મતગણતરી મથક નજીક ચારથી વધુ વ્યક્તિ એકત્ર થઇ નહીં શકે

ભુજ, તા 21 : શહેરની એન્જિનિયરિંગ કોલેજમાં તા. 23-5ના યોજાનાર મતગણતરીને પગલે મથકની 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થઇ શકશે નહીં તેવું જાહેરનામું બહાર પડાયું હતું. આ અંગે કલેકટર રેમ્યા મોહન દ્વારા બહાર પડાયેલા જાહેરનામામાં જણાવ્યા મુજબ મતગણતરી મથક સિવિલ એન્ડ એપ્લાઇડ મિકેનિકલ બિલ્ડિંગ, ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, ભુજ આસપાસ  સવારે 6 કલાકથી મત ગણતરી પૂર્ણ થયાના બે કલાક સુધી મથક અને તેની 200 મીટરની ત્રિજયાના વિસ્તારમાં ચારથી વધુ વ્યકિતઓ એકઠા થઇ શકશે નહીં, તેમજ સભા ભરી શકશે નહીં કે સંબોધી શકાશે નહીં અને સરઘસ કાઢી શકશે નહીં. ઉપરાંત કોઇ પણ વ્યક્તિ બાકસ, લાઇટર, ગેસ લાઇટર કે અન્ય સળગાવી શકાય તેવા પદાર્થો કે ચીજવસ્તુઓ લઇ જઇ શકશે નહીં. મતગણતરીના દિવસે ઉમેદવારો કે ઉમેદવારોના ટેકેદારોના રાજકીય પક્ષોના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થવા સંભવ હોય તેઓએ મત ગણતરીની કામગીરીમાં કોઇ અડચણ ઊભી કરવી નહીં  તેમ જણાવાયું હતું. આ જાહેરનામું ભારતના ચૂંટણીપંચ દ્વારા નિયુકત ઓબ્ઝર્વર, ચૂંટણી ફરજ પરના સરકારી કર્મચારી/અધિકારીઓ તથા ચૂંટણી ફરજ પરના વાહનો, ચૂંટણી અધિકારી,  મદદનીશ ચૂંટણી અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી,  પોલીસ અધીક્ષકે અધિકૃત કરેલ વ્યકિતઓને લાગુ પડશે નહીં. આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ શિક્ષાત્મક પોલીસ કાર્યવાહી કરવાને પાત્ર ઠરશે તેમજ દોષિત જાહેર થનારને એક માસની સાદી કેદની સજા અથવા રૂ.200નો દંડ અથવા બંને સજા થઇ શકશે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer