અંત્યોદયના વિચારને ભાજપે મૂર્તિમંત કર્યો

અંત્યોદયના વિચારને ભાજપે મૂર્તિમંત કર્યો
ભુજ, તા. 20 : કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ રાપરની ઠાકોરવાડી ખાતે મુખ્યત્વે કોળી સમુદાયના લોકો સાથે જાહેર સભાના માધ્યમથી સંવાદ કર્યો હતો અને સરકારની વિવિધ યોજનાઓ થકી સમાજને મળેલા લાભો વિશે વિસ્તૃતપણે ચર્ચા કરતા લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાની તરફેણમાં ભારી માત્રામાં મતદાન કરવા સૌને અપીલ કરી હતી. કેબિનેટ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કચ્છનો પ્રવેશદ્વાર સમો વાગડ વિસ્તાર પોતાની નોખી તાસીર અને ભાતીગળ સંસ્કૃતિ માટે જાણીતો છે. મોદીએ વડાપ્રધાન પદ સંભાળ્યાના થોડા જ સમયગાળામાં કચ્છ અને વાગડને સીધા સ્પર્શતા સરદાર સરોવર ડેમને મહત્તમ ઊંચાઈએ પહોંચાડવાનો બહાદુરીભર્યો નિર્ણય લીધો હતો. નર્મદાના અવતરણ પછી વાગડની ખેતીની સિકલ બદલાઈ ચૂકી છે. કોળી સમાજના ભાઈઓને અનુલક્ષીને તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અંત્યોદયના વિચારને મૂર્તિમંત કરતા ભાજપ સરકારે હંમેશાં નાના અને ગ્રામ્ય સ્તરે વસવાટ કરતા સમુદાયોની ચિંતા ભોગવી છે. ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાની તરફેણમાં મતદાન કરી તેમને ભારી સરસાઈથી વિજયી બનાવશે એવી ખાતરી વ્યક્ત કરી હતી. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પક્ષનો પ્રત્યેક કાર્યકર સદાય પ્રજાની વચ્ચે રહેતો હોય છે. ત્યારે ચૂંટણીના સમયમાં તો પક્ષના હોદ્દેદારોથી માંડીને કાર્યકર્તાઓ સુધી સૌ કોઈ અવિરત મહેનત થકી પક્ષને ભવ્ય વિજય અપાવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આ સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, રાપર તાલુકા ભાજપ પ્રમુખ ડોલરરાય ગોર, રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ સોની, રામજીભાઈ સબરા, ઘનશ્યામભાઈ પૂજારા, નાનજીભાઈ ઠાકોર, અંબાવીભાઈ વાવિયા, રામજીભાઈ પીરાણા, વાગડ કોળી સમાજ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ, તુલસીભાઈ ઠાકોર તથા સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કોળી સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હોવાનું યાદીમાં જણાવાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer