13.75 લાખની છેતરપિંડીના કેસમાં સહોદર આરોપી 13 વર્ષે ઝડપી પડાયા

13.75 લાખની છેતરપિંડીના કેસમાં સહોદર આરોપી 13 વર્ષે ઝડપી પડાયા
ભુજ, તા. 21 : ખાનગી ફાઇનાન્સ કંપની સાથે રૂા. 13.75 લાખની રકમની ઉચાપત અને વિશ્વાસઘાત કરવાના કેસમાં 13 વર્ષથી ભાગેડુ આરોપીબંધુ ચયન કિરીટભાઇ વોરા અને સૌરભ કિરીટભાઇ વોરાને પશ્ચિમ કચ્છ પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આરોપી સહોદરો પૈકીના એકને અમદાવાદ ખાતેથી અને બીજાને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે જઇને પોલીસે પકડયો હતો.  આરોપીઓ પૈકીનો ચયન વોરા જી.ઇ.ફાઇનાન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. આ શખ્સે ફાઇનાન્સ કંપનીમાંથી ધિરાણ મેળવનારા ગ્રાહકોના વિવિધ આધારો અને વિજયા બેન્ક ભુજની પાસબુકોની ઝેરોક્ષ નકલો મેળવી તેના આધારેખાતાઓની વિગતો અંકે કરીને કંપની સાથે રૂા.13,74,510ની રકમનો વિશ્વાસઘાત કર્યો હતો. આ વિશેનો ગુનો જે તે સમયે શહેર પોલીસ મથકમાં નોંધાયો હતો.  પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ 2007માં નોંધાયેલા આ ગુના બાબતે તપાસ હાથ ધરતાં ટેકનિકલ સર્વેલન્સના આધારે પગેરું દાબીને કિરીટ વોરા અમદાવાદ હોવાની વિગતો મેળવી ત્યાં ધસી જઇને એલ.સી.બી.એ તેને ઝડપી પાડયો હતો. આ શખ્સની પૂછતાછમાં તેના ભાઇનું પગેરું ઇન્દોરમાં મળતાં એક પોલીસ ટુકડીએ ત્યાં જઇને તેને પણ પકડી પાડયો હતો. આ બન્ને તહોમતદારને ભુજ લાવી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  આઇ.જી. ડી.બી.વાઘેલા અને એસ.પી. સૌરભ તોલુંબિયાના માર્ગદર્શન-સૂચના તળે ગુનાશોધક શાખાના કાર્યકારી ઇન્સ્પેકટર એમ.બી.ઓઆસુરાની રાહબરીમાં સ્ટાફના સભ્યોએ આ કાર્યવાહી પાર પાડી હતી.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer