ઇંગ્લેન્ડની વર્લ્ડ કપ ટીમમાં આર્ચર, ડોસાન અને વિન્સનો સમાવેશ

લંડન, તા. 21 : આઇસીસી વર્લ્ડ કપ માટે યજમાન દેશ ઇંગ્લેન્ડે આજે તેની ફાઇનલ ટીમ જાહેર કરી છે. જેમાં ધારણા અનુસાર કેરેબિયન મૂળના ઓલરાઉન્ડર જેફ્રા આર્ચરનો સમાવેશ કરાયો છે. આર્ચર ઉપરાંત સ્પિન ઓલરાઉન્ડર લિયામ ડોસાન અને ઓપનિંગ બેટસમેન જેમ્સ વિન્સ પણ ઇંગ્લેન્ડની વર્લ્ડ કપ ટીમમાં સામેલ થયા છે. જોફ્રા આર્ચર મૂળ વેસ્ટ ઇન્ડિઝનો ખેલાડી છે. તેને હાલમાં જ ઇંગ્લેન્ડનું નાગરિકપદ મળ્યું છે. તેણે આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમીને સારું પ્રદર્શન કર્યું હતું. 29 વર્ષીય લિયામ ડોસાન હેમ્પશાયરનો ખેલાડી છે. કાઉન્ટી ક્રિકેટના સારા દેખાવનું તેને ઇનામ મળ્યું છે. જ્યારે જેમ્સ વિન્સએ પાકિસ્તાન સામેની વન ડે શ્રેણીમાં સારો દેખાવ કર્યો હતો. આથી તેનો એલેકસ હેલ્સના સ્થાને સમાવેશ કરાયો છે. હેલ્સ પ્રતિબંધત દવાના સેવનમાં ઝડપાયા બાદ ઇંગ્લેન્ડની ટીમમાંથી ખસી ગયો હતો. ઇંગ્લેન્ડની આ પહેલાં 1પ ખેલાડીની વર્લ્ડ કપની ટીમ જાહેર થઇ હતી. તેમાંથી હેલ્સ ઉપરાંત જો ડેન્લી અને ડેવિડ વિલી બહાર થઇ ગયા છે.  ઇંગ્લેન્ડની વર્લ્ડ કપ ટીમ : ઇયાન મોર્ગન (કેપ્ટન), જો રૂટ, મોઇન અલી, જોફ્રા આર્ચર, જોની બેયરસ્ટો, જોશ બટલર (વિકેટકીપર), ટોમ કરન, લિયામ ડોસાન, લિયામ પ્લેંકેટ, આદિલ રશિદ, જેસન રોય, બેન સ્ટોકસ, જેમ્સ વિન્સ, ક્રિસ વોકસ અને માર્ક વૂડ.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer