પંજાબ સામે દિલ્હીની દિલધડક જીત

દિલ્હી, તા. 20 :છેલ્લા દડા સુધી રસાકસીભર્યા રોમાંચક મુકાબલાના અંતે શિખર ધવન અને સુકાની શ્રેયસ ઐયરની શાનદાર અર્ધસદીઓનાં બળે દિલ્હી કેપિટલ્સે બે દડા બાકી હતા ત્યારે જ 164 રનનું લક્ષ્ય આંબી લેતાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો. લક્ષ્ય આંબવા મેદાન પર ઉતરેલી દિલ્હી વતી ધવને 41 દડામાં સાત ચોગ્ગા, એક છગ્ગા સાથે 56 રન ઝૂડી દીધા હતા. તો છેલ્લા દડા સુધી ક્રીઝ પર અણનમ ટકી રહેલા ઐયરે કેપ્ટન ઇનિંગ રમતાં 48 દડામાં ચાર ચોગ્ગા અને એક છગ્ગા સાથે 54 રન ફટકારી દીધા હતા. ઇન્ગ્રામે માત્ર નવ દડામાં ચાર ચોગ્ગા સાથે 19 રન કરીને વિકેટ ખોઇ દીધી હતી. પૃથ્વી શોએ માત્ર 13 રને વિકેટ?ગુમાવી હતી. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરતાં મેદાન પર ઊતરેલી કિંગ્સ ઈલેવન પંજાબે ક્રિશ ગેલની ઝંઝાવતી અર્ધસદીના બળે 20 ઓવરમાં 7 વિકેટે 163 રન કર્યા?હતા. ગેલે વધુ એકવાર કાંડાનું કૌવત બતાવીને દિલ્હીના ફિલ્ડરોને સતત દોડતા રાખતાં માત્ર 37 દડામાં છ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે 69 રન ફટકારી દીધી હતા. ત્યારબાદ મનદીપસિંહે 27 દડામાં એક ચોગ્ગા, 1 છગ્ગા સાથે 30 રન કર્યા હતા. સુકાની રવિચન્દ્ર અશ્વિન 14 દડામાં 21 ચોગ્ગા સાથે 16 રનમાં રબાડાનો દડો રમવામાં થાપ ખાઈ જતાં ઐયરને કેચ આપી વિકેટ ખોઈ બેઠો હતો. અણનમ રહેલા પૂંછડિયા ખેલાડી હરપ્રીત બ્રારે 12 દડામાં 2 ચોગ્ગા, 1 છગ્ગા સાથે 20 રન ઉમેર્યા હતા. લોકેશ રાહુલ ક્રીઝ પર જામી શક્યો નહોતો, નવ દડામાં 1 ચોગ્ગા, 1 છગ્ગા સાથે 12 રન કરીને પંતે સ્ટમ્પ ઉડાવી દેતાં જામવા પહેલાં જ રાહુલે પેવેલિયનની વાટ પકડી હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer