ચેક પાછો ફરવાના કેસમાં વિંઝાણના ઈસમને બે વર્ષની સાદી કેદની સજા

નલિયા, તા. 20 : ચેક પરત ફરવાના કેસમાં અબડાસાના વિંઝાણ ગામના તુર્ક મામદહુસેન આમદને નલિયાની કોર્ટે તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદ અને રકમ પરત કરવા ચુકાદો આપ્યો હતો. જો રકમ પરત ન કરાય તો ત્રણ માસની વધુ સજાનો આદેશ પણ કરાયો છે. આ કેસની વિગત એવી છે કે નલિયા ટેલિફોન ખાતામાં ફરજ બજાવતા હરજ્ઞાનસિંઘ મલખાનસિંઘ ચૌહાણે આરોપી એનો મિત્ર થતો હોઈ ઉધાર રૂા. બે લાખ વીસ હજારની રકમ આપી હતી. તે પછી આરોપીએ રકમ પરત આપવા બેંક ઓફ ઈન્ડિયા માંડવી શાખાનો ચેક આપ્યો હતો. ફરિયાદીએ એ ચેક પોતાના ખાતામાં નાખતાં રકમના અભાવે ચેક પરત થયો હતો. હરજ્ઞાનસિંઘે નલિયા કોર્ટમાં ખાનગી ફરિયાદ નોંધાવતા કાયદો અને આધારોને ચકાસી નલિયાના જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ મહેશભાઈ ચોથાણીએ તુર્ક મામદહુસેનને નેગોશિએબલ ધારાની કલમ 138 મુજબ તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદ અને ફરિયાદીને રકમ પરત કરવાનો હુકમ કર્યો હતો. જો રકમ પરત ન કરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો. ફરિયાદી પક્ષે ધારાશાત્રી લાલજીભાઈ એલ. કટુઆ હાજર રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer