ચિંકારા અભયારણ્યમાં ધૂમ ખર્ચ છતાં ચિંકારા ક્યાં ?

ચિંકારા અભયારણ્યમાં ધૂમ ખર્ચ છતાં ચિંકારા ક્યાં ?
માતાના મઢ (તા. લખપત), તા. 20 : કચ્છ જ નહીં પણ દેશભરમાં જ્યારે ફિલ્મી સિતારા સલમાન ખાને શિકાર કર્યો ત્યારે ચિંકારા-હરણની ધૂમ ચર્ચા હતી. સુપર સ્ટારે રાજસ્થાનમાં કાળિયાર હરણનો શિકાર કર્યો હોવાનો આક્ષેપ છે જેનો કેસ ચાલી રહ્યો છે, ચુકાદો હજુ બાકી છે. ત્યાં આ શિકાર અને શિકાર બાદનો ઊહાપોહ પશુપ્રેમી બિશ્નોઈ સમાજની જાગૃતિથી થયો અને કચ્છમાં આજે આ બિશ્નોઈ સમાજની અદામાં કોઈ જ પશુપ્રેમી ન હોવાથી આખેઆખા ચિંકારા અભયારણ્યમાંથી જ ખુદ ચિંકારા નામશેષ થઈ ગયા છે અને કોઈ કહેતા કોઈનાંયે પેટનું પાણી સુદ્ધાં હાલતું નથી. મહત્ત્વની વાત તો એ છે કે હાથીની જેમ કચ્છમાં વનતંત્ર માટે જીવતા કરતાં મૃત ચિંકારા વધુ મોંઘેરા અને મહત્ત્વના સાબિત થઈ રહ્યા છે. નારાયણ સરોવરને અડીને આવેલા ચિંકારા અભયારણ્યનો વિસ્તાર મસમોટો અર્થાત્ 443 વર્ગ ચો.કિ.મી.માં પથરાયેલો છે. દુ:ખની વાત છે કે સિમેન્ટ ઉદ્યોગના આગમન અને વિકાસ બાદ ધીમે ધીમે નારાયણ સરોવર અભયારણ્ય નામ ઉભરી આવ્યું છે. `િચંકારા' નામ જ ક્યાંયે નથી અને અભયારણ્યમાં પણ કેટલા ચિંકારા છે તેનો જવાબ વનતંત્ર પાસે નથી. લખપત તાલુકામાં ફેલાયેલી અફવા અનુસાર હાલ નારાયણ સરોવર અભયારણ્યમાં એક શિકારી ગેંગ સક્રિય થઈ છે. આ?શિકારી ગેંગની વિગતો સંદર્ભે આ પશ્ચિમ કચ્છના દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં ઝીણવટથી તપાસ કરતાં મળેલી વિગતો ચોંકાવનારી છે. 2010માં વસ્તી ગણતરી વખતે 1200 ચિંકારાની નોંધ થઈ હતી પણ 2019માં કેટલા એ પ્રશ્નના જવાબમાં સ્થાનિકનો વન સ્ટાફ માથું ખંજવાળે છે પણ જવાબ આપતો નથી. દરમ્યાન વનતંત્ર સંલગ્ન વર્તુળોના જણાવ્યાનુસાર દુકાળ નિમિત્તે વનતંત્રએ ચિંકારા માટે અભયારણ્યમાં દર ત્રણ કિ.મી.ના અંતરે પાણીના અવાડા બાંધ્યા છે. જેનો ખર્ચ એક ઊંડી તપાસને નોતરું આપે તેવો હોવાની દહેશત છે. દહેશત એટલા માટે કે જેમ ચિંકારા કેટલા એનો જવાબ નથી તેમ અવાડા ખર્ચ પણ બતાવાતો નથી. કચ્છમાં વનનંત્રની નીતિરીતિ આમેય શંકાસ્પદ તો રહેલી જ છે. ભૂતકાળમાં અનેક ગ્રાન્ટમાં ગરબડ બહાર આવી ચૂકી છે અને તેથી ચિંકારા વિનાના અભયારણ્યમાં પાણીના અવાડા પણ કાગળ પર ન બનાવાયા હોય તો સારું એવી જાગૃતોમાં છાની ચર્ચા ચાલી રહી છે. વનતંત્રની વિગતો તો ત્યાં સુધી મળે છે કે એ દર ત્રણ કિ.મી.ના અંતરવાળા અવાડા ટેન્કરથી દર ત્રીજા દિવસે ભરવામાં પણ આવે છે. હવે આખા અભયારણ્યમાં ઘાસનું તણખલું પણ નથી તેથી શું ખાઈને ચિંકારા પાણી પીવા આ અવાડા પર આવતા હશે એ પણ તપાસ માંગતો પ્રશ્ન છે. દરમ્યાન તાલુકામાં ચર્ચાતી ચોંકાવનારી વિગતો એ છે કે આ જ પાણી ભરેલા અવાડા શિકારીઓના મૂળ ઠેકાણા બની ગયા છે. વનતંત્ર કોઈનેય કહેતું નથી છતાં ક્યારે કયા અવાડા ભરાયા તેની માહિતી શિકારીઓ પાસે હોય છે અને હીન હનન પ્રવૃત્તિ અવાડા પાસે જ છુપાયેલા કરે છે. જો કે વનતંત્રના સ્થાનિક જવાબદાર અધિકારીએ શિકાર પ્રવૃત્તિ ચલાવાશે નહીં તેવી એ દિશામાં પૂરતા પગલાં લેવાની ખાતરી આપી છે. કચ્છના સૌથી મોટા એવા આ અભયારણ્યમાં શિકારી પકડાયા હોય અને વનતંત્રના ચોપડે ગુનો નોંધાયો હોય એ કોઈનેય યાદ ન હોવાથી આ દુકાળમાં નીકળેલી શિકારી ટોળી પણ પકડાશે કે કેમ એ તાલુકા માટે ચિંતાનો વિષય છે. વનતંત્રએ માર્ચથી મે (10) સુધી અઢી લાખ કિલો ઘાસ ચિંકારા માટે અભયારણ્ય વિસ્તારમાં નીર્યું છે એ દાવો પણ સહેજે ગળે ન ઊતરે તેવો છે. બીજીતરફ કચ્છના વનતંત્રએ ચિંકારા અભયારણ્ય સમિતિની રચના કરી છે તેવું જણાવતાં માતાના મઢના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ નારાજગી સાથે કહ્યું હતું કે, તેઓને આ સમિતિમાં સભ્ય તરીકે લેવાયા છે પણ બે વર્ષથી એકેય મિટીંગ જ મળી નથી. ચિંકારાના માંસની માંગ અને ઊંચા ભાવને લઈને શિકારી ગેંગ સક્રિય થઈ હોવાની માહિતીને પગલે શ્રી જાડેજાએ આર.એફ.ઓ.ને ફોન કરી આ હનન પ્રવૃત્તિ અટકાવવા અને અભયારણ્ય સમિતિની મિટીંગ બોલાવવા માંગ કરી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer