જુવારના રોટલાની સાથે ભોજનની મજા

જુવારના રોટલાની સાથે ભોજનની મજા
દેવપુર-ગઢ (તા. માંડવી), તા. 20 : મહેશ્વરી (મેઘવાળ) સમાજના ઇષ્ટદેવ મોટા મતિયાદેવ (ગુડથરવાળા)નો ચૈત્ર મહિનામાં મેળો ભરાય છે.  અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયાદેવ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ યોજાતી આ જાતરમાં કચ્છ ઉપરાંત છેક હાલાર-જામનગર, રાજકોટથી પદયાત્રીઓ દર્શનાર્થે આવે છે. પદયાત્રીઓની સેવા માટે ઠેકઠેકાણે સેવા કેમ્પ થાય છે. પદયાત્રીઓ માટે રોહા (સુમરી) ગામ નજીકનો કેમ્પ ખાસ છે. ખાસ એટલા માટે કે અહીં ભોજન લેનારાને ભાવથી જુવારના મીઠાં રોટલા સાથે ગુવારનું શાક પીરસાય છે. ભુજ-નલિયા માર્ગે રોહા (સુમરી) ગામ નજીક મતિયાદેવના દર્શને પગપાળા જતા યાત્રાળુઓ માટે મંડપમાં આરામની સુવિધા સાથે ચા-પાણી, નાસ્તો, ભોજન સહિતની સેવા ઉપલબ્ધ કરાઇ છે. ઇફકો કર્મચારી સંઘ દ્વારા યોજાતા આ કેમ્પમાં સતત ત્રણ દિવસ સુધી રોહા (સુમરી) મહેશ્વરી સમાજના સેવાભાવી કાર્યકરો સેવારત રહે છે. સમાજની મહિલાઓ આકરા તાપમાં પણ જુવારના લોટમાંથી રોટલા બનાવી પકવે છે. નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ વડીલો અહીં સેવારત રહેતા દેખાય છે.  મહેશ્વરી સમાજના ધર્મગુરુ અને રોહા (સુમરી) સાથે અખંડ નાતો સાચવનાર માતંગ માલશી વલુભાઇએ 1983માં પદયાત્રીઓ માટે કેમ્પની શરૂઆત કરાવી. 2012માં પોતે દેવ થયા ત્યાં સુધી નાતો નિભાવી સેવા આપી હતી. માલશી અઉવાના દેવ થયા બાદ તેમના અર્ધાંગિની ભચીબાઇ અને કવિ કાનજી ખેંગાર કોચરાના પુત્ર શામજીભાઇ કોચરાએ જવાબદારી ઉપાડી આ સેવા કેમ્પને અખંડ રાખ્યો છે. અહીં શામજીભાઇ કોચરાની સાથે ભચીબાઇ માલશીભાઇ માતંગ, કરસનભાઇ કોચરા, મગનભાઇ સીંચ, ચંદુભાઇ ધોરિયા, મૂરજીભાઇ મારાજ અને કરસનભાઇ દાફડા સેવા આપી રહ્યા છે. રોહા (સુમરી) મહેશ્વરી સમાજના આગેવાનો સેવા આપી રહ્યા છે. છાસના પાઉચ નહોતા ત્યારે નજીકના વેરસલપર ગામના પાટીદાર સહકાર આપતા હતા. કેમ્પની મુલાકાતે આવેલા માજી ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી, અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયાદેવ સેવા ટ્રસ્ટના પ્રમુખ લક્ષ્મણભાઇ ભરાડિયા અને ટ્રસ્ટની કારોબારીના સભ્યોએ આયોજકોને પ્રશસ્તિપત્ર આપી સેવા બિરદાવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer