ભચાઉમાંથી બે લાખનો શરાબ પકડાયો !

ગાંધીધામ, તા. 20 : ભચાઉમાં બોર્ડર રેન્જની રેપિડ રિસ્પોન્સ સેલની ટુકડીએ રૂા. બે લાખની કિંમતના અંગ્રેજી પ્રકારના શરાબના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા. જ્યારે ચાર આરોપીઓ નાસી છૂટયા હતા. આ કાર્યવાહી દરમ્યાન રૂા. 33 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ લોકસભાની ચૂંટણી અંતર્ગત દારૂની બદી ડામવાની સૂચનાને લઈને બાતમીના આધારે આર.આર. સેલની ટુકડીએ આજે વહેલી સવારે ભચાઉના દરબાર ગઢ વિસ્તારમાં દરોડો પાડયો  હતે. રહેણાક મકાનમાંથી અંગ્રેજી શરાબની જુદી જુદી બ્રાન્ડની 326 નંગ બોટલો અને 612 નંગ કવાટરિયા સહિત રૂા. 2.06 લાખનો શરાબ કબ્જે કરાયો હતો. આ કાર્યવાહી દરમ્યાન આરોપી કેવલસિંહ પ્રવીણસિંહ પરમાર, કનકસિંહ ઉર્ફે કાનો અશોકસિંહ જાડેજા અને રામદેવસિંહ ઘનશ્યામસિંહ ઝાલાને પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે ફરાર આરોપીઓ મનહરસિંહ ઉર્ફે મુનો ઘનશ્યામસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શિવમ નરેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ દુર્ગાસિંહ જાડેજા અને અશોકસિંહ બાલુભા જાડેજાને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે શરાબના જથ્થા ઉપરાંત રૂા. 36 હજારની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન, રૂા. 30 લાખની કિંમતની જી.જે. 12 ડીજી 2145 નંબરની ફાર્ચ્યુનર કાર અને રૂા. 50 હજારની કિંમતની  બે બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આરોપીઓ શરાબનો જથ્થો કયાંથી લાવ્યા હતા ? કયાં ડિલિવરી કરવાના હતા તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રેન્જ સ્તરે પાડવામાં આવેલા દરોડાનાં પગલે સ્થાનિક પોલીસ બેડામાં દોડધામ થઈ પડી છે. આ દરોડા બાદ કોના ઉપર ગાજ પડે છે તે જોવું રહ્યું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer