મુંદરામાં શાળાનાં બાળકોને વ્યસનમુક્તિ અંગે જાગૃત કરાયાં

મુંદરામાં શાળાનાં બાળકોને વ્યસનમુક્તિ અંગે જાગૃત કરાયાં
મુંદરા, તા. 19 : અહીંની શારદા મંદિર અને દેવશી સારંગ કન્યા શાળામાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ અભિયાન યોજાયું હતું.જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ કચ્છ દ્વારા યોજાયેલા વ્યસનમુક્તિ અંગે જાગૃતિ અભિયાનમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ડો. દેવાયત બાકુએ જણાવ્યું હતું કે, તમાકુના વ્યસનથી બચવા માટે વર્તન બદલાશે તો જ તમાકુમુક્ત બની શકીશું. ગુટખા, પાન-મસાલા, બીડી, સિગરેટથી જિંદગી બરબાદ થઈ જાય છે. તેથી તમાકુમુક્ત સમાજ અને તમાકુમુક્ત ગુજરાત બનાવવા માટે કાયદાનો કડકાઈથી અમલ કરીને દંડ વસૂલ કરવા માટે જાણકારી આપી હતી. નશાની કાયમી લત છોડાવવા માટે ભુજની અદાણી જનરલ હોસ્પિટલ ખાતે સંપર્ક કરવાનું જણાવ્યું હતું. આ અવસરે સપ્તધારા અંતર્ગત યોજાયેલા પપેટ શો દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રતાડિયાના સુપરવાઈઝર વિનોદ ઠક્કર અને આરોગ્ય કાર્યકર નીલેશ મકવાણાએ રંગલા રંગલીનું પાત્ર ભજવીને બાળકોને ગમત સાથે જ્ઞાન આપ્યું હતું. તાલુકા હેલ્થ સુપરવાઈઝર હરિભાઈ જાટિયાએ હિમોગ્લોબિનનું મહત્ત્વ સમજાવીને નીપી પ્રોગ્રામ અંતર્ગત નિયમિત લોહતત્ત્વની ગોળીઓ લેવાની ભલામણ કરી હતી. કાર્યક્રમનું આયોજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરાના સુપરવાઈઝર પ્રકાશ ઠક્કર, જિજ્ઞેશ પંચાલ તથા રાજશી સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. શારદા મંદિર પ્રાથમિક શાળાના આચાર્યા પ્રતિક્ષાબેન વ્યાસ તથા દેવશી સારંગ કન્યાશાળાના આચાર્યા દીપિકાબેન દરજીએ આભાર વ્યક્ત કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer