ચૂંટણી ઇતિહાસમાં પ્રથમ વખત મતોની ગણતરીમાં ત્રણ આધાર મહત્ત્વના

ભુજ, તા. 21 : કચ્છ લોકસભામાં સમાવિષ્ટ મોરબી સહિતની સાત વિધાનસભા બેઠકોના મળીને 17,43,825 મતદારોમાંથી 10,15,357 મતદારોએ 23મી એપ્રિલના આપેલા મતોની ગણતરીનો તખ્તો સંપૂર્ણ તૈયાર છે અને  ગુરુવારે સવારે પાંચ વાગ્યે ચૂંટણી પંચ વતી કચ્છનો સ્ટાફ ગણતરીએ પહોંચશે તે સાથે જ પરાકાષ્ટા સ્વરૂપ અંતિમ તબક્કો શરૂ થઇ જશે અને સત્તાવાર પરિણામની જાહેરાત સંભવત: સાંજ સુધી કરી દેવાશે. આ વખતે ઇવીએમ ઉપરાંત વીવીપેટની પણ ગણતરી થવાની હોવાથી વિજેતાનું નામ સાંજે સાત વાગ્યા સુધીમાં જાહેર કરી દેવાય તેવી સંભાવના છે. ભુજ ઇનજેરી કોલેજ ખાતે મત ગણતરી કેન્દ્રમાં સાત મોટા ખંડમાં રાબેતા મુજબ ગણતરી હાથ ધરાશે. એક એક ખંડમાં 14-14 ટેબલ પર ઇવીએમમાં પડેલા મતોની ગણતરી થશે. જો કે સત્તાવાર મત ગણતરી સવારે 7 વાગ્યાથી શરૂ થશે. પ્રથમ પોસ્ટલ મતોની મોજણી થશે, ત્યારબાદ અર્ધા કલાકના વિરામ પછી ઇવીએમ હાથ પર લેવાશે અને જ્યારે ઇવીએમ ગણાઇ જશે ત્યારબાદ છેલ્લે મતગણતરીના ખંડમાં માઇક્રો ઓબ્ઝર્વર કાઉન્ટિંગ સુપરવાઇઝર, કાઉન્ટિંગ આસિસ્ટન્ટ તથા રાજકીય પક્ષોના એજન્ટોની હાજરીમાં જે તે વિધાનસભાના રિટર્નિંગ ઓફિસર કાચની બરણીમાં નખાયેલા નંબરોમાંથી ડ્રો સ્વરૂપે અલગ અલગ પાંચ ચિઠ્ઠી કાઢશે અને એ પાંચ મતદાન બૂથના વી.વી. પેટ ગણતરી ટેબલ પર લાવી મેન્યુઅલ થોકડીઓ બનાવી તેની જૂની પદ્ધતિએ ગણતરી થશે. આ ગણતરીનું દેશભરમાં અનેરું મહત્ત્વ છે, કારણ કે ઇવીએમ પર વિરોધ પક્ષ અવિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે અને ચૂંટણીપંચ વિશ્વભરના દેશોમાં ઇવીએમથી જ પારદર્શક ચૂંટણી થાય એ સાબિત કરવા વી.વી. પેટનો ઉમેરો કરી તેની પણ અંદાજિત ગણતરી કરી એ સાબિત કરવા માગે છે કે ઇવીએમથી જ ચૂંટણી ન્યાયી અને કાયદેસરની છે. ઉલ્લેખનીય છે કે ઇવીએમ નામ જોડાયેલું છે પણ વાસ્તવમાં એ બી.યુ. (બેલેટ યુનિટ) અને સી.યુ. (કંટ્રોલ યુનિટ) એમ બે બેટરી સંચાલિત યંત્રોનું બનેલું છે. મતદાર મત આપે બી.યુ. પર અને મત જમા થાય સી.યુ.માં. ગણતરી વખતે સીલબંધ કંટ્રોલ યુનિટમાં જેટલા મતો હોય એટલા જ મતો વી.વી. પેટમાં કાપલી સ્વરૂપે પણ નીકળવા જોઇએ અને એટલા જ મતો જે તે  બૂથના પ્રિસાઇડિંગ ઓફિસરે સહી-સીલ-સિક્કા સાથે આપેલા 17-ઘ નામના પત્રકમાં હોવા જોઇએ. ગણતરી વખતે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત આ ત્રણેય એકમોની એક જ ટેબલ પર ગણતરી થશે અને ત્રણેયનો આંક એક જ આવશે તો જ ચૂંટણી તટસ્થ અને નિર્વિવાદિત ગણાશે. દરમ્યાન નાયબ ચૂંટણી અધિકારી એમ. બી. પ્રજાપતિએ આજે કલેક્ટર કચેરી ખાતે આ મતગણતરીની તૈયારી સંદર્ભે યોજેલી પત્રકાર પરિષદમાં વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, કુલ્લ બે હજાર જણનો સ્ટાફ આ ગણતરી પ્રક્રિયા પાર પાડશે. 14 ટેબલના એક રાઉન્ડ એ હિસાબે ગણતરી આગળ વધતી જશે. આ વખતે મોબાઇલ પર ચૂંટણીપંચે પ્રતિબંધ મૂક્યો હોવાથી તંત્રનો દાવો છે કે કોઇને પણ મોબાઇલ લઇ જવા દેવાશે નહીં. જો કે મીડિયા સેન્ટરમાં મોબાઇલની છૂટ છે અને કોમ્યુનિકેશન રૂમની બાજુમાં એક ખાસ રૂમ ઊભો કરાયો છે જ્યાં ટોકન લઇને મોબાઇલ સંગ્રહ કરાશે. વી.વી.પેટના મતોની ગણતરી દરેક વિધાનસભા ગણતરી સંકુલમાં આઠ નંબરની ટેબલ પર હાથ ધરાશે, જે માટે ખાસ કચ્છના ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં રાખીને એક-એક ખાનાદાર ટેબલ તૈયાર કરાઇ છે જેમાં 11 ખાનામાં 11 દાવેદારના નામવાળા વી.વી. પેટની કાપલી મૂકી 25-25ની સંખ્યામાં રબ્બર બેન્ડથી બાંધી ગણતરી થશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer