કસ્તૂરબા પોષણ યોજનાની સહાય ચૂકવવામાં અનિયમિતતાની તપાસ કરાવો

રાપર, તા. 20 : અહીંના નવાપરા વિસ્તારના ચાર મહિલાઓએ તેમને  કસ્તૂરબા પોષણ યોજનાના હપ્તાની અનિયમિતતાની  જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને ફરિયાદ કરી યોગ્ય તપાસ કરાવી ચૂકવણું કરાવવા માંગ કરી હતી. આ ચાર મહિલાઓએ મમતાકાર્ડની નકલ સાથે કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, સંતાનના જન્મ બાદ ઓરીની રસી મુકાવવા સુધીની શરતો પૂરી કરી હોવા છતાં હપ્તા ચૂકવવાની દરકાર લેવાતી નથી. નર્મદાબેન કરસન દેવીપૂજકે ત્રીજો હપ્તો બાકી હોવાનું, મીણાબેન ભરત દેવીપૂજકે જણાવ્યું હતું કે, એક પણ હપ્તો મળ્યો નથી.  મુકતાબેન માવજી દેવીપૂજકે  2 હજારનો એક જ હપ્તો મળ્યો હોવાનું અને અનિતાબેન રણછોડભાઇ દેવીપૂજકે ત્રીજો હપ્તો મળ્યો ન હોવાનું જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, તેમના સમાજની દીકરીઓની લોહીની તપાસ તેમના વિસ્તારમાં આશાવર્કર-નર્સ દ્વારા થાય તેવી માંગ કરી હતી. ગરીબ પરિવારોને નિયમિત સહાય ન મળે તો  માતા અને સંતાનના કુપોષણ દૂર કરવાને સરકારનો સરકારનો ઉદેશ્ય કેમ સિદ્ધ થાય તેવો સવાલ ઉઠાવ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer