ભુજની ભાગોળેની કિંમતી જમીનના ચકચારી મામલામાં તપાસ ગુનાશોધક શાખાને સોંપાઇ

ભુજ, તા. 20 : આ શહેરની ભાગોળે મીરજાપર ગામ નજીકની હદમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતની કિંમતી જમીનના મામલામાં કેસની ગંભીરતા પારખીને પોલીસદળ દ્વારા પ્રકરણની છાનબીન પુન: એકવખત બદલીને તપાસનો દૌર હવે જિલ્લાસ્તરે આપતા આ મહત્વના કેસમાં તપાસનો હવે પછીનો ઘટનાક્રમ તેજ બનવાની આશા જાગી છે. મસ્કત વસતા તાલુકાના સેવાભાવી પાટીદાર દાતા અને ભુજના અગ્રણી બિલ્ડર-જમીન ધંધાર્થી વચ્ચેના આ મામલામાં રાજ્યની વડી અદાલતના આદેશ બાદ ત્રણેક મહિના પહેલાં ગુનો દાખલ કરાયા બાદ કેસની તપાસમાં હજુ જોઇએ તેટલી પ્રગતિ થઇ શકી નથી. પોલીસદળની સરહદ રેન્જના વડા મહાનિરીક્ષક ડી.બી. વાઘેલા અને જિલ્લા પોલીસ અધીક્ષક સૌરભ તોલુંબિયાએ કેસની ગંભીરતા પારખી પરિણામલક્ષી તપાસના હેતુસર આ કેસની છાનબીન હવે પોલીસદળની જિલ્લા સ્થાનિક ગુનાશોધક શાખાને સોંપવાનો હુકમ કર્યો છે. ઉચ્ચ અધિકારીઓના આ આદેશ બાદ એલ.સી.બી.ના કાર્યકારી ઇન્સ્પેકટર એમ.બી.ઓઆસુરાએ તપાસ સંભાળી લેવા સાથે કાર્યવાહીનો ધમધમાટ પણ આરંભી દીધો છે. તેમણે આજે ફરિયાદીને બોલાવીને તેમની પાસેથી સર્વગ્રાહી વિગતો મેળવવા સાથે કાગળોનો અભ્યાસ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ ચકચારી કિસ્સામાં હાઇકોર્ટના હુકમ બાદ ગુનો નોંધાયા બાદ તપાસ એ-ડિવિઝનના ફોજદારટી.એચ.પટેલને અપાઇ હતી. તેમની છાનબીન સામે આક્ષેપો-ફરિયાદો થયા બાદ તપાસનો દૌર પોલીસ ઇન્સ્પેકટર એ.એલ. મહેતાને અપાયો હતો. દિવસો વિત્યા છતાં તેમના દ્વારા પણ કોઇ ધારી કાર્યવાહી ન થઇ હોવાનો અહેસાસ થયા બાદ તેમની પાસેથી તપાસ લઇને હવે એલ.સી.બી.ને સોંપવામાં આવી છે.  મહત્ત્વના પ્રકરણની તપાસ બે-બે વખત અન્યને તબદીલ કરવી પડે તે સ્થિતિને કેન્દ્રમાં રાખીને માહિતીગાર સૂત્રો જણાવે છે કે હાઇકોર્ટનો આદેશ છતાં યોગ્ય છાનબીન ન થવા બાબતે ઊંડા ઉતરાય તો `લેવડદેવડ' સહિતની ચોંકાવનારી વિગતો ખૂલે તેમ છે. આઇ.જી. અને એસ.પી. કક્ષાના ઉચ્ચ અધિકારીઓ આ કેસમાં માર્ગદર્શન પુરૂં પાડી રહ્યા હોવાથી હવે તપાસ ઝડપી થવાની આશા રખાઇ રહી છે. કેસને સંલગ્ન એક મહત્વના માથાની તાજેતરમાં ઉચ્ચ અધિકારી દ્વારા બે કલાક સુધી જાતે પૂછતાછ થઇ ચૂકયા બાદ હવે તપાસ જિલ્લાસ્તરે જતાં શું પગલા લેવાય છે તેના ઉપર સાની નજર મંડાઇ છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer