હિન્દુસ્થાન નિર્માણ દળ શાસનની ધુરા સંભાળતાંની સાથે પ્રશ્નોનું નિરાકરણ લાવશે

ભુજ, તા. 20 : ડો. પ્રવીણભાઇ તોગડિયાની નવનિર્મિત રાજકીય પાર્ટી હિન્દુસ્થાન નિર્માણ દળ અને તેના કચ્છની લોકસભા બેઠકના  ઉમેદવાર પ્રવીણભાઇ સી. ચાવડાને  પ્રચાર દરમ્યાન ગામડે ગામડેથી ખૂબ જ આવકાર મળી રહ્યો હોવાનો  દાવો દળના  પ્રદેશ અધ્યક્ષ શશીકાંત પટેલે કર્યો હતો. દેશમાં લોકસભાની ચૂંટણીમાં ત્રીજા મોરચા તરીકે હિન્દુસ્થાન નિર્માણ દળ અસરકારક ભૂમિકા પ્રસ્થાપિત કરવામાં સફળ રહ્યો છે. કચ્છમાં ઉમેદવાર તરીકે લખપતના  વતની પ્રવીણભાઇ?30 વર્ષથી હિન્દુત્વના સંગઠન સાથે સંકળાયેલા છે. પક્ષના સંકલ્પો વિશે શ્રી પટેલે જણાવ્યું હતું કે, નર્મદાના નીર દરેક ગામોમાં સિંચાઇ માટે આપીશું, કિસાનોને સ્વામીનાથન આયોગ મુજબ સી-2 પ્રમાણે પાક ઉત્પાદનના ભાવ, કાયદો વ્યવસ્થાની મજબૂત વ્યવસ્થા, અયોધ્યામાં રામમંદિર, કિસાનોને પૂરતા ભાવ, યુવાઓને કામ, સૈનિકોને સન્માન, વ્યાપારીઓને  માન, પીજીવીસીએલની કનડતી સમસ્યાઓનું નિરાકરણ, 25 વર્ષથી રાજકીય જીવન કારકિર્દી ધરાવતા એવા કચ્છી પ્રદેશ અધ્યક્ષ શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 25 વર્ષથી રાજ્યમાં અને પાંચ વર્ષથી દેશમાં શાસન કરતા  ભાજપ પક્ષે ખેડૂતોને  નર્મદાનું પૂરતું પાણી મળે તે માટે ખેવના કરી નથી. હિન્દુત્વની વાતો કરે છે પણ નક્કર પગલાં ભર્યાં નથી. જીએસટી, 54 હજાર ખેડૂતોની આત્મહત્યા, વીજળી અને મહેસૂલની સમસ્યાનો કોઇ  અંત નથી. હિન્દુસ્થાન નિર્માણ દળ શાસનની ધુરા સંભાળતાંની સાથે શાળા આરોગ્ય, શિક્ષણ સહિતની  પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનું વૈજ્ઞાનિક ઢબે નિરાકરણ લાવશે, તેવો મતદાતાઓને પ્રદેશ અધ્યક્ષે વિશ્વાસ અપાવ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer