ચૂંટણીના માહોલમાં અશ્લીલ વાતચીતની ટેપ સોશિયલ મીડિયામાં વહેતી થતાં ખળભળાટ

ભુજ, તા. 20 : લોકસભાની ચૂંટણીના મતદાનને માંડ 72 કલાક જેવો સમય બાકી રહ્યો છે તેવા સમયે રાજકીય દાવપેચ અને એકમેકને પછાડી નાખવાના પેંતરા પણ પરાકાષ્ઠાએ પહેંચ્યા છે. આ અંતગર્ત આજે વહેલી સવારથી રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન ધરાવતા ભાજપના  નેતાની કથિત જુદીજુદી મહિલાઓ સાથેની અશ્લીલ વાતચીતની ઓડિયો ક્લિપો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા કચ્છ સહિત રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે.  કચ્છ અને ગુજરાત સહિત દેશના જુદાજુદા વિસ્તારોમાં હજારો મોબાઇલધારકો પાસે જુદીજુદી આ આઠ ઓડિયો ક્લિપ પહોંચી ચૂકી છે. તો ક્લિપો વહેતી થયા બાદ સંલગ્ન મહિલાઓના મંત્રી સાથેના કાર્યક્રમો દરમ્યાનના અને અન્ય ફોટા પણ સોશિયલ મીડિયામાં પ્રસારિત કરાયા છે.  જો કે, આ વાતચીત કે  તેનો અવાજ રાજ્ય સરકારના મંત્રીનો છે કે નહીં એ તપાસનો વિષય છે અને આ વિશેની સત્યતા જાણવા  વાતચીત કરવાના પ્રયાસને સફળતા મળી નહોતી. બહાર આવેલી વિગતો અનુસાર  સંવાદ કરનારી અને એકમેક સાથે લડતી-ઝઘડતી ક્લિપિંગવાળી મહિલાઓ શિસ્તબદ્ધ કેસરિયા પક્ષ સાથે સંકળાયેલી પૂર્વ કચ્છ વિસ્તારની હોવાનું જાણવા મળ્યું છે.  દિવસભર સોશિયલ મીડિયામાં અને ન્યૂઝ ચેનલોમાં ફેલાયેલી આ ઘટનાથી રાજ્ય સરકારના મંત્રીના રાજકીય પ્રતિદ્વંદીઓ ગેલમાં આવી ગયા છે અને ચૂંટણીના ખરા સમયે ઓડિયો ક્લિપ વહેતી કરીને નિશાન સાધવાના પ્રયાસ પાછળ કોણ છે એનીય અટકળો ચાલી રહી છે.રાજકારણ અને તેની સાથે સંલગ્ન અમુક માથાઓના નૈતિક અધ:પતનના એકથી વધુ  કિસ્સા બહાર આવતાં કચ્છને બદનામી મળી છે. ગઇકાલે ચકચારી નલિયાકાંડની કહેવાતી પિડિતા યુવતિનો ઇન્ટરવ્યુ અને એફીડેવીટવાળા સહિતના સંવાદો સાથેની વાતચીતને સોશ્યલ મિડિયામાં પ્રસારિત કરવાના પગલાને પણ ચૂંટણી સમયની રાજકીય ગંદી રમત સાથે અનુભવીઓ મૂલવી રહ્યા છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer