હાર્દિક-રાહુલને વીસ-વીસ લાખનો દંડ

નવી દિલ્હી, તા. 20 : કરન જોહરના શોમાં મહિલાઓ વિશે આપત્તિજનક ટિપ્પણીઓના મામલામાં ભારતીય ક્રિકેટરો હાર્દિક પંડયા અને લોકેશ રાહુલ સસ્તામાં છૂટી ગયા છે. બીસીસીઆઇના  લોકપાલ દ્વારા બંને ખેલાડીને રૂા. 20-20 લાખનો દંડ કરાયો છે.  લોકપાલના જણાવ્યા અનુસાર બંને ખેલાડીએ એક-એક લાખ રૂપિયા અર્ધલશ્કરી દળના શહીદ થયેલા 10 કોન્સ્ટેબલના પરિવારજનોને આપવા અને એટલી જ રકમ અંધજન ક્રિકેટ માટે આપવા. જો હાર્દિક અને રાહુલ સમયસર આ રકમ આપશે નહીં તો બીસીસીઆઇ તેમની મેચ ફીમાંથી પણ વીસ-વીસ લાખ રૂપિયા કાપી શકે છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત લોકપાલ ન્યાયમૂર્તિ (સેવા નિવૃત્ત) ડી. કે. જૈને `કોફી વિથ કરન' ટીવી શોમાં આપત્તિજનક નિવેદન કરવા બદલ હાર્દિક અને રાહુલને સુનાવણી માટે હાજર થવાનો આદેશ કર્યો હતો. જૈને ત્યારબાદ વિનોદ રાયના નેતૃત્વ હેઠળની વહીવટી સમિતિને હેવાલ સોંપ્યો હતો. કરનના શોમાં ખાસ કરીને  હાર્દિક પંડયાએ ત્રીઓને લઇને વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી અને એક તબક્કે  બંનેનું વર્લ્ડકપમાં રમવું પણ શંકાસ્પદ હતું. બંને હાલ આઇપીએલમાં રમી રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer