આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત

ભુજ, તા. 20 : કચ્છમાં લોકસભાની ચૂંટણી માટે 23મીએ મતદાન થવાનું છે ત્યારે આદર્શ આચારસંહિતાના નિયમો પ્રમાણે મતદાનના 48 કલાક પહેલાં એટલે કે રવિવારે સાંજે 6 વાગ્યાથી પ્રચાર-પ્રસારના પડઘમ શાંત થઈ જશે, માત્ર ઘરોઘર જઈને ઉમેદવારો મતદારો સુધી જઈ શકશે એવી છૂટ આપવામાં આવી છે. આદર્શ આચારસંહિતાના નિયમો પ્રમાણે મતદાનના 48 કલાક પહેલાં કોઈ પણ સભા-સરઘસ, રેલી કે સામૂહિક પ્રચાર કરી શકાશે નહીં. ક્યાંય કોઈ ઉમેદવાર મતદારોને પ્રલોભન આપતા સમૂહ ભોજન, મેળાવડા પણ કરી શકશે નહીં. કચ્છની લોકસભાની ચૂંટણીમાં ભાજપના વિનોદભાઈ ચાવડા અને કોંગ્રેસના નરેશભાઈ મહેશ્વરી વચ્ચે સીધો જંગ ખેલાવાનો છે. બન્ને પક્ષે વિજય માટે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. એ સિવાય પણ કચ્છમાં હિન્દુસ્થાન નિર્માણ દળના પ્રવીણભાઈ ચાવડા સહિત 10 ઉમેદવારો મેદાનમાં છે. જેના માટે 23મીએ મતદારો પોતાના ઉમેદવારની પસંદગી સામે બટન દબાવવાના છે. કચ્છ ઉપરાંત મોરબી વિધાનસભા પણ લોકસભા વિસ્તારમાં આવતો હોવાથી છેલ્લી ઘડી સુધી સુધારવામાં આવેલી મતદારયાદી પ્રમાણે જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિએ આપેલી માહિતી મુજબ કુલ 17,43,825 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. કચ્છની છ વિધાનસભા બેઠકના 14,78,682 અને મોરબીના 2,65,143 મતદાતાઓનો સમાવેશ થાય છે. ચૂંટણી અધિકારીના જણાવ્યા પ્રમાણે કાલે રવિવારે સાંજે 6 વાગ્યા પછી સામૂહિક પ્રચાર પર પાબંધી લાગી જશે. તેમ છતાં આચારસંહિતાનું ક્યાંય ઉલ્લંઘન  નથી થતું ને તેની તમામ સ્તરેથી દેખરેખ રાખવામાં આવી રહી છે. કચ્છમાં 1846 મતદાન મથકો છે. જ્યારે મોરબી વિધાનસભામાં 291 મળીને કુલ 2137 બૂથ ઉપર મતદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીનું પ્રમાણ વધારે હોવાથી મતદારોને પીવાના પાણી ઉપરાંત મતદાનનો સમય પણ આ વખતે સવારે 7થી 6 વાગ્યાનો હોવાથી પોલિંગ સ્ટાફ માટે વેલ્ફેર કિટની વ્યવસ્થા કરવામાં આવી છે. વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થવાનું હોવાથી લગભગ 8500 જેટલા પોલિંગ સ્ટાફને બૂથ ઉપર પહોંચાડવા માટે આગલા દિવસે સોમવારે બપોર પછી 212 એસ.ટી. બસમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer