ગેબનશા પીરના ઉર્સમાં હિન્દુ-મુસ્લિમો ઉમંગે જોડાયા

ગેબનશા પીરના ઉર્સમાં હિન્દુ-મુસ્લિમો ઉમંગે જોડાયા
ભચાઉ, તા. 19 : તાલુકાના કુંજીસર ગામ પાસે લોધીડા-ખારોઇ રોડ પર આવેલ ગેબનશા પીર (ર.અ.)ના બે દિવસિય ઉર્સ-મેળામાં હિન્દુ-મુસ્લિમ ભાઇઓએ ઉમંગભેર ભાગ લઇ દરગાહમાં માથું ટેકવીને કોમી એકતા-ભાઇચારાનાં દર્શન કરાવ્યા હતા. ગેબનશા પીરના ગાદીનશીન વલાબાપુ કણખોઇવાળાની અધ્યક્ષતામાં મેઘપર કુંજીસર સમસ્ત ગ્રામજનો દ્વારા યોજાયેલા મેળામાં વાજતે-ગાજતે ચાદર ચડાવી હતી. બાજુમાં જૂના ગાદીપતિ મસ્તાન બાપુની દરગાહે પણ ચાદરવિધિ થઇ હતી. મસ્તાન બાપુની રૂા. 15 લાખના ખર્ચે ભવ્ય દરગાહનું મકાન તથા જગ્યાનું ભવ્ય પ્રવેશદ્વાર બાંધવાનું કામ ટૂંક સમયમાં શરૂ કરાશે. આ જગ્યામાં રસ્તા-પાણીની યોજના માટે તાલુકા પંચાયતના ભંડોળ, વિવિધ ગ્રાંટની વ્યવસ્થા થઇ છે. ઉપરાંત પક્ષી માટે એક ચબૂતરો બંધાશે એમ સન્માન સમારોહ કાર્યક્રમમાં વલા બાપુએ જણાવ્યું હતું. જગ્યામાં અનેક વખત ભાગવત કથા સહિતના  કાર્યક્રમો યોજાયા છે. ગેબનશા પીરના ભુવા રાઘાભાઇ વાસણ આહીર, મુંજાવર દાઉદ ફકીર તથા ગામના પટેલ ભચા મેપા માતા ઉપરાંત રાજકીય અગ્રણી રાણાભાઇ ધનાભાઇ આહીર (માજી સરપંચ-મેઘપર) સહિતે સેવા આપી હતી. મેળાની આગલી રાત્રે પરસોત્તમપુરી, ગૌરીબેન બારોટ, શિવદાન બારોટ, જોવીદાન ગઢવી, પ્રભુ આહીરની સંતવાણી તથા મેળાની રાત્રે કવ્વાલી અને કચ્છી કાફીમાં ઇસ્માઇલ પારા, અફસાનાબેન (ભુજ), રેશ્માબેન (ભાડિયા)એ રમઝટ જમાવી હતી. જ્યારે દિવસે મેળામાં સાંજે  પાંચ સુધી શામજી આહીર, કંકુબેન આહીર, ગૌરીબેન બારોટ (રાજકોટ)ની પાર્ટીએ દાંડિયારાસ-ગરબાની ધૂન પર લોકો ઝૂમ્યા હતા. આ તમામ કાર્યક્રમમાં થયેલી ઘોર ગાયોના ચારા અને જગ્યાના વિકાસમાં ખર્ચાશે. આ કાર્યક્રમોમાં દાવતગિરિ બાપુ, વેલજી ડાડા (જંગી અખાડો), સોમનાથ બાપુ (મોમાયમોરા), દેવગિરિ બાપુ (રામવાવ), મહંત સુખનાથ બાપુ ગુ. ગોપાલનાથજી (કંથકોટ), બાલકદાસ બાપુ, નથુરામ વેલજી (ચોબારી) ઉપરાંત મુસ્લિમ સંતોમાં સૈયદ અબ્દુલશા બાપુ (ભચાઉ), સૈયદ અનવરશા બાપુ (રાપર), શેખ હાજી આમદશા બાપુ (ભચાઉ), ફકીરમામદ અબડા (ભચાઉ), સામતાણી સાઉદીનભાઇ રાયબભાઇ (માળિયા) સહિતના અનેક ધર્મગુરુ હાજર રહ્યા હતા. બંને દિવસ આવનારા માટે ભોજન પ્રસાદની સેવા જગ્યાના સેવક અશોકસિંહ બાબુભા જાડેજા દ્વારા કરાઇ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer