મતગણતરી સવારથી શરૂ, પરિણામમાં સાંજ થઈ જશે

મતગણતરી સવારથી શરૂ, પરિણામમાં સાંજ થઈ જશે
ભુજ, તા. 21 : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ આવતા ગુરુવારે સમગ્ર દેશની સાથે ભુજની એન્જિનીયરિંગ કોલેજ ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત 1-કચ્છ (અ.જા.) લોકસભા મતદાર વિભાગની મતગણતરી માટે તડામાર પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે પરિણામ જાહેર થતાં થતાં સાંજ થઇ જવાની પૂરી સંભાવના છે.  જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે સોમવારે સાંજ સુધી પ્રથમ બેઠક એ.આર.ઓ. સહિત ચૂંટણી સાથે સંકળાયેલા જિલ્લાના અધિકારીઓ અને બાદમાં ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો સાથે અલગ-અલગ બેઠકો યોજી વિવિધ માર્ગદર્શનના પાલનનો આગ્રહ કર્યો હતો. રિટર્નિંગ ઓફિસર રેમ્યા મોહને એ.આર.ઓ. અને ચૂંટણી સલગ્ન અધિકારીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, તા. 23મીની મતગણતરીની પ્રક્રિયા ચૂંટણી કમિશનની સંપૂર્ણ માર્ગદર્શિકા અને આદેશ અનુસાર શાંતિપૂર્વક સંપન્ન કરવા તંત્ર દ્વારા સુયોગ્ય અને સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કચ્છની મોરબી સહિતની સાતેય વિધાનસભા દીઠ  મતગણતરી પ્રક્રિયા સવારે હાથ ધરાશે, ઇવીએમમાં પડેલા મતોની ગણતરી બાદ વિધાનસભાના પાંચ-પાંચ બૂથોના વીવીપેટના ઓબ્ઝર્વર અને ચૂંટણી અધિકારી દ્વારા ડ્રો પદ્ધતિથી ચિઠ્ઠી કાઢી વીવીપેટના મતોનું કાઉન્ટિંગ કરાશે.  વધુમાં મતગણતરીના સાતેય કાઉન્ટિંગ હોલ ખાતે અધિકૃત સિવાયની કોઇપણ વ્યક્તિ પ્રવેશે નહીં તેની કાળજી રાખવા તેમણે મદદનીશ ચૂંટણી અધિકારીઓને ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. તેમણે ખાસ તો મીડિયાકર્મીઓ માટે દરેક કાઉન્ટિંગ હોલ ખાતે બનાવાયેલી લાલરંગની સીમારેખામાં રહીને  વિઝયુઅલ લેવાની અનુમતિ અપાઇ હોવાનું જણાવ્યું હતું.  પશ્ચિમ કચ્છના પોલીસવડા સૌરભ તોલંબિયાએ પણ મીડિયા માટેની આચારસંહિતા જાળવવા ઉપર ભાર મૂકયો હતો અને તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થા અનુસાર સમગ્ર મતગણતરી પ્રક્રિયાનું કવરેજ કરવામાં કોઇ વિક્ષેપ ન પડે તે બાબતે મીડિયારૂમને બાદ કરતાં કયાંય પણ મોબાઈલ સહિત પ્રતિબંધિત કરાયેલા સાધનોનો મતગણતરી થતી હોય તેવા કાઉન્ટિંગ હોલ ખાતે ન લાવવા ઉપર પણ ભાર મૂકયો હતો.  નાયબ ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિએ પણ કાઉન્ટિંગ હોલ ખાતે બે હજાર જેટલા અધિકારીઓ અને કર્મયોગીઓ સતત મતગણતરીના કાર્યમાં ઉપસ્થિત રહેવાને કારણે ઇમરજન્સી સેવાઓમાં કયાંય વિક્ષેપ ન થાય તે માટે સંબંધિત તંત્રોને નિર્દેશ આપ્યો હતો. એમ્બ્યુલન્સ સહિત ડોકટરોની ટીમો તૈનાત રાખવા, પાર્કિંગ-વ્યવસ્થા, પાણી-સાફ-સફાઇ, મોબાઇલ ટોયલેટ સુવિધા તેમજ ફાયર ફાઇટર વગેરે જેવી આનુષંગિક સેવાઓને ચુસ્ત-દુરસ્ત રાખવા નિર્દેશ આપ્યો હતો.  અધિકારીઓ સાથેની બેઠક બાદ જિલ્લા ચૂંટણી અધિકારી રેમ્યા મોહનના અધ્યક્ષપદે ઉમેદવારો સાથેની બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં નાયબ ચૂંટણી અધિકારી  શ્રી પ્રજાપતિએ ચૂંટણીપંચ દ્વારા અપાયેલી માર્ગદર્શિકા અને મત ગણતરી માટે ઉમેદવારો, એજન્ટો વગેરે માટે ગોઠવાયેલી વ્યવસ્થા ઉપર પ્રકાશ પાડ્યો હતો  જિલ્લા ચૂંટણી અધિકારી રેમ્યા મોહને પણ ઉમેદવારોને ચૂંટણીપંચની કાઉન્ટિંગ સેન્ટર ખાતેની નક્કી કરાયેલી આચારસંહિતાથી અવગત કર્યાં હતા. બાદમાં પશ્ચિમ વિભાગના પોલીસવડા સૌરભ તોલંબિયાએ ઉમેદવારોને સંબોધન કર્યું હતું.  આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર કે.એસ. ઝાલા સહિત તમામ મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને નાયબ કલેકટરો, જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer