વધુ રિમાન્ડ નામંજૂર કરવા સાથે વિંઝાણ કેસમાં આરોપી જેલના હવાલે

ભુજ, તા. 21 : અબડાસાના વિંઝાણ ગામના જમીનને સંલગ્ન અને સાત ખેડૂતના નામે ખોટું ખેતધિરાણ મેળવવાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી જેન્તીલાલ જેઠાલાલ ઠક્કરના ચાર દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થયા બાદ અદાલતે તેને પુન: ભચાઉ સ્થિત સબજેલમાં મોકલી આપ્યો હતો. તપાસનીશ એજન્સીની વધુ રિમાન્ડની માગણીનો અસ્વીકાર કરતાં કોર્ટએ આ હુકમ કર્યો હતો. ગત ગુરુવારે આ પ્રકરણમાં ધરપકડ કરાયેલા રાજકીય અને સામાજિક આગેવાન એવા જેન્તી ઠક્કરને તપાસનીશ એજન્સી સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા ભુજની ચીફ કોર્ટ સમક્ષ રજૂ કરી તેના આજ સુધીના ચાર દિનના રિમાન્ડ મેળવાયા હતા. આજે આ રિમાન્ડની અવધિ પૂર્ણ થતાં તહોમતદારને પુન: ભુજની આ અદાલત સમક્ષ રજૂ કરાયો હતો. તપાસનીશ અધિકારી ઇન્સ્પેક્ટર એમ.યુ. મસી દ્વારા તપાસનાં કામે વધુ રિમાન્ડની માગણી કરાઇ હતી. ન્યાયાધીશે આ માગણીનો સ્વીકાર ન કરતાં આરોપીને પુન: જ્યુડિશિયલ કસ્ટડીમાં ભચાઉ સબજેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. તપાસનીશ એજન્સીને સંલગ્ન સાધનો પાસેથી મળેલી જાણકારી અનુસાર કેસના અન્ય આરોપીઓને પકડવા તરફ હવે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રિમાન્ડ દરમ્યાન શું વિગતો અને કાગળો કબ્જે કરાયા તેની માહિતી હજુ જાહેર કરાઇ નથી, પણ કેસને સંલગ્ન મહત્ત્વની વિગતો તપાસનીશોએ મેળવી હોવાનું જાણવા મળ્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer