ઇંગ્લેન્ડ અને ભારત ફેવરિટ કેમ ?

નવી દિલ્હી, તા.21: વર્લ્ડ કપ શરૂ થવા આડે હવે 10 દિવસનો સમય પણ નથી રહ્યો. ક્રિકેટ પંડિતો કઇ ટીમ ચેમ્પિયન બનશે તેના પર વિશ્લેષણ કરી રહ્યા છે. મોટાભાગનાએ યજમાન ઇંગ્લેન્ડ અને ભારતની ટીમને ખિતાબની પ્રબળ દાવેદાર ગણાવી છે. એનું કારણ એ છે કે પાછલા કેટલાક વર્ષોમાં આ બે ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ઇંગ્લેન્ડની ટીમ આઇસીસી વન ડે ક્રમાંકમાં હાલ નંબર વન છે. ઇયાન મોર્ગનના સુકાનીપદ હેઠળ ઇંગ્લેન્ડની ટીમે પાછલી 10 સિરીઝ જીતી છે. આ દરમિયાન તેણે દ. આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યુઝિલેન્ડ અને પાકિસ્તાન જેવી મજબૂત ટીમોને હાર આપી છે. જ્યારે વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ પાછલી 10 વન ડે શ્રેણીમાંથી આઠમાં વિજય હાંસલ કર્યો છે. આ દરમિયાન ભારતે આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા જેવી ટીમોને હાર આપી છે. જો કે આ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે આંચકારૂપ હાર પણ સહન કરવી પડી છે. ભારત વિશ્વ ક્રમાંકમાં બીજા સ્થાને છે અને ત્રીજો વિશ્વ કપ જીતવા મેદાને પડશે.  બીજી તરફ દ. આફ્રિકાએ પણ પાછલી પ વન ડે સિરીઝ સતત જીતી છે. જો કે તેને ભારત અને ઇંગ્લેન્ડ સામે હાર મળી હતી. આ સામે ઓસ્ટ્રેલિયાએ પાછલી 10 સિરીઝમાંથી ફકત 4 સિરીઝ જ જીતી છે, પણ ભારત પ્રવાસની આખરી ત્રણ મેચ જીતીને શ્રેણી કબજે કરી હતી. બાદમાં પાકિસ્તાનને યૂએઇમાં પ-0થી સજ્જડ હાર આપી હતી. આમ તે પાછલી 8 વન ડે મેચથી અપરાજિત છે અને ફોર્મમાં વાપસી કરી ચૂકી છે. આથી ઓસ્ટ્રેલિયા પણ વર્લ્ડકપમાં ફેવરિટ ટીમ બની ગઇ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer