અંજાર વિધાનસભા ક્ષેત્રમાં મતદાન અર્થે 1450થી વધુ કર્મચારી નિયુક્ત

ગાંધીધામ, તા. 20 : લોકસભાની ચૂંટણીના મતદાનના આડે ગણતરીના દિવસો બાકી છે  તેવામાં અંજાર વિધાનસભા બેઠકમાં તંત્રનો 1450થી વધુ કર્મચારીઓનો સ્ટાફ 290 બૂથ ઉપર શાંતિથી મતદાન થાય તે માટે કાર્યશીલ રહેશે. તંત્રએ મતદાત જાગૃતિ કાર્યક્રમો સહિતની મોટાભાગની કામગીરીને આખરી ઓપ આપ્યો હોવાના અહેવાલ સાંપડયા હતા.  લોકસભાની ચૂંટણીને અંતર્ગત અંજાર વિધાનસભા બેઠકના 290 મતદાન બૂથો ઉપર 1450થી વધુ કર્મચારીઓને તંત્ર દ્વારા જવાબદારી  સોંપવામાં આવી છે તેમજ સંવેદનશીલ મતદાન મથકો ઉપર સુરક્ષા કર્મચારીઓની ટુકડી, વેબ કાસ્ટિંગ, વીડિયોગ્રાફી  સહિતની સુવિધા  પણ ઊભી કરવામાં આવી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.  દિવ્યાંગ મતદારો  માટે  21  જેટલા મતદાન સહાયકોની  જવાબદારી સોંપવા સાથે અંદાજિત 31 સ્થળે વ્હીલચેર સહિતની સવલતો  ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરાંત તંત્રે  દિવ્યાંગ મતદાતાઓને મતદાન મથક સુધી લઈ જવા માટે  4  ગાડી ફાળવી હોવાનું ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા  અધિકારી વર્તુળોએ જણાવ્યું હતું. આ બેઠકના કુલ 2,38,628 મતદારોમાંથી 2,24,033  લોકોને  મતદાનની વિગતો દર્શાવતી  કાપલી પહોંચાડવામાં છે. જે મતદાતાઓને  આ કાપલી  ન મળી  હોય તેવા મતદાતાઓની  મદદ  માટે મતદાન બૂથ પાસે   સહાયક હાજર રાખવામાં આવશે તેવું અધિકારીવર્ગે  ઉમેર્યું હતું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer