કચ્છની સાગર સીમા ધ્યાન માગે છે

કચ્છની સાગર સીમા ધ્યાન માગે છે
નિખિલ પંડયા દ્વારા
ભુજ, તા. 21 : આતંકના વિવિધ રૂપોનો ભારતની વિરુદ્ધ ઉપયોગ કરવા માટે પાવરધું અને કુખ્યાત પાકિસ્તાન અને તેની નાપાક ગુપ્તચર સંસ્થા આઇએસઆઈએ કાશ્મીરમાં અલગતાવાદને જે રીતે લોહી તરસ્યા માર્ગે વાળ્યો છે તેમ પ્રમાણમાં શાંત એવી પશ્ચિમી સરહદે હવે નાર્કોટીક્સને ઘુસાડીને યુવાધનને પાયમાલ કરવાનો કારસો આદરાયો હોવાના ચોંકાવનારા સંકેત સામે આવી ચૂક્યા છે.  નાર્કો ટેરેરિઝમ શબ્દ આજે દુનિયા માટે અને કચ્છ માટે નવો નથી ત્યારે કચ્છના સાગર કાંઠાને ટ્રાન્ઝીટ માર્ગ તરીકે ઉપયોગ કરવાનો નાપાક કારસો ખરા અર્થમાં બદલાઇ રહેલા આતંકના સમીકરણો છતાં કરે છે.  સોમવારે જખૌ નજીકના દરિયામાંથી ભારતીય તટ રક્ષક દળ દ્વારા ડાયરેકટરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલીજન્સની ચોક્કસ બાતમીના આધારે પાકિસ્તાનની અલ મદિના નામની માછીમારી બોટને જે રીતે 600 કરોડની કિંમતના કેફી દ્રવ્યોની સાથે ઝડપી લીધી તેનાથી સરહદ પારના નાપાક કારસાના નવા વરવા ચહેરાનો પર્દાફાશ થઇ રહ્યો હોવાનું આ સરહદી જિલ્લાના સલામતી અને ગુપ્તચર વર્તુળો અનુભવી રહ્યા છે. આમ તો છેલા કેટલાક સમયથી કચ્છને લગતી આતંરરાષ્ટ્રીય જળસીમાનો ઉપયોગ કરીને કેફી દ્રવ્યો ઘુસાડવાના બનાવ સતત ઝડપાતા રહ્યા છે. કચ્છના સાગર કાંઠે કુખ્યાત નિર્જન બેટ પરથી ગુજરાત પોલીસની આતંકવાદ વિરોધી ટુકડી કેફી દ્રવ્યો ઝડપી ચૂકી છે.  આમ સોમવારનું ઓપરેશન કોઇ મોટી આતંરરાષ્ટ્રીય કાવતરાંની કડી હોવાની ચોંકાવનારી પ્રતીતિ કરાવતું હોવાનું પ્રાથમિક નજરે જણાઇ રહ્યંy છે. મુંબઇ પરના આતંકી હુમલા માટે પણ કચ્છની આ જળ સીમાનો ઉપયોગ કરાયો હોવાનું જગજાહેર છે ત્યારે કેફી દ્રવ્યોને ઘુસાડવાના આ નવતર કારસાએ આ જળસીમાના વ્યુહાત્મક મહત્ત્વને છતું કર્યું છે.  વળી પાકિસ્તાન તરફથી આવેલી આ બોટ અને તેમાં લદાયેલા નશાના સામાન પરથી એક વાતનો તાળો તો વ્યક્ત થઇ રહ્યો છે કે પાકિસ્તાનમાં આ પ્રકારની કોઇપણ હિંમત ત્યાંની કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઇએસઆઇના આર્શીવાદ વગર શક્ય બની શકે તેમ નથી.  જાણકારો જોકે નવાઇ એ વાતની વ્યક્ત કરે છે કે આટલી મોટી કિંમતનો કેફી દ્રવ્યોનો જથ્થો લાવનારાને તેમના આકાઓએ કોઇ જાતના શસ્ત્ર આપ્યા નથી.  જોકે જે પાકિસ્તાની ઝડપાયા છે તેની ઝીણવટભરી પૂછપરછમાં આ પ્રશ્નનો કોઇ જવાબ મળી શકે તેમ હોવાની આશા સેવાઇ રહી છે.  જોકે મુંબઇના આતંકી હુમલા બાદ કચ્છની જળસીમાને સલામત કરવા શ્રેણીબદ્ધ પગલાં લેવાયાં છે.  જખૌના કોસ્ટ ગાર્ડ મથકને સતત મજબૂત કરાઇ રહ્યંy છે પણ ખરા અર્થમાં કોઇ ઘૂસણખોર બોટને ઝડપવાનું કામ ઘાસની કાલરમાં સોઇને શોધવા જેવું પડકારભર્યું બની જતું હોય છે.  આવા સંજોગોમાં કોસ્ટગાર્ડ પછીના સ્તરે પોલીસ અને તેમાં પણ ખાસ કરીને કસ્ટમની સાગર પાંખોને વધુ સાબદી કરવાની જરૂરત ગંભીર સ્વરૂપ લઇ ચૂકી છે.  પોલીસના મરિન થાણાં અને તેની સાથેની એકલદોકલ ચોકિયાત બોટો વાટે વાર તહેવારે પેટ્રોલિંગ થાય છે પણ ચોંકાવનારી હકીકત એવી છે કે કસ્ટમે તેના ચાવીરૂપ દરિયાઇ પેટ્રાલિંગનો સંકેલો કરી લીધો છે. આવનારા સમયમાં તમામ સલામતી એજન્સીઓએ દરિયાઈ સીમા અને માર્ગની ઉપર જાપ્તો વધારવા માટે સંકલિત પ્રયાસ કરવા માટે ખરા અર્થમાં સક્રિય બનવું પડશે.   

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer