કચ્છનું 65.46 ટકા પરિણામ : ટોપટેનમાં પાંચ ગામડાંનો ડંકો

ભુજ, તા. 21 : ગુજરાત રાજ્યનાં શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. 10ની પરીક્ષાનું પરિણામ આજે મંગળવારે જાહેર કરાયું હતું. કચ્છ જિલ્લાના 65.46 ટકા વિદ્યાર્થી સફળ થતાં ગત વર્ષની તુલનાએ પરિણામ 2.84 ટકા ઓછું આવ્યું છે, તો રાજ્યના 66.97 ટકાની તુલનાએ 1.51 ટકા ઓછું છે. એ-વન ગ્રેડમાં કચ્છના 77 છાત્રોએ સ્થાન મેળવતાં વ્યક્તિગત વીરલ સિદ્ધિ મેળવનાર છાત્રોની સંખ્યા ઘટી છે. ગત વર્ષે એ-વન ગ્રેડમાં 83 છાત્ર હતા. જિલ્લાની 14 શાળાના દરેક છાત્ર સફળ થતાં 100 ટકા પરિણામ આવ્યું છે. 10 ટકાથી નીચું પરિણામ માત્ર 1 શાળાનું રહ્યું છે. કોડાય પુલ કેન્દ્ર આ વખતે 79.65 ટકા સાથે મોખરે રહ્યું છે. કચ્છમાં આ વખતે નવા ઉમેરાયેલા ફતેહગઢ ઉપરાંત વિતેલા વરસે ઉમેરાયેલા બિદડા, કટારિયા, વિથોણ, રતનાલ અને કુકમા સહિત કુલ્લ 32 કેન્દ્ર પરથી ધો. 10ની પરીક્ષા લેવાઇ હતી. કચ્છમાં નોંધાયેલા 23,457માંથી 23,268 છાત્રએ પરીક્ષા આપી હતી, જેમાંથી 15232 છાત્ર સફળ રહ્યા હતા. તો 8045 વિદ્યાર્થીનાં પરિણામ પત્રકમાં હજુ સુધારાની જરૂ છે, તેવું મૂલ્યાંકન બોર્ડના નિરીક્ષકોએ કર્યું હતું. આ વર્ષે મોખરે રહેલા કોડાય પુલ કેન્દ્ર પરથી 462 છાત્રએ પરીક્ષા આપી હતી, જેમાંથી 368 સફળ થયા હતા. ગત વર્ષે ચોથા સ્થાને રહેલા માધાપરે પ્રગતિ સાધતાં 77.08 ટકા સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. આ કેન્દ્રના  445માંથી 343 વિદ્યાર્થી સફળ રહ્યા હતા, વિતેલા વરસે છેક 20મા સ્થાને રહેલા કેરા કેન્દ્રએ નેત્રદીપક પ્રગતિ સાધતાં આ વખતે 76.59 ટકા સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે. કેરાના 440માંથી 337 છાત્રને સફળતા મળી છે. ચોથું સ્થાન મેળવનાર આદિપુર કેન્દ્રના 1638માંથી 1213 એટલે કે, 74.05 ટકા છાત્ર સફળ થયા હતા, તો 73.95 ટકા સાથે પાંચમા સ્થાને ગયેલા ભુજ કેન્દ્રના 3248માંથી 2402 છાત્ર સફળ થયા છે. વિતેલાં વર્ષે 11મા સ્થાને રહેલું મુંદરા કેન્દ્ર આ વખતે 916માંથી 662 છાત્રની સફળતાના પગલે 72.27 ટકા સાથે છઠા સ્થાને રહ્યું છે. સાતમા સ્થાને રહેલાં માંડવી કેન્દ્રના 1579માંથી 1129 એટલે કે 71.50 ટકા વિદ્યાર્થી સફળ રહ્યા છે. ગાંધીધામ કેન્દ્રના 2674માંથી 1897 વિદ્યાર્થી સફળ થતાં 70.94 ટકા સાથે આઠમા સ્થાને રહ્યું છે. ભુજપુર કેન્દ્રના 417માંથી 291 છાત્ર સફળ થતાં 69.78 ટકા સાથે નવમા ક્રમે રહ્યું છે, તો 69.32 ટકા સાથે 10મા સ્થાને રહેનાર બિદડાના 251માંથી 174 છાત્ર સફળ થયા હતા. કુલ્લ 32માંથી આઠ કેન્દ્રો એવા છે કે, જેનું પરિણામ 70 ટકાથી ઊંચું આવ્યું છે, તો આ વખતે નવા ઉમેરાયેલા ફતેહગઢ ઉપરાંત, કટારિયા, ખાવડા અને આડેસર કેન્દ્રોનું પરિણામ 50 ટકાથી નીચું રહ્યંy છે. બીજી તરફ વિતેલાં વર્ષે ઉમેરાયેલા બિદડા, કુકમા, વિથોણ ઉપરાંત ભુજપુર, માનકૂવા, ગઢશીશા, નખત્રાણા, ભુજોડી, ઢોરી, અંજાર મળીને 10 કેન્દ્રોએ 60 ટકાથી ઉપર પરિણામ મેળવ્યું છે. ખાસ ઉલ્લેખનીય બાબત એ રહી છે કે, ટોચના 10 કેન્દ્રોમાં આ વખતે મોખરે રહેલા કોડાય પુલ ઉપરાંત માધાપર, કેરા, ભુજપુર અને બિદડા જેવાં પાંચ નાનકડાં ગામડાંઓએ સ્થાન મેળવીને કાઠું કાઢયું છે. આડેસર કેન્દ્ર 34.27 ટકા સાથે છેલ્લે રહ્યું હતું. આ કેન્દ્રના 499માંથી 171 છાત્ર સફળ રહ્યા હતા, તો નવું ઉમેરાયેલું ફતેહગઢ 40.22 ટકા સાથે 31મા સ્થાને રહ્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer