ભારત-ઈંગ્લેન્ડ વિશ્વકપના સેમિફાઈનલમાં પહોંચશે : લારા

મુંબઈ, તા. 20 : વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારાના માનવા પ્રમાણે વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ નિશ્ચિત રૂપે વિશ્વકપની સેમિફાઈનલમાં પહોંચી જશે. બીજી તરફ લારાએ પોતાની વેસ્ટ ઈન્ડિઝની ટીમને પણ હળવાશથી ન લેવાની વાત કરી છે. લારાએ કહ્યું હતું કે, છેલ્લા બે ટી-20 વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝે અન્ય ટીમોને ચોંકાવી છે. લારાએ કહ્યું હતું કે, સામાન્ય રીતે તેણે પણ ક્યારેય ઈંગ્લેન્ડનું સમર્થન કરવાનું જોખમ નથી ઉઠાવ્યું. કારણ કે ઈંગ્લેન્ડની ટીમ મહત્ત્વની મેચ જીતવામાં સફળ રહી નથી. પરંતુ આ વખત ઈંગ્લેન્ડની ટીમ મજબૂત દેખાઈ રહી છે. આ જ કારણથી ભારત અને ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં નિશ્ચિતરૂપે પહોંચે તેવું લાગી રહ્યું છે. સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની વાપસી બાદ વિશ્વકપની સંભાવનાઓ ઉપર વાત કરતાં લારાએ કહ્યું હતું કે, બન્ને ખેલાડી ટોપ પરર્ફોમર રહ્યા છે. બન્નેની વાપસી ખેલાડીના રૂપમાં થઈ રહી છે. પરંતુ તેઓ કેપ્ટન અને ઉપકેપ્ટન તરીકે વાપસી કરે તો વધુ સારું રહેશે. આ દરમિયાન લારાએ ઋષભ પંતને જવાબદાર બનવાની સલાહ આપી હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer