વાહન નંબર માટે ખર્ચાયા 4.66 લાખ રૂા.

ભુજ, તા. 21 : અમદાવાદ કે એવાં મોટાં શહેરોની જેમ જ ચકચકતી મોંઘીદાટ ગાડીઓ લેવામાં જેમ કચ્છ પાછળ નથી એમ મનપસંદ નંબર લેવામાં પણ મોટાં શહેરોની હરોળમાં સ્થાન મેળવવું હોય એમ નંબરરસિયા કચ્છી માડુએ 4.66 લાખની બોલી લગાવીને કાર શ્રેણીમાં `નવ' નંબરનો જંગ જીત્યો છે. જીજે12-ડીએસ શ્રેણી માટેની ઓનલાઈન હરાજીમાં એક નવડા માટે રીતસર સ્પર્ધા જામી હતી અને આખરે અંજારના હરદીપસિંહ વીરેન્દ્ર જાડેજાએ મસમોટી રકમ સાથે પોતાની વોલ્વો કાર માટે આ નંબર મેળવવામાં સફળતા મેળવી હતી. આટલી મોટી રકમની બોલી કચ્છના વાહનવ્યવહાર ઈતિહાસની સંભવત: સૌથી મોટી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઓનલાઈન પ્રક્રિયામાં આરટીઓ કચેરીના ચોપડે કુલ 9 લાખ કરતાં વધુની રકમ નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં જ્યારે કવર દ્વારા પસંદગીના નંબરોની બોલી લાગતી હતી ત્યારે ભૂતકાળમાં કાર નંબરની શ્રેણી માટે જ `0001' માટે 1,92,000ની બોલી લાગી હતી જેનો વિક્રમ પણ આજે તૂટી ગયો હતો. ઓનલાઈન બોલીનું આજે બપોરે પરિણામ ખૂલ્યું હતું જેમાં `0009' સ્પર્ધા અને રસનો વિષય બન્યો હોય એમ એકથી વધુ નંબરઈચ્છુકોએ આ માટે રેસ લગાવી હતી અને 25000ની બેઝપ્રાઈઝ ધરાવતા ગોલ્ડન શ્રેણીના આ નંબર માટે આંક વધતો વધતો 4,66,000 પહોંચી ગયો હતો અને આટલી રકમમાં આ નંબર જીતી લેવાયો હતો. આરટીઓ દિલીપ યાદવે આપેલી વિગતો અનુસાર ડીએસ શ્રેણી માટે કુલ 55 બોલી લાગી હતી અને 4.66 લાખ ઉપરાંત બીજી સૌથી મોટી રકમ 35000ની રહી હતી જે `9999' માટેની બોલી રહી હતી. આ પછી 25000ની કિંમતે આઠ વાહનધારકે જે નંબર ખરીદ્યા હતા જેમાં `1', `111', `555', `9009', `0007', `1111', `8888' અને `0555'નો સમાવેશ થાય છે. આ પછી 12 વાહનધારકે તેમને ગમતા નંબર રૂા.10000માં અને 32 નંબરો રૂા.5000માં ખરીદવામાં આવ્યા હતા જે બેઝપ્રાઈઝે જ ખરીદાયા હતા. 9900 નંબર આઠ હજાર રૂપિયામાં વેચાયો હતો. આજની પ્રક્રિયાને અંતે આરટીઓ કચેરીને રૂા. 9,89,000ની આવક થઈ હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer