યજ્ઞથી સમાજમાં સંગઠનની ભાવના નિર્માણ થાય છે

ભુજ, તા. 21 : 24મો 11 કુંડી વૈદિક શાંતિ મહાયજ્ઞ સમારોહ કાંબરિયા દેવીપૂજક સમાજ અને વૈદિક વિચાર સંઘ-કચ્છના તત્ત્વાવધાનમાં ભૂતેશ્વર નગર, ભીડ ગેટ, ભુજ બહાર, રામદેવપીર મંદિર પ્રાંગણમાં 44 યજમાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. દેવીપૂજક જ્ઞાતિના યજમાનોએ વૈદિક શાંતિ એવં પર્યાવરણ શુદ્ધિ મહાયજ્ઞમાં આહુતિઓ આપી વાતાવરણને પવિત્ર બનાવી દીધું હતું. આર્ય સમાજ-ભુજના પંડિત જયકુમાર શાત્રીએ યજ્ઞ અનુષ્ઠાનની વિધિ વૈદિક મંત્રોના ઉચ્ચારથી અર્થ સમજ આપી સંપન્ન કરાવી હતી. અતિથિવિશેષ નવીનભાઈ વ્યાસ, સરસંચાલક આર.એઁસ.એસ. કચ્છ વિભાગે જણાવ્યું કે યજ્ઞથી સમાજમાં સંગઠનની ભાવના નિર્માણ થાય છે. રામદેવપીર મંદિરના પૂજારી શિવજી બાપુએ દેવીપૂજક સમાજના લોકોને જુદા-જુદા વ્યસનથી બચવા શીખ આપી હતી. વૈદિક વિચાર સંઘ-કચ્છે બાલ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવા તેમજ સરકારની વિવિધ યોજનાનો લાભ અપાવવા માટે મદદ કરવા તત્પરતા દર્શાવી હતી. કાર્યક્રમનું સંકલન કાન્તિલાલ પટેલે અને સંચાલન નારાણજી ચુડાસમાએ કર્યું હતું. ઉષાબા ચુડાસમા, મણિબેન પટેલ, નયનાબેન નાકરાણી, નરેશભાઈ પરમાર, રામજીભાઈ વાઘેલા, કાંતાબેન પરમારે જહેમત ઉઠાવી હતી. આભારવિધિ શિવજી પરમારે કરી. શાંતિપાઠ બાદ યોજાયેલા મહાપ્રસાદમાં 300થી વધુ ભાવિકો જોડાયા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer