ચૂંટણીખર્ચનો બોજ કંપનીઓએ ગ્રાહક પર નાખ્યો, સિમેન્ટમાં વધારો

ભુજ, તા. 20 : સરકારી હોય કે નેતાઓના કે ચૂંટણીના ખર્ચા જે અંતે `પ્રજાની કેડ' પર જ ભારી છે. આવું જ કંઈક થોડા જ દિવસો દરમ્યાન સિમેન્ટના ભાવમાં આવેલા 10થી 15 ટકા ભાવ વધારા અંગે પણ ચર્ચાઈ રહ્યું છે. ચૂંટણીના ખર્ચાઓને પહોંચી વળવા અર્થે રાજકીય પક્ષોએ કંપનીઓ પાસેથી ફંડ ઉઘરાવ્યા બાદ તેને સરભર કરવા અર્થે જ છેલ્લા 15 દિવસો દરમ્યાન 280 થી 290 રૂા.ની સિમેન્ટની થેલીના ભાવ રૂા. 320થી 325 સુધી પહોંચી ગયા છે.  અને 350ની સંભાવના છે. કચ્છમાંથી `સિમેન્ટ ઉત્પાદન' કરતી કંપનીની જ વાત કરીએ તો સાંઘી અને અલ્ટ્રાટેક કંપની કચ્છમાં જ દર માસે સરેરાશ 50થી 60 હજાર ટન એટલે કે અંદાજે 10થી 12 લાખ સિમેન્ટની ગૂણી ઠાલવી રહી છે.  સિમેન્ટના વિક્રેતાઓ અને વેપારીઓ સાથે વાતચીત કરતાં વેપારીઓએ જણાવ્યું હતું કે, હિસાબી વર્ષ માર્ચ એન્ડિંગ પૂરો થયા બાદ એપ્રિલના પખવાડિયા દરમ્યાન જ સિમેન્ટની એક ગૂણી પાછળ 25થી 30 રૂા. જેટલો ભાવવધારો તબક્કાવાર આવ્યો છે. સામાન્ય રીતે સિમેન્ટના ભાવ રૂા. 280થી 300ની આસપાસ રહેતા હોય છે પરંતુ હાલ 320-325 સુધી પહોંચી ગયા છે. આ ભાવવધારો દરેક સિમેન્ટ ઉત્પાદન કરતી કંપનીઓએ  ગ્રાહક પર ઝીંક્યો છે. સિમેન્ટની થેલીમાં એપ્રિલ માસના પખવાડિયા દરમ્યાન તબક્કાવાર આવેલા ભાવવધારા પર એક નજર નાખીએ તો સાંઘી સિમેન્ટના ભાવ ચોથી એપ્રિલ બાદ રૂા.  290માંથી 310 થયા અને ત્યારબાદ રૂા. 325 સુધી પહોંચી ગયા છે. તો અલ્ટ્રાટેક સિમેન્ટના ભાવ પણ ત્રીજી એપ્રિલ બાદ જ વધવાના શરૂ થયા હતા. જેમાં ર80માંથી 306 અને ત્યારબાદ રૂા. 15નો ઉછાળો આવી રૂા. 321 સુધી ભાવ પહોંચી  ગયા છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer