ભાનુશાલી ખૂનકેસમાં 1500 પાનાનું આરોપનામું પેશ

ભાનુશાલી ખૂનકેસમાં 1500 પાનાનું આરોપનામું પેશ
ભુજ/ગાંધીધામ, તા. 20 : કચ્છ સહિત રાજ્યભરમાં ભારે ચકચારી બનેલા કચ્છ ભાજપના અગ્રહરોળના નેતા જયંતીભાઇ પુરુષોતમ ભાનુશાલીની ચાલુ ટ્રેને કરપીણ હત્યા થવાના મામલામાં ખાસ તપાસ ટુકડી (સીટ) દ્વારા આજે પૂર્વ કચ્છની ભચાઉની અદાલતમાં છ આરોપી સામે ઘડી કઢાયેલું 1500 પાનાનું આરોપનામું પેશ કર્યું હતું. દરમ્યાન પ્રકરણમાં છેલ્લે ધરપકડ કરાયેલા કચ્છના રાજકીય-સામાજિક આગેવાન જેન્તીભાઇ જેઠાલાલ ઠક્કરના આજે વધારાના બે દિવસના રિમાન્ડ કોર્ટ પાસેથી તપાસનીશ ટુકડીએ મેળવ્યા હતા.  આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સીટની ટુકડી દ્વારા દિવસોની મહેનત સાથે કડીબદ્ધ પગલાઓ લઇ તૈયાર કરાયેલો તપાસનો અહેવાલ 1500 પાનાના સ્વરૂપમાં આજે ભચાઉ કોર્ટમાં ચાર્જશીટ તરીકે રજૂ કર્યો હતો. આ આરોપનામું સૌપ્રથમ પકડાયેલા નીતિન પટેલ અને રાહુલ પટેલ તથા ત્રણ શાર્પશૂટર અને સિદ્ધાર્થ પટેલ સામે ઘડાયું છે. કેસના સૂત્રધાર બતાવાયેલા છબીલ પટેલ અને આજે જેના વધુ બે દિનના રિમાન્ડ મેળવાયા છે તે આરોપી જેન્તી ઠકક્કર સામે આ ચાર્જશીટ મુકાઇ નથી. આ બન્ને સામે તપાસ ચાલુ હોઇ તપાસનીશો પુરવણી ચાર્જશીટ રજૂ કરશે.  દરમ્યાન હત્યાકેસમાં છેલ્લે ધરપકડ કરાયેલા અને રિમાન્ડ ઉપર લેવાયેલા જેન્તી ઠક્કરના રિમાન્ડની અવધિ આજે પૂર્ણ થતાં સીટની ટુકડીએ તેને પુન: ભચાઉની અદાલત સમક્ષ રજૂ કર્યો હતો. સીટ દ્વારા વધુ પાંચ દિવસના રિમાન્ડ મગાયા હતા. ન્યાયાધીશે બે દિવસના વધુ રિમાન્ડ મંજૂર કરતો આદેશ કર્યો હતો. વધારાના રિમાન્ડ તળે થનારી પૂછતાછમાં આરોપી પાસેથી વધુ કડીઓ મેળવવાનો પ્રયાસ કરાશે તેમ તપાસકર્તા ટુકડીને સંલગ્ન સૂત્રોએ જણાવ્યું હતું.  બીજી બાજુ સીટની ટુકડી દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા આરોપનામામાં કેસને સંલગ્ન સંખ્યાબદ્ધ લોકોના નિવેદન સાથે વિવિધ આધાર-પુરાવાઓ જોડવામાં આવ્યા છે. સાથેસાથે ઓડિયો અને વીડિયોના થોકબંધ ક્લિપિંગ પણ પેશ કરાયા છે. જેમના-જેમના ન્યાયાધીશ સમક્ષ સી.આર.પી.સી. 164 મુજબના નિવેદન લેવડાવાયા છે તે નિવેદનો પણ ચાર્જશીટમાં સામેલ કરાયા છે. કેસની ફરિયાદથી લઇને સમગ્ર ઘટનાક્રમના કરાયેલા ડેમોન્સ્ટ્રેશન સહિતના તમામ પાસાં પણ તપાસનીશોએ આવરી લઇને રજૂ કર્યા છે.  બીજી બાજુ સૂત્રધાર છબીલ પટેલ અને હાલે રિમાન્ડ ઉપર રહેલા જેન્તી ઠક્કર આ આરોપનામામાં સામેલ નથી. તેમની સામે ચાલી રહેલી તપાસ પૂર્ણ થયે તપાસનીશો પુરવણી ચાર્જશીટ રજૂ કરશે તેવો નિર્દેશ અપાયો છે. તો જેમના નામ ફરિયાદમાં છે અને જેઓ હજુ પકડાયા નથી તેવા બાકી રહેલા તહોમતદારોને પકડવા માટેના પ્રયાસો પણ જારી રખાયા હોવાની ચાર્જશીટમાં માહિતી અપાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા. 7મી જાન્યુઆરીના ભુજથી મુંબઇ જતી સયાજીનગરી ટ્રેનના ફર્સ્ટ કલાસ એ.સી. કોચમાં સામખિયાળી નજીક ભાજપના નેતા જયંતીભાઇ ભાનુશાલીની ચાલુ ટ્રેને ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી. રાજ્યભરમાં ભારે ચકચારી બનેલા આ કિસ્સામાં રાજકીય અદાવતને લઇને માજી ધારાસભ્ય છબીલ પટેલે કાવતરું ઘડી ભાડૂતી શાર્પશૂટરો રોકીને આ ખૂનકેસને અંજામ અપાવ્યો હોવાની વિગતો તપાસમાં બહાર આવી હતી. બનાવને લઇને છબીલ પટેલ તથા તેના પુત્ર સિદ્ધાર્થ પટેલ ઉપરાંત મનીષા ગોસ્વામી, સુરજિત ભાઉ, જેન્તી ઠક્કર અને પત્રકાર ઉમેશ પરમાર સામે ગુનો દાખલ કરાયો હતો. આ પછી શરૂ થયેલી તપાસમાં છબીલ પટેલનું રેલડી સ્થિત નારાયણ ફાર્મ સંભાળતા તેના બે ભાગીદાર રાહુલ પટેલ અને નીતિન પટેલ ઉપરાંત ત્રણ શાર્પશૂટરની સંડોવણી સ્પષ્ટ થતાં તેઓની ઉપરાંત સિદ્ધાર્થ પટેલની ધરપકડ થઇ હતી. વિદેશ ચાલ્યો ગયેલો સૂત્રધાર પણ અંતે હાજર થતાં તેની અને છેલ્લે જેન્તી ઠક્કરની ધરપકડ કરાઇ હતી.  આ વચ્ચે અમારા ભચાઉ સ્થિત પ્રતિનિધિના અહેવાલ મુજબ આજે કોર્ટની કાર્યવાહી સમયે આરોપીના સંબંધીઓ અને સ્નેહીજનો ઉપરાંત સમાજના અગ્રણીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer