છસરાની શાળા પુન: ગૌરાન્વિત થશે

છસરા (તા. મુંદરા), તા. 20 : કચ્છના અંતરિયાળ પછાત ગ્રામીણ વિસ્તારોમાં માધ્યમિક શિક્ષણ સ્થાનિકે જ મળી રહે અને ખાસ કરીને કન્યાઓ તથા આર્થિક રીતે નબળા વર્ગને સ્થાનિકે જ ઉચ્ચ શિક્ષણ મળી શકે એ હેતુસર સારસ્વતમ સંસ્થાના આદ્યસ્થાપકોની નેમ વચ્ચે છસરામાં પણ 1970માં શાળાની સ્થાપના કરવામાં આવી હતી. હાલ શિક્ષણની ગુણવત્તા ભીંસમાં આવી ગઇ છે પરંતુ આ શાળાને પુન: ગૌરાન્વિત કરવા ચિતન થયું છે.છસરા મુંદરા તાલુકાનું અંતરિયાળ ગામ છે. આ અગાઉ જ્યારે આજુબાજુના ગામોમાં ઉચ્ચ શિક્ષણ ઉપલબ્ધ ન હતું ત્યારે નજીકના ગામો ચાંદ્રોડા, કુંદરોડી, મોખા-વવારના વિદ્યાર્થીઓ પણ આ શાળાનો લાભ લઇને પોતાની શૈક્ષણિક કારકિર્દી ઘડી ગયા છે. છસરા ગામે ઓકટોબર 2018માં કોમી એકતા ખંડિત કરતો બનાવ બન્યો ત્યારબાદ ભયના માહોલ વચ્ચે અમુક કુટુંબો સ્થળાંતર કરી ગયા છે. વળી શાળામાં છેલ્લા ચાર વર્ષથી આચાર્યની જગ્યા ખાલી છે. આ ભરતી સરકાર હસ્તક છે. બે વખત પ્રયત્નો થયા પરંતુ એક યા બીજા કારણોસર સરકાર તે જગ્યા ભરી શકી નથી. ઉપરાંત કલાર્ક પણ નિવૃત્ત થઇ ગયા છે. તે જગ્યા ભરવાની સરકાર દ્વારા હજુ અનુમતી નથી મળી. અધૂરામાં પૂરું બીજા સત્રમાં ગણિત, વિજ્ઞાનના શિક્ષક કેન્સરની બીમારીમાં સપડાઇ ગયા. આ બધાને કારણે શિક્ષણની ગુણવત્તા ભીંસમાં આવી ગઇ હતી. તે સમયે સંસ્થાએ તાત્કાલિક ગુંદાલા તથા કોટડા ચકારના ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોની સહાયથી દસમાં ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરાવી. વળી, નવનીતનું પાંચ વિષયનું સોફટવેર પર નવમા તથા દસમાના વિદ્યાર્થીઓની મદદમાં રાખ્યું હતું. હવે નવા સત્રથી વ્યવસ્થિત આયોજન કરવા વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ઇન્ચાર્જ સરપંચ તથા સંસ્થાના પ્રતિનિધિઓએ ચિંતન કર્યું છે. અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા કચડાયેલા વર્ગના વિદ્યાર્થીઓને સ્થાનિકે જ શિક્ષણ મળી રહે અને સંસ્થાના સ્થાપકોની જે નેમ હતી તે પૂર્ણ કરવા માટે સંસ્થા હજુ પણ એટલી જ પ્રતિબદ્ધ અને પ્રયત્નશીલ છે. આવનારા સમયમાં છસરાની હાઈસ્કૂલ ઉન્નતિના શિખરો શર કરશે જ તેવો વિશ્વાસ વ્યક્ત થયો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer