ભુજમાં આંગણવાડીઓ માટે ફાળવાયેલી જમીનો પર પાકા મકાનો રૂપી દબાણો

ભુજ, તા 21 : શહેરમાં ભાડાના મકાનમાં ચાલતી 60 જેટલી આંગણવાડીઓ પૈકી અંદાજે 16 આંગણવાડી માટે વર્ષ 2013માં જિલ્લા કલેકટર દ્વારા ફાળવાયેલી જમીનો પર પાકા મકાન રૂપી દબાણો થઇ ગયા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં કુલ્લ 60 આંગણવાડી ભાડાના મકાનમાં કાર્યરત છે. જે પૈકી વર્ષ 2013માં 16 માટે તત્કાલિન જિલ્લા કલેકટર હર્ષદભાઇ પટેલે શહેરના સ્લમ વિસ્તારોમાં જમીન ફાળવી હતી. પરંતુ સંકલિત બાળ વિકાસ શાખાની ઉદાસીનતાના કારણે બાંધકામ કરવામાં ન આવતાં આ જમીનો પર પાકા મકાનો ચણાઇ ગયા છે. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ અંગત રસ લઇ આંગણવાડીઓ માટે ફાળવાયેલી જમીનો ખાલી કરાવવા નેટિસો આપવા પણ આદેશ કર્યો છે. આ અંગે આઇ.સી.ડી.એસ. ઇન્ચાર્જ પ્રોગ્રામ અધિકારી રવિરાજસિંહ ઝાલાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ જિલ્લા વિકાસ અધિકારીએ સિટી સર્વે મામલતદાર કચેરી અને આઇ.સી.ડી.એસ. શાખાના સુપરવાઇઝરોની સંયુક્ત બેઠક બોલાવી ઉપરોક્ત જમીનોનું સ્થળ નિરીક્ષણ કરી જવાબ આપવા જણાવ્યું હતું. આ 16 જગ્યા પૈકી વાલ્મિકીનગર, કેમ્પ એરિયા, હાથીસ્થાન શાળા ગ્રાઉન્ડ, આશપુરીનગરી-3 સરપટ નાકા બહાર, કજલીનગર, સંજોગનગર, રામનગરી-2 અને ત્રણ નવી રાવલવાડી અને આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ ખાતે જમીન ખાલી છે. જેમાં ફેન્સિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે આશાપુરી નગરી-1, નાગોર  રોડ, ગણેશનગર-2, વાઘેશ્વરી ચોક, દેવીપૂજકવાસ અને શાત્રી નગરમાં દબાણો થઇ ગયા છે, જેને હટાવવા નોટિસો પાઠવવામાં આવશે. તેમ દેવીપૂજકવાસ અને શાત્રીનગરની જમીન બાબતે કોર્ટ કેસ ચાલુ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer