દિલ્હી પર મુંબઇની દમદાર જીત

દિલ્હી, તા. 18 : મજબૂત મુંબઇએ આજે અહીં દિલ્હી પર 40 રને ભવ્ય જીત મેળવી હતી. મુંબઇએ 168 રન બનાવ્યા બાદ રાહુલ ચહર (19 રનમાં 3 વિ.) અને બુમરાહ (18 રનમાં બે વિ.) સહિતના બોલરોએ દિલ્હીને 9 વિકેટે 128 રન સુધી સીમિત રાખ્યું હતું.  ધવન (22 દડામાં 35) અને પૃથ્વી શો (20)ની સારી શરૂઆત બાદ દિલ્હીનો દાવ લથડયો હતો. મુંબઇના બોલરોની ચુસ્ત બોલિંગ સામે બેટધરો મુક્તપણે રમી શક્યા નહોતા. મુનરો (3), ઐયર (3) અને રિષભ પંત (7)ની નિષ્ફળતા દિલ્હીને ભારે પડી હતી. અક્ષરે 26 રનનું યોગદાન આપ્યું હતું જે પૂરતું નહોતું. બેટિંગમાં ઝળકેલા પંડયા ભાઇઓ હાર્દિક (17 રનમાં 1 વિ.) અને કુણાલ (7 રનમાં 1 વિ.) બોલિંગમાં પણ સફળ રહ્યા હતા.  અગાઉ રોહિત (22 દડામાં 30 રન) અને ડિકોકે (27 દડામાં 35 રન) મુંબઈને 6 ઓવરમાં 57 રનની સારી શરૂઆત અપાવી હતી. પણ ત્યારબાદ મધ્યમ હરોળે નિરાશ કર્યા હતા. કટિંગ માત્ર બે રને અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. યાદવે 26 રન માટે 27 દડા લઈ લીધા હતા. એક તબક્કે મુંબઈ 150 રનની આસપાસ સીમિત રહે તેવી શક્યતા હતી પણ પંડયા બંધુ હાર્દિક અને કૃણાલ ટીમની વહારે આવ્યા હતા. હાર્દિકે માત્ર 15 દડામાં બે ચોગ્ગા અને ત્રણ સિકસર સાથે 32 રન ઝુડી કાઢયા હતા. તો કૃણાલ 26 દડામાં પાંચ ચોગ્ગા સાથે 37 રને અણનમ રહ્યો હતો અને મુંબઈ પાંચ વિકેટે 168 રનનો સન્માનજનક જુમલો બનાવી શક્યું હતું. રબાડાએ 38 રનમાં બે તો મિશ્રાએ 18માં 1 અને પટેલે 17માં 1 વિકેટ ઝડપી હતી. ઈશાંતે 3 ઓવરમાં 17 રન જ આપ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer