`ન્યાય યોજના ગરીબી પરની સર્જિકલ સ્ટ્રાઇક''

`ન્યાય યોજના ગરીબી પરની સર્જિકલ સ્ટ્રાઇક''
ભુજ, તા. 18 : લોકસભાની ચૂંટણી અનુસંધાને પ્રચાર-પ્રસાર માટે ગુજરાતના પ્રવાસે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર રાહુલ ગાંધીએ ભુજ ખાતેની જાહેરસભામાં ચૂંટણીમાં પક્ષના વિજય બાદ ચૂંટણી ઢંઢેરામાં જાહેર કરેલી ન્યાય યોજના થકી ગરીબી સામે `સર્જિકલ સ્ટ્રાઇક' કરી ગરીબી હટાવવાનું જણાવ્યું હતું. ભાજપની વર્તમાન કેન્દ્ર સરકારની નીતિઓને આડેહાથે લેતાં   કોંગ્રેસના   યુવરાજે બે નહીં પણ એક હિન્દુસ્તાનના સર્જનની હિમાયત કરતાં બેન્કોના અને લોકોના રૂપિયા લઇને ભાગી ગયેલા `ચોરો'ના ખિસ્સામાંથી નાણાં કાઢીને સામાન્ય લોકો સુધી પહેંચાડવા ખાતરી આપી હતી. કોંગ્રેસની જીત સાથે ન્યાય યોજનાની શરૂઆત કરવાનો પણ તેમણે પુનરોચ્ચાર કર્યો હતો.  શહેરમાં મિરજાપર રોડ ઉપર હોટલ પ્રિન્સ રેસિડેન્સી સામેના મેદાનમાં આજે લોકસભાની કચ્છ બેઠકના પક્ષના ઉમેદવાર નરેશભાઇ મહેશ્વરીના પ્રચાર અંતર્ગત યોજાયેલી જાહેરસભામાં નિયત સમય કરતાં લગભગ બે કલાક મોડા પહોંચેલા કોંગ્રેસના સુપ્રીમો રાહુલ ગાંધીએ તેમના પચ્ચીસેક મિનિટના વક્તવ્યની શરૂઆત `કીં અયો અને નમસ્કાર' બોલીને કરી હતી. તેમણે હરીફ પક્ષ કે તેના નેતાઓ ઉપર વ્યક્તિગત આરોપ-આક્ષેપને સાઇડટ્રેક કરવા સાથેસાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભાજપ સુપ્રીમો અમિતભાઇ શાહને વિવિધ મુદ્દે આડે હાથ લીધા હતા. તો કચ્છના વર્તમાન અછતના કપરા કાળ દરમ્યાન પ્રવર્તી રહેલા ઘાસ અને પાણી ઉપરાંત નર્મદાના નીર અને ગૌચર જમીનો તથા બેરોજગારી ઉપરાંત સિંચાઇ માટેના નર્મદાના નીર સહિતના મુદ્દાઓ પણ વણી લીધા હતા.ભાજપની વર્તમાન કેન્દ્ર સરકારમાં નોટબંધી અને જી.એસ.ટી. બાદના વર્તમાન સમયમાં દર 24 કલાકે 27 હજાર યુવાઓ રોજગાર ગુમાવતા હોવાનું કહેતાં રાહુલે એવા આ યુવાનેતાએ પક્ષની ન્યાય યોજનાને કેન્દ્રમાં રાખીને તેના અમલીકરણ સાથે ગરીબી સામે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની તૈયારી બતાવી હતી. વર્તમાન સમયમાં અમીર અને ગરીબ એમ બે વર્ગમાં હિન્દુસ્તાન પહેંચી ચૂકયું હોવાનું જણાવતાં રાહુલ ગાંધીએ આ સ્થિતિમાં સામાન્ય અને ગરીબ દેશવાસીઓને થઇ રહેલા અન્યાયને દૂર કરવા માટે જો કોંગ્રેસની સરકાર આવશે તો બે નહીં પણ એક જ પ્રકારનું હિન્દુસ્તાન ઊભું કરાશે. તેમણે દાખલા અને દલીલો સાથે જણાવ્યું હતું કે અત્યારે અમીરો અને શાહુકારોને બધું મળે છે જ્યારે બાકીનાઓને અન્યાય થઇ રહ્યો છે. ન્યાય યોજનામાં આ ચિત્ર જડમૂળથી બદલી નખાશે.  ઉપસ્થિત લોકોના ચોકીદાર ચોર હૈ અને રાહુલ ગાંધી આગે બઢો જેવા સૂત્રોચ્ચારના માહોલ વચ્ચે શ્રી ગાંધીએ વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી અને લલિત મોદી જેવા માથાઓનો નામજોગ ઉલ્લેખ ત્રણથી ચાર વાર કરી તેમને કેન્દ્રમાં રાખીને વડાપ્રધાન અને તેમની સરકારને આડેહાથ લીધી હતી. લોકસભાની 2014ની ચૂંટણી સમયે ભાજપ દ્વારા અપાયેલા દરેકના ખાતામાં 15 લાખ અને કાળું નાણું પરત લાવવા સહિતના કોઇ જ વચનો પળાયા ન હોવાનું જણાવતાં અનિલ અંબાણીને 30 હજાર કરોડ આપવા, કચ્છની જમીનો ઉદ્યોગોને પાણીના ભાવે આપવી, એકમાત્ર સરકારી હોસ્પિટલ છિનવી લઇ તેનું ખાનગીકરણ તથા પાણી અને રોજગારી ન આપવા જેવા મુદ્દાઓ પરત્વે તેમણે પ્રહારો કર્યા હતા. કચ્છમાં અદાણીને જમીનની ફાળવણી તથા છ હવાઇ મથકો આપી દેવા અને રાફેલના કોન્ટ્રેક્ટ વગેરેને ભાષણમાં આવરી લેતાં શ્રી ગાંધીએ વડાપ્રધાનને નિશાન બનાવતાં એવો આરોપ મૂક્યો હતો કે, મોદીએ પાંચ વર્ષમાં સામાન્ય લોકોના ખિસ્સામાંથી રૂપિયા કાઢી અમીરો અને શાહુકારોની તિજોરી ભરી છે. નોટબંધી દ્વારા શાહુકારો સિવાય આખા દેશને લાઇનમાં ઊભા રાખી દેવાયા હોવાનું અને આનાથી રોજગારી છીનવાયાનું જણાવ્યું હતું. જી.એસ.ટી.ને `ગબ્બરાસિંહ ટેક્ષ' ગણાવતાં તેનાથી મોંઘવારી વધ્યાની વિગતો રાહુલે પેશ કરી હતી. જી.એસ.ટી. મધ્યમવર્ગના લોકો માટે સૌથી વધુ નુકસાનકારક બન્યાનું તેમણે લેખાવ્યું હતું. તેમણે સરકાર રચાઇ તો કિસાની બજેટ લાવવાની ખાતરી આપી હતી. દરમ્યાન કોંગ્રેસના રાષ્ટ્રીય અગ્રણી અહેમદ પટેલે આ પ્રસંગે કચ્છ ઉપર જ્યારે-જ્યારે કુદરતી આપત્તિ આવી છે ત્યારે કોંગ્રેસ દુ:ખમાં સહભાગી બન્યાનું કહેતાં ભાજપે ગુજરાત અને દેશને બરબાદ કર્યાનું કહ્યું હતું. ભાજપની આ સરકાર પાંચ દિવસ પણ સત્તામાં રહેવાને લાયક ન હોવાનો આરોપ મૂકતાં તેમણે ભાજપ અને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની તુલના કરતાં ભાજપમાં માત્ર `મૈં હી મૈં હું' હોવાનો કટાક્ષ કર્યો હતો.  કચ્છના બેરોજગારી અને નર્મદા કેનાલ સહિતના સ્થાનિક પ્રશ્નો આવરી લેતાં અહેમદભાઇએ એવો પણ કટાક્ષ કર્યો હતો કે ગુજરાતનો પનોતો પુત્ર ગુજરાતમાંથી કેમ ચૂંટણી નથી લડતો ?   સામેની કોંગ્રેસની લડત અને પક્ષના નેતાઓના બલિદાનની વાત પણ તેમણે કરી હતી અને આ ચૂંટણીમાં કચ્છના મતદારો કોંગ્રેસ પર પસંદગીનો કળશ ઢોળશે એવો વિશ્વાસ દર્શાવ્યો હતો. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઇ ચાવડાએ ભાજપના પાંચ વર્ષના શાસનમાં અત્યાચાર, શોષણ અને વિશ્વાસઘાતનો આરોપ મૂકતાં કચ્છમાં અછતની જાહેરાત પછી યોગ્ય પગલાં ન લેવા સાથે વ્યવસ્થા ન ગોઠવાયાનું કહ્યું હતું. જ્યારે લોકસભા કચ્છ બેઠકના ઉમેદવાર નરેશભાઇ મહેશ્વરીએ તેમને ટિકિટ આપવાને કેન્દ્રમાં રાખીને પક્ષે સામાન્ય કાર્યકરની કદર કર્યાનું જણાવ્યું હતું. રાહુલ ગાંધીનાં આગમન પૂર્વે પક્ષના પ્રદેશ અને સ્થાનિક એકમના આગેવાનો હીરાભાઇ જોટવા, ખુરશીદ સૈયદ, મહેશભાઇ ઠક્કર, ઉષાબેન ઠક્કર, શિવજીભાઇ આહીર, વાલજીભાઇ દનિચા, જુમ્માભાઇ રાયમા, ઇબ્રાહીમ મંધરા, ભચુભાઇ આરેઠિયા, વી.કે. હુંબલ, આદમભાઇ ચાકી, નવલાસિંહ જાડેજા વગેરેએ પણ પ્રવચન કર્યા હતા. પ્રદેશ અગ્રણી લાલજી દેસાઇ, જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રાસિંહ જાડેજા, ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા અને સંતોકબેન આરેઠિયા ઉપરાંત આગેવાનો શૈલેન્દ્રાસિંહ જાડેજા, રવીન્દ્ર ત્રવાડી, રફીક મારા, તુલસી સુજાન વગેરે મંચસ્થ રહ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સભાના સ્થળે આવી પહોંચ્યા ત્યારે કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે તેમને આવકાર્યા હતા. જિલ્લા યુવક કોંગ્રેસના આગેવાનોએ હારથી રાહુલને સન્માન્યા હતા. તો પ્રદેશની ટીમે પ્રતીક ભેટથી બહુમાન કર્યું હતું. પક્ષના જિલ્લા એકમના પ્રવક્તા ઘનશ્યામાસિંહ ભાટી, ગનીભાઇ કુંભાર, દીપક ડાંગર અને ડો. રમેશ ગરવાએ પણ રાષ્ટ્રીય પ્રમુખનું સ્વાગત-સન્માન કર્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer