કચ્છના ઈતિહાસને ભાજપે કલંકિત કર્યો

કચ્છના ઈતિહાસને ભાજપે કલંકિત કર્યો
આધોઇ/રાપર, તા. 20 : સરદાર પટેલ, મહાત્મા ગાંધી, લાલબહાદુર શાત્રી, સુભાષચંદ્ર બોઝે જે કોંગ્રેસનું સુકાન સંભાળ્યું હતું તે કોંગ્રેસમાં હું લોકોની સેવા કરવા, પ્રશ્નોનો અવાજ બનવા જોડાયો છું. ગત પાંચ વર્ષમાં ભાજપના સાસંદે પ્રજાલક્ષી એક પણ કાર્યો કર્યા નથી. કચ્છના ગૌરવવંતા ઈતિહાસને કલંકિત કરવાનું કામ ભાજપે કર્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે ભચાઉ તાલુકાનાં આધોઈ અને રાપર ખાતે જનઆક્રોશ સભાને સંબોધતાં જણાવ્યું હતું. નિર્ધારિત સમયથી એક કલાક મોડા હવાઈમાર્ગે સભાસ્થળે આવી પહોંચેલા હાર્દિક પટેલે ખીચોખીચ ભરેલી સભાને સંબોધતાં ભાજપ અને વડાપ્રધાનને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે કચ્છમાં નર્મદાનાં નીર આપવાની વાતો કરી પરંતુ કચ્છને ભાજપે પાણીવિહોણુ રાખ્યું છે.  પીવાના પાણીની તંગી, વાજબી ટેકાના ભાવનો અભાવ સહિતની સમસ્યાઓથી કચ્છનો ખેડૂત પરેશાન બન્યો છે. મહિલાસુરક્ષા, આત્મસન્માન, શિક્ષણ, રોજગારી, કચ્છના સાંસદે કોઈ કામ કર્યું નથી. નાનામાં નાના માણસની સમસ્યાનું સમાધાન લાવવા માટે કોંગ્રેસે નરેશભાઈને તક આપી છે. જંગી મતદાન કરી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા મેદનીને અપીલ કરી હતી. 2014માં 15 લાખના વાયદા નરેન્દ્ર મોદીએ આપ્યા હતા. એ 15 લાખ તો ન આવ્યા  પણ નાની-મોટી રકમ અનેક વખત ખાતામાંથી કપાઈ ગઈ. 2014માં ખેડૂતો માટેની યોજનાનો વાયદો આપ્યો હતો. પરંતુ કોઈ યોજના ન આવી પણ અમીરો-વેપારીઓ માટે યોજના અમલી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. ભચાઉ તાલુકાના આ વિસ્તારમાં સરકારી સ્કૂલ, કોલેજની વ્યવસ્થા કેમ હજુ સુધી નથી કરાઈ તેવો સવાલ ઉઠાવી કચ્છની એક સીટ ન આવે તો શું ? તેવું વિચારી ભાજપ કચ્છને વિકાસથી વંચિત રાખવાનું કામ કરે છે. કોંગ્રેસને જિલ્લાની 10થી 12 લાખની જનતાની ચિંતા હોવાનું જણાવી કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવવા હાકલ કરી હતી. 2019ની ચૂંટણી ભારત, ખેડૂતો, યુવાનો અને મહિલાનોનુ આત્મસન્માન બચાવવા માટેની ચૂંટણી હોવાનું કહ્યું હતું. તેમણે રાપર ખાતે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ભાજપના નેતાઓના કુકર્મો થકી કચ્છની ધરા બદનામ થઇ રહી છે. ખેડૂતો-યુવાનોના મતમાંથી સત્તા મેળવ્યા પછી વિશ્વાસઘાત કરનાર ભાજપને સત્તાસ્થાનેથી દૂર કરવાનો સમય પાકી ગયો છે. ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ વિધાનસભા જેમ કોંગ્રેસની પડખે રહેવા હાકલ કરી હતી. રાપરમાં જાગૃતિબેન શાહ, બહાદુરસિંહ પરમાર, મિતુલ મોરબિયા, મુકેશ ચૌધરી, રમેશ પટેલ, કરમશી વૈદ્ય વિગેરે હાજર રહ્યા હતા. કોંગ્રેસના અગ્રણી ભચુભાઈ આરેઠિયા, નવલસિંહ જાડેજા, ભચાઉ તાલુકા કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ જાડેજા વગેરેએ વક્તવ્ય આપ્યું હતું. આ વેળાએ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા  પ્રભારી અને સંયોજક અવિનાશભાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જાગૃતિબેન શાહ, અશોકસિંહ ઝાલા, આધોઈના સરપંચ જસુભા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ ભુજ તાલુકા ક્ષત્રિય યુવા પાંખના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને જંગી ગામના સોલંકી પરિવારના લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. તેમને હાર્દિક પટેલના હસ્તે ખેસ પહેરાવવામાં આવ્યો હતો. સભામાં આધોઈ ઉપરાંત આસપાસનાં ગામડાંના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer