કચ્છની સાગરસીમા કેફીદ્રવ્યો માટે `ટ્રાન્ઝીટ પોઇન્ટ''

પ્રફુલ્લ ગજરા દ્વારા  ભુજ, તા. 21 : આંતરરાષ્ટ્રીય કિંમતોના હિસાબે ચાંદી અને સોનાની દાણચોરીમાં બહુ કસ ન રહ્યા બાદ હથિયારોના રવાડે ચડેલા દાણચોરો છેલ્લા કેટલાક સમયથી ડિમાન્ડ અને લખલૂટ કમાણી થકી શત્રોની સોદાગરી છોડીને જાણે કેફીદ્રવ્યોના રવાડે ચડયા હોવાની અનુભૂતિ છેલ્લા કેટલાંક વર્ષોથી બની રહેલા બનાવો ઉપરથી અનુભવાઇ રહ્યું છે. પાકિસ્તાન જેવા મીઠા દુશ્મન સમાન રાષ્ટ્રને અડીને આવેલી આંતરરાષ્ટ્રીય જળ સરહદે આવેલું કચ્છ જાણે કે આ સમયગાળામાં કેફીદ્રવ્યોની હેરાફેરી માટે `ટ્રાન્ઝીટ પોઇન્ટ' બન્યાની અનુભૂતિ થઇ રહી છે. જિલ્લાના પશ્ચિમ છેવાડે આવેલા વિખ્યાત મત્સ્ય બંદર જખૌ નજીકના દરિયામાંથી ડાયરેકટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ અને અન્ય ગુપ્તચર એજન્સીઓના ઇનપુટના આધારે કડીબદ્ધ પગલાં લઇને ગઇકાલે સાંજથી આજે સવાર સુધી ઓપરેશન હાથ ધરીને અંદાજિત રૂા. 600 કરોડની કિંમતનો કેફીદ્રવ્યનો જથ્થો ભારતીય તટરક્ષક દળ દ્વારા પકડી પડાયાના બનાવનાં પગલે કચ્છને સંલગ્ન આંતરરાષ્ટ્રીય જળકાંઠો હજુયે ગરમ હોવાનો અહેસાસ થવા સાથે ડ્રગ્સની હેરાફેરીનો પેચીદો મુદ્દો પુન: એક વખત સપાટી ઉપર આવ્યો છે.  સત્તાવાર સાધનો પાસેથી મળેલી માહિતી મુજબ સુરક્ષાને સંલગ્ન ભારતીય તંત્રો અને એજન્સીઓ સતર્ક હોવાથી અત્યાર સુધી અનેક કિસ્સામાં કરોડો નહીં પણ અબજો રૂપિયાની કિંમતનો કેફીદ્રવ્યનો જથ્થો કચ્છને સાંકળતા આ દરિયાઇ માર્ગે પકડાઇ ચૂકયો છે. તો અમુક બનાવોમાં સાગરસીમા અને કાંઠો ઓળંગીને માનવવિસ્તારમાં પહોંચેલો જથ્થો પણ પકડાયો છે. તો કેટલીક ઘટનાઓમાં તમામ સ્તરેથી સાંગોપાંગ સરકી નીકળીને રાજ્ય કે દેશના અન્ય ભાગો સુધી પહેંચેલા ડ્રગ્સના કન્સાઇન્મેન્ટ ઝડપાવાના કિસ્સામાં પણ સીમાવર્તી કચ્છ જિલ્લાની સંડોવણી સત્તાવાર રીતે બહાર આવી છે. અલબત્ત પડોશી દુશ્મન રાષ્ટ્ર પાકિસ્તાન દ્વારા સીધીલીટીના દોરીસંચાર સાથેના આવા ખાસ કરીને ભારતીય યુવાધનને બરબાદીની ખાઇમાં ધકેલવાના આવા કારસાઓ વિફળ બનાવવામાં સરવાળે આપણી એજન્સીઓ અને તંત્રોનો હાથ ઉપર રહ્યો છે.  કચ્છને આવરી લેતી સાગરસીમા અને દરિયાઇ વિસ્તાર તથા આ સ્થળેથી થયેલી ડ્રગ્સની હેરફેરના મુદ્દાને કેન્દ્રમાં રાખીને અનુભવી સૂત્રો જણાવી રહ્યા છે કે આ હેરાફેરીનો દોર છેલ્લા ઘણા લાંબા સમયથી જારી છે. વર્ષ 1994માં જુલાઇ મહિનામાં જળસરહદે આવેલા સાંવલાપીર વિસ્તારમાંથી સીમાસુરક્ષા દળે 260 કિલો ચરસનો જથ્થો પાંચ પાકિસ્તાની સાથે પકડયો હતો. સાગરમાં થતું સંયુકત પેટ્રોલિંગ બંધ થવાની હાલત વચ્ચે આ ઘટના બની હતી. તો મે-1992માં કચ્છ પોલીસે જખૌ બંદરના વિસ્તારમાં આવતા અબડાસાના સિંધોડી ગામ નજીક સાંગોપાંગ ઉતારાયા પછી સંતાડી રખાયેલો 3.13 કરોડ રૂપિયાનો 250 કિલો શુદ્ધ ચરસનો જથ્થો પકડી પાડયો હતો. પોલીસની આ કામગીરીમાં કન્સાઇન્મેન્ટ લેવા-મૂકવાવાળા પાકિસ્તાનીઓ સહિતની આખેઆખી ટોળકીની સંડોવણી સ્પષ્ટ કરવા સાથે મહત્ત્વની કહી શકાય તેવી સફળતા મેળવાઇ હતી. જ્યારે આંતરરાષ્ટ્રીય જળસીમાએ આવેલા કોરીક્રીક વિસ્તારમાં કચ્છ પોલીસે બાતમીના આધારે લાંબો બેટ વિસ્તાર ખૂંદી વળીને માટીમાં દટાયેલા કેફીદ્રવ્યના 10 પેકેટ ઝડપી પાડયા હતા.  કેફીદ્રવ્યોની હેરફેરની આ જૂની અને લાંબી તથા વ્યવસ્થિત ઢબની જાળ દુબઇથી પંજાબ સુધી વાયા કચ્છ થઇને વિસ્તરી ચૂકી હોવાની બાબતને પુષ્ટિ ગત વર્ષમાં સામી આવી હતી. નેપાળ સરહદે 2018માં પકડાયેલા હેરોઇનના કેસને લઇને કેફીદ્રવ્યની કમાણીના નાણાં અંતે ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટે વપરાતા હોવાની કડીઓ સપાટીએ આવી હતી.  હાલમાં જ ગત મે મહિનામાં રાજ્ય ત્રાસવાદ વિરોધી દળ દ્વારા પાંચ કિલો કેફીદ્રવ્ય પકડાવાના મામલામાં પણ એવી વિગતો ઊભરી આવી હતી કે કચ્છના કાંઠે ઉતારાયેલા 24 કરોડના જથ્થાનો પકડાયેલો જથ્થો એક ભાગ છે. તો લોકસભાની વર્ષ 2019ની ચૂંટણીના આચારસંહિતાવાળા સમયગાળા દરમ્યાન સમગ્ર દેશમાંથી કુલ્લ 524 કરોડનું કેફીદ્રવ્ય પકડાયાની ઘટનાઓમાં પણ કચ્છનો ઉલ્લેખ સામે આવ્યો જ હતો.  તદ્ઉપરાંત કચ્છના માંડવી તાલુકામાં મસ્કા અને બાગ વચ્ચે હેરોઇન ઊતર્યાની ઓગસ્ટ 2018ની બાબત, તુણા બંદરેથી નીકળેલા 400 કિલો ડ્રગ્સ સાથે આરોપી સલાયામાં પકડવાનો મે-2018નો કિસ્સો, નૌકાદળ અને તટરક્ષક દળના સંયુકત ઓપરેશનમાં પાકિસ્તાની બોટમાંથી પોરબંદર વિસ્તારમાં પાકિસ્તાની બોટમાંથી 600 કરોડનું હેરોઇન પકડાવા જેવા અનેકવિધ કિસ્સા સ્પષ્ટ થઇ   ચૂકયા છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer