકાલે રાત્રિના સંદિગ્ધ બોટની ભાળ મળી હતી. આ અભિયાનમાં એક ડોર્નિયર વિમાનને પણ લગાવવામાં આવ્યું હતું. આ કામગીરીમાં આ આખી કવાયત બાદ આજે સવારે 9.15 વાગ્યાના અરસામાં તટરક્ષકદળે અલ મદિના નામની પાકિસ્તાની નૌકાને ઝડપી હતી. આ નૌકાની નોંધણી કરાચીમાં થયેલી હતી અને તેના પર છ પાકિસ્તાની નાગરિક પણ મોજૂદ હતા. શંકાના આધારે કરવામાં આવેલી તપાસમાં તેમાંથી 194 નશીલા દ્રવ્યના પેકેટ મળી આવતાં તટરક્ષકદળના અધિકારીઓ ચોંકી ઊઠયા હતા. ઝડપી પડાયેલી નૌકાને જખૌ બંદરે લાવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કોસ્ટગાર્ડ કમાન્ડર (પશ્ચિમ)ના એડિશનલ ડાયરેક્ટર જનરલ કે. નટરાજને જણાવ્યું હતું કે દરિયાની ખરાબ પરિસ્થિતિ અને નાસી જવાના પાકિસ્તાની બોટના પ્રયાસ છતાં પણ તેને ભારતીય સીમાની અંદર જ ઝડપી લેવામાં સફળતા મેળવાઈ હતી. એક સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઝડપાયેલા દ્રવ્યનું યોગ્ય એજન્સીઓ દ્વારા કેમિકલ પરીક્ષણ કરાવવામાં આવશે. બોટને કબ્જામાં લીધા બાદ વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ અને પૂછતાછ હાથ ધરવામાં આવી છે. સૂત્રોએ કહ્યું હતું કે ઈન્ટરસેપ્ટર બોટોએ સંદિગ્ધ બોટનો દિલધડક પીછો કર્યો હતો. આ દરમ્યાન પાકિસ્તાની નૌકા પરથી કેટલાંક પેકેટ દરિયામાં પણ ફેંકી દેવામાં આવ્યાં હતાં. કોસ્ટગાર્ડે પાણીમાંથી સાત પેકેટ કબ્જે કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે માર્ચ મહિનામાં પણ ભારતીય તટરક્ષકદળે અમદાવાદ એટીએસ સાથે સંયુક્ત ઓપરેશનમાં 100 કિ.ગ્રા. જેટલો હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આ બીજો બનાવ છે જેમાં કોસ્ટગાર્ડે ગુજરાતના તટ નજીકથી મોટી માત્રામાં હેરોઈનનો જથ્થો ઝડપી પાડયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer