મહેશ સંપ્રદાયના પદયાત્રીઓથી ગુંજતો ગુડથર માર્ગ

મહેશ સંપ્રદાયના પદયાત્રીઓથી ગુંજતો ગુડથર માર્ગ
સતીશ ઠક્કર દ્વારા
નલિયા (તા. અબડાસા), તા. 20 : મહેશ્વરી મેઘવાળ સમાજ મહેશ સંપ્રદાયના ઇષ્ટદેવ મોટા મતિયા ગુડથર ગામે યોજાનારી ધર્મયાત્રામાં સંપ્રદાયના ભાવિકો પદયાત્રાએ નીકળ્યા છે. રવિ અને સોમવારે અહીં બે દિવસનો મેળો યોજાશે. કચ્છ અને બૃહદ કચ્છમાંથી ભાવિકોનો મોટો પ્રવાહ ગુડથર તરફનો લાંબો પંથ કાપી રહ્યો છે. જો કે, દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પદયાત્રીઓના પ્રવાહમાં ઘટાડો નોંધાયો છે. વિદ્યાર્થી-બાળકોની પરીક્ષાઓ પૂરી થઇ ગઇ હોવાથી આ વર્ગ પોતાના પરિવાર સાથે વાહનમાં નીકળશે તેવું આયોજકો જણાવી રહ્યા છે. દર વર્ષે ચૈત્ર વદ-4 અને પાંચમના ધર્મયાત્રા યોજાય છે. આ વર્ષે 23મી તારીખના લોકશાહીનું પર્વ ચૂંટણી હોવાથી ભાવિકો તેમાં ભાગ લઇ શકે તે હેતુથી 21 અને 22 તારીખના ધર્મયાત્રા મુકરર કરાઇ?છે. માર્ગ પર પદયાત્રીઓની શુશ્રૂષા માટે  ગુડથરથી ભુજ, માંડવી સહિતના માર્ગો પર કેમ્પો કાર્યરત છે. રસ્તા પર,  વાહન પર મોબાઇલ કેમ્પ પણ કાર્યરત કરાયા છે. આત્મારામ નામક 65 વર્ષીય વૃદ્ધ મુંદરા તાલુકાથી પદયાત્રાએ નીકળ્યા છે. તેઓ ત્રીજા દિવસે ગુડથર પહોંચ્યા હતા. તો 60 વર્ષીય સુમલબેન પણ દર વર્ષે અંજાર તાલુકામાંથી પદયાત્રાએ આવે છે. 16 વર્ષીય રમીલાબેન પણ ગત વર્ષથી અંજાર તાલુકામાંથી પદયાત્રાએ આવે છે. તેરા માર્ગ પરના કેમ્પો તેરા, હમીરપર, ધુફી, બિટ્ટા, ભવાનીપર, મોથાળા, રાતા તળાવ, સણોસરા, રોહા, કોટડા, મંગવાણા, માનકૂવા, ભુજ સહિતના વિસ્તારોમાં રાહત કેમ્પો ધમધમી રહ્યા છે. તેરાની ભાગોળે મહેશપંથી સેવા ગ્રુપ દ્વારા બે દાયકાથી આ કેમ્પ કાર્યરત કરાય છે. 50 જણની ટીમ પદયાત્રીઓની સુવિધા માટે ખડેપગે હોય છે, જેમાં નારાણભાઇ જાટ, ખીમજીભાઇ રોલા, કાનજીભાઇ સૂંઢા, સોનબાઇ, લક્ષ્મીબેન વગેરે ટીમના સભ્યો પદયાત્રીઓની શુશ્રૂષા કરે છે. આ કેમ્પ પર ધસારો ભારે રહે છે. અહીં ભોજન, વિરામ, મેડિકલ સુવિધા સહિતની સગવડો પદયાત્રીઓને પ્રાપ્ય બને છે. ચાલુ વર્ષે દૂર-દૂરના વિસ્તારમાંથી ભાવિકો આવ્યા છે. મધ્યપ્રદેશથી પાંચ બસો મતિયા સ્થાનકે આવી છે. જામનગરથી 45 જેટલા ભાવિકો વાહન દ્વારા, 20 જણ રાજકોટથી પણ આવ્યા છે. બાયઠના કોચરા ગ્રુપ દ્વારા મોબાઇલ કેમ્પ કાર્યરત કરાયો છે. દશેક યુવાનો દ્વારા માર્ગ પર પદયાત્રીઓને ઠંડાં પીણાં ઉપલબ્ધ બનાવાય છે. બે દિવસ યોજાનારા મેળામાં હજારોની સંખ્યામાં લોકો ઊમટશે. મેળાની તમામ તૈયારીઓ પૂરી કરી લેવાઇ?છે. પીવાનાં પાણી માટે પાણી પુરવઠા બોર્ડ મારફતે વ્યવસ્થા ગોઠવાઇ છે. વિદ્યુત પુરવઠાની પી.જી.વી.સી.એલ. દ્વારા વ્યવસ્થા ગોઠવાઇ?છે. પ્રવાસીઓની હેરફેર માટે ખાસ નલિયાથી એસ.ટી. બસો દોડાવવામાં આવશે. કાયદો વ્યવસ્થા અને આરોગ્ય વિષયક સવલતો પણ ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા છે. બે દિવસ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે, જેમાં ધ્વજારોહણ, સ્થાન ઉર પૂજા, બારાઇ, પેડી સહિતનો સમાવેશ થાય છે. આયોજનને પહોંચી વળવા માટે સંસ્થાના પ્રમુખ લક્ષ્મણભાઇ ભરાડિયા, કિશનભાઇ દનિચા, ધનજીભાઇ બળિયા, ખુમુભાઇ?સીજુ, પૂનમભાઇ?દનિચા, ગાંગજીભાઇ ?આયડી, કિશોરભાઇ?માતંગ, કિશોરભાઇ?દાફડા વગેરે હોદ્દેદારોનો સહયોગ પ્રાપ્ત થયો છે. મતિયા મંદિરે ભાવિકોની સુવિધામાં અનેકગણો વધારો થયો છે. બે વર્ષ પૂર્વે નવું મંદિર બન્યા પછી અદ્યતન અતિથિગૃહનું નિર્માણ થયું છે. ડોમ અને છાંયડાની વ્યવસ્થા પણ ઊભી કરાઇ છે. તાજેતરમાં જ દાતા સ્વ. લખુભાઇ કાનજીભાઇ કટુઆ હ. વૈભવ લાલજીભાઇ કટુઆ દ્વારા અદ્યતન પ્રવેશદ્વારનું નિર્માણ કરાયું છે. મતિયાદેવના સ્થાનકને પ્રવાસન નકશામાં સ્થાન મળે તો હજી ઘણો વિકાસ થાય.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer