છસરા ખૂન પ્રકરણમાં ત્રણ આરોપીના જામીન મંજૂર : બે પોસ્કોના આરોપી નિર્દોષ

ભુજ, તા. 20 : છસરા ખૂનકેસ પ્રકરણમાં ત્રણ આરોપીના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. 2018માં મુંદરામાં સગીર કન્યાના અપહરણ-બળાત્કારનો આરોપી નિર્દોષ જાહેર થયો છે. જ્યારે નખત્રાણા તાલુકાના મોટા કાદિયાનો પોસ્કો બળાત્કાર કેસના આરોપીનો નિર્દોષ છૂટકારો થયો છે અને ભુજ તાલુકાના રતડિયા (ખાવડા) વિસ્તારની જમીન અંગેના દસ્તાવેજ રદ કરવાનો ચુકાદો અદાલતે આપ્યો છે. જ્યારે નાગ્રેચા જમીન કેસમાં આરોપીઓના આગોતરા જામીન કોર્ટે મંજૂર કર્યા છે. ગત તા. 23-10-18ના મુંદરા તાલુકાના છસરા ગામે બે જૂથો વચ્ચે થયેલા ઝઘડામાં ચાર આહીર યુવાનો તથા સામા પક્ષે બે દાદા-પોત્રાના ખૂન થયા હતા. જેમાં બન્ને પક્ષે ફરિયાદ દાખલ કરાવાઇ હતી. આરબ આદમ અબ્દુલ બોલિયાની ફરિયાદના આધારે પોલીસે સાત શખ્સોની અટકાયત કરી હતી. જેના કામે ભુજ કોર્ટના એડિ. સેશન્સ જજે ત્રણ આરોપી પાંચા ખીમા ચાવડા આહીર, મ્યાજરભાઇ ખીમાભાઇ ચાવડા આહીર અને અતુલભાઇ નારાણભાઇ ચાવડા આહીર રહે. તમામ છસરાને શરતોને આધીન જામીન પર મુક્ત કર્યા છે. આ કામે આરોપી તરફે સિનિયર એડવોકેટ ડી.વી. ગઢવી, વાય.વી. વોરા, અતુલ એન. મહેતા, આર.એસ. ગઢવી તથા હિમ્મતભાઇ કે. ગઢવીએ હાજર રહી દલીલો કરી હતી. - સગીરાનો અપહરણ-બળાત્કારનો  આરોપીને શંકાના આધારે નિર્દોષ  - મુંદરા પોલીસ મથકે સાલ 2018માં આરોપી સુરેશ રમેશ પટણી (દાતણિયા) વિરુદ્ધ ફરિયાદીના સગીરવયની કન્યાના અપહરણ તથા બળાત્કાર અંગે પોકસો તળે ફરિયાદ નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. આ કેસ ભુજની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતાં સાક્ષી અને પુરાવા તપાસવામાં આવેલા, જેમાં આરોપી સુરેશ રમેશ પટણી (દાતણિયા)ને શંકાનો લાભ આપી કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરતો ચુકાદો અપાયો હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ એ.આર. મલેક, પ્રફુલ્લ બી. સીજુ, સોનલ ગઢવી, જગદીશ પી. ગુંસાઇ તથા સાયબા પઠાણ હાજર રહ્યા હતા. - પોસ્કો કેસમાં નિર્દોષ છૂટકારો - નખત્રાણા તા.ના મોટા કાદિયા ગામના વીરજી ઉંમર કોલીએ સ્થાનિક રહીશ સગીરાની ઇચ્છા વિરુદ્ધ બળાત્કાર કરી જેનાથી ગર્ભ રહી ગયો હોવાની ફરિયાદ બાદ આ કામે બંને પક્ષકારોની નામદાર અદાલતે પુરાવા સંદર્ભે દલીલો સાંભળી આરોપી વીરજી ઉંમર કોલીની સામે ઘડાયેલા તહોમતોમાંથી નિર્દોષ છોડવાનો અદાલતે હુકમ કર્યો છે. - દસ્તાવેજ રદ કરવા આદેશ - ભુજ તા.ના રતડિયા (ખાવડા) વિસ્તારના સર્વે નં. 323 સંદર્ભે સમા હાસમ ઓસમાણનો સદરહુ જમીનમાં ભાગ હોવા છતાં જરાર સમા, હુશેન રાયધણ સમાએ વેચાણના દસ્તાવેજ કરી જે દસ્તાવેજ કરવા તેઓને અધિકાર ન હોઈ અદાલતમાં દાવો થયો હતો. જે દાવા સંદર્ભે અદાલતે બંને પક્ષકારોને સાંભળી વાદી હાસમ ઓસમાણ સમાનો 50 ટકાનો ભાગ રહેલો છે, તેવું જણાવી દસ્તાવેજ રદ કરવા હુકમ કર્યો છે. આ બન્ને કેસમાં વકીલ અમીરઅલીભાઇ એચ. લોઢિયા, અન્જુમભાઇ એ. લોઢિયા, જયવીરસિંહ ડી. જાડેજા, દિનેશભાઇ એમ. ગોહિલ, કાસમભાઇ મંધરાએ હાજર રહી દલીલો કરી હતી. - નાગ્રેચા જમીન કેસમાં  આરોપીઓના આગોતરા મંજૂર - ગઢશીશા પોલીસ મથકે ફરિયાદી મનુબા વેલુભા મોડજીની વારસાઇ મિલકતમાં ખોટી વારસાઇ તેમજ ખોટા પંચનામા કરી મિલકત પચાવી પાડી છે, તેવી ફરિયાદ બાદ અરજદાર ગુલામ હુશેન ઇસ્માઇલ માંજોઠી તેમજ વિક્રસિંહ ખોડુભા જાડેજાએ ખોટી ધરપકડથી રક્ષણ મળવા કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી, જે બંને પક્ષકારોની દલીલો બાદ ચોથા અધિક સેશન્સ જજે બંને આરોપીઓને આગોતરા જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આરોપીઓ તરફે વકીલ  એમ. એ. ખોજા તથા મહંમદ આઇ. હિંગોરાએ હાજર રહી દલીલો કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer