સુદીરમન કપ : મલેશિયા સામે ભારતીય ટીમની હાર

નાનિંગ (ચીન), તા. 21 : સુદીરમન મિક્સ ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપના ગ્રુપ ડીના પહેલા મુકાબલામાં ભારતીય ટીમનો મલેશિયા સામે 2-3થી આંચકારૂપ પરાજય થયો હતો. આથી ભારતનું નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવાનું કઠિન બન્યું છે. આજે રમાયેલા આ મુકબાલમાં શરૂઆતમાં સાઇરાજ રેડ્ડી અને અશ્વિની પોનપ્પાની જોડીએ મલેશિયાની જોડી સામે 16-21, 21-17 અને 24-22થી જીત અપાવી હતી. આ પછી પુરુષ સિંગલ્સમાં શ્રીકાંતના સ્થાને સમીર વર્માને ઉતારવાનો ભારતનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. સમીર મલેશિયાના ખેલાડી લી જી જિયા સામે 13-21 અને 1પ-21થી હારી ગયો હતો. આથી સ્કોર 1-1ની બરાબરી પર આવી ગયો હતો. મહિલા સિંગલ્સમાં પીવી સિંધુએ ગોહ જિન વેઇ સામે 21-12 અને 21-8થી હાર આપીને ભારતને 2-1થી આગળ કર્યું હતું. આ પછી મેન્સ ડબલ્સની ભારતીય જોડી મનુ અત્રી અને સુમીત રેડ્ડી હારી હતી. આથી સ્કોર 2-2ની બરાબરી પર આવી ગયો હતો. પાંચમા અને નિર્ણાયક મેચમાં મહિલા ડબલ્સમાં ભારતની અશ્વિની પોનપ્પા અને એન. સિક્કી રેડ્ડીની હાર થઈ હતી. આથી મલેશિયાનો 3-2થી વિજય નોંધાયો હતો. ભારતીય બેડમિન્ટન ટીમ 2011 અને 2017માં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer