ગુંદાલા પાસે રિક્ષાના પ્રવાસીને લૂંટનારા ચાર ઇસમને પાંચ-પાંચ વર્ષની કેદ

ભુજ, તા. 21 : મુંદરા તાલુકામાં ગુંદાલા ગામ નજીક જિંદાલ કંપની સમાઘોઘાના વરિષ્ઠ ફોરમેન ગાંધીધામના તૈયબ હાસમ અંસારીને માર મારી નિર્વત્ર કરી લૂંટી લેવાના છ વર્ષ જૂના કિસ્સામાં જિલ્લા અદાલતે આદિપુર શહેરના રહેવાસી એવા ચાર ઇસમને તકસીરવાન ઠેરવી તેમને પાંચ-પાંચ વર્ષની સખત કેદ અને પાંચ-પાંચ હજારના દંડની સજા ફટકારી હતી. કેસના અન્ય એક તહોમતદારને શંકાનો લાભ આપીને કોર્ટએ છોડી મૂકયો હતો. અત્રેના ચોથા અધિક સેશન્સ જજ એમ.એમ.પટેલ સમક્ષ 19મી મે 2013ના મોડી સાંજે બનેલી  આ ઘટના અંગેના કેસની સુનાવણી થઇ હતી. તેમણે કેસના પાંચ આરોપી પૈકીના આદિપુરના શબ્બીર હબીબ શેખ, સલીમ અબ્બાસ શેખ, જુણશ હાસમ શેખ અને અઝીઝ અબ્દુલ્લ શેખને હુમલા અને લૂંટ માટે જવાબદાર ઠેરવી તેમને આ સજા કરતો ચુકાદો આજે આપ્યો હતો. કેસના પાંચમા આરોપી રઝાક આમદ શેખને શંકાનો લાભ આપી મુકત કરાયો હતો. પાંચ-પાંચ વર્ષની સજા પામનારા ચારેય તહોમતદારને પાંચ-પાંચ હજારના દંડની સજા પણ ચુકાદામાં સંભળાવાઇ હતી. જો દંડની રકમ ભરપાઇ કરવામાં ન આવે તો આરોપીઓને વધુ બે મહિના કેદમાં રાખવાનો આદેશ પણ ન્યાયાધીશે કર્યો હતો. આ સુનાવણીમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશભાઇ મહેશ્વરી હાજર રહ્યા હતા. આ કેસની પૂર્વ વિગતો એવી છે કે ગાંધીધામમાં અપનાનગર ખાતે રહેતા ભોગ બનનારા તૈયબ અંસારી જિંદાલ કંપની સમાઘોઘા ખાતે સિનિયર ફોરમેન તરીકે ફરજ બજાવતા હતા. બનાવવાળા દિવસે મોડી સાંજે નોકરી પૂર્ણ કરીને તેઓ ગાંધીધામ જવા માટે વાહન પકડવા ઉતારુ રિક્ષામાં સવાર થયા હતા. રિક્ષાચાલક અને આ વાહનમાં અગાઉથી બેઠેલા વ્યકિતઓએ રિક્ષાને જુદા માર્ગે વાળી હતી. આ બાબતે પૂછતાછ કરતાં તૈયબને માર મરાયો હતો અને તેની પાસેથી રૂા. 1200ની રોકડ સાથેનું પાકિટ અને મોબાઇલ, ચાંદીની વીટી, ટિફિન, થેલો વગેરે લૂંટી લેવાયા હતા. આરોપીઓ ભોગ બનનારને નિર્વત્ર કરી રસ્તા ઉપર છોડીને ભાગી ગયા હતા. બાદમાં આ વિશે મુંદરા મરીન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો. જે કેસમાં આજે સજાનો આ ચુકાદો અપાયો હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer