ભુજ આવતી ખાનગી ટ્રાવેલ્સ વોલ્વોને અકસ્માત : ચાલકનું સ્થળ ઉપર મોત

અમદાવાદ, તા. 21 : અમદાવાદથી ભુજ જતી સહજાનંદ ટ્રાવેલ્સની વોલ્વો બસ મોરબી જિલ્લાના હળવદ ચાર રસ્તા પાસે એક ટ્રકમાં ઘૂસી ગઇ હતી. આ દુર્ઘટનામાં ખાનગી બસચાલક નાથુલાલ ઉર્ફે અજય રૂપાજી પટેલ (ઉ.વ.39) નામના રાજસ્થાનીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જો કે, મુસાફરોને ઇજા થઇ નહોતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ?ત્યાં દોડી આવી હતી અને વોલ્વો બસના મૃતક ડ્રાવરની લાશને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બસ જ્યારે ભુજથી અમદાવાદ તરફ જઇ રહી હતી ત્યારે જ બસની  બ્રેક ફેઇલ થઇ ગઇ હતી. જેના કારણે ખાનગી વોલ્વો બસ ટ્રકની પાછળ જોરદાર ધડાકાભેર ઘૂસી ગઇ હતી. ટ્રક સાથે જબરદસ્ત રીતે અથડાવાના કારણે વોલ્વો બસનો આગળનો ભાગ અને ટ્રકનો પાછળનો ભાગ એકદમ ભૂક્કો બોલી ગયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે, વોલ્વો બસના  ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ ગંભીર ઇજાઓ થવાના કારણે કરુણ મોત નીપજ્યું હતું. જો કે, આ અકસ્માતમાં બસચાલક સિવાય અન્ય કોઇ મુસાફરને ઇજા નહીં થતાં મોટી દુર્ઘટના ટળી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer