કમળને ખીલવવા ચારણ સમાજ મેદાને

કમળને ખીલવવા ચારણ સમાજ મેદાને
ભુજ, તા. 20 : લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર રાષ્ટ્રની સાથે કચ્છભરમાં ભાજપ તરફી ખૂબ ઉત્સાહ અને ઉત્તેજના પ્રવર્તી રહી છે. તેવો દાવો કરીને કચ્છ જિલ્લા ભારતીય જનતા પક્ષના વિવિધ મોરચાઓ સંયુકત રીતે ઠેર ઠેર મહાસંમેલનો યોજી સમાજના વિવિધ સમુદાયોના લોકોને ભાજપની વિચારધારા સાથે જોડી રહ્યા છે ત્યારે પક્ષ સાથે જોડાયેલા કચ્છ ગઢવી સમાજના આગેવાનોએ ભૂતપૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવીની આગેવાની હેઠળ ચારણ-ગઢવી સમાજનું પ્રભુત્વ ધરાવતા વિવિધ ગામડાઓમાં ફરીને પ્રચાર-પ્રસાર અભિયાન હાથ ધર્યું હતું.  કચ્છ ભારતીય જનતા પક્ષના મોવડી એવા શ્રી ગઢવીના નેતૃત્વ હેઠળ આજે ભારતીય જનતા પક્ષ પ્રેરિત કચ્છ ચારણ સમાજના વિવિધ ચૂંટાયેલા પ્રતિનિધીઓ, વિવિધ ગામના સરપંચો અને પક્ષના હદ્દેદારો સહિત સમાજના અગ્રણીઓએ લોકસભા ચૂંટણીમાં કચ્છની ધરતી પરથી ફરી એક વખત કમળને પૂર્ણ કળાએ ખીલવવા માટે વિવિધ ગામડાઓ ખૂંદી વળીને પ્રચાર ઝુંબેશ આદરી હતી. આગેવાનોએ માંડવી તાલુકાના મોટા ભાડિયા ખાતેથી જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ત્યાર બાદ કોડાય ખાતે ગ્રામજનોની મુલાકાત લીધી હતી. કોડાય બાદ નાની-મોટી રાયણ, કાઠડા, નાના લાયજા, ભાડા, પાંચોટિયા, ઉનડોઠ અને રતડિયા ગામની મુલાકાત લઈ તમામ ગામોમાં સમાજના ભાઈઓ સાથે પરામર્શ કરીને વધુને વધુ જ્ઞાતિજનોને ભાજપની તરફેણમાં મતદાન કરી પોતપોતાના બૂથોનું સુયોગ્ય માઈક્રો મેનેજમેન્ટ કરી લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતમાં ચારણ સમાજનું મહત્વપૂર્ણ યોગદાન રહે એ જોવા ખાસ અપીલ કરી હતી.  પ્રવાસ દરમ્યાન માંડવી તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાણશીભાઈ ગઢવી, માંડવી શહેર ભાજપ મહામંત્રી રાજેશ કાનાણી, માંડવી તાલુકા ભાજપ ઉપપ્રમુખ હરીભા ગઢવી, નારાણભાઈ ગઢવી, ધનરાજ ગઢવી, કાઠડા ચારણ સમાજ પ્રમુખ દેવાંગ સાંખરા, સરપંચ એસો. અગ્રણી વરજાંગ ગઢવી સહિતના ભાજપ પ્રેરિત તમામ ચારણ સમાજના સરપંચો અને પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા સહ ઈન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer