`વટ'' અને `વિકાસ'' વચ્ચે વાગડમાં ચિત્ર ધૂંધળું

`વટ'' અને `વિકાસ'' વચ્ચે વાગડમાં ચિત્ર ધૂંધળું
- નવીન જોશી -
ભુજ, તા. 18 : આ રાપર મત વિસ્તાર છે. અહીં દરેક ચૂંટણી પહેલાં વિકાસની વાત્યું થાય, પરિણામ પછી `વટ' બતાવાય અને પછી પાંચ વરહ લગી અમાના ભવિષ્ય પર આ ઉડે રહીને એવી ધૂળ ઢાંકી દેવાય.... ચૂંટણી થકી નથી વિકાસ આવતો, નથી કોઇનો `વટ' ટકતો કે નથી ધૂળ હટતી... પણ આ વખતે જ્યાં જ્યાં નર્મદા નહેર વહે છે તેના બંને કાંઠે પનર-પચી કિ.મી.માં ડકાર હોવા છતાં ડકાર નથી. `વટ' વાળા નહીં પણ મેનતવાળા બાવડાં થકી કાળી મજૂરી કરી ખેડુએ નહેરના મફતના પાણીથી શિયાળુ પાક લીધો છે અને ગીરવી રાખેલા બાયડીના દાગીના છોડાવ્યા છે. ટ્રેક્ટરના બાકી હપ્તા એક સામટા ભરી દીધા હે અને ઠેઠ વાવ-થરાદ કે ગાંધીધામ લગી જાન્યુ જોડીને  દીકરા પરણાવ્યા છે. પૂરબમાંથી સુખનો સૂરજ ઊગતો દીઠો ન દીઠો ને આ ચૂંટણી આવી. કોઇ ગુલાબી નોટું તો કોઇ મૂંછ પર હાથ રાખીને  `વટ' જોરે `વોટ' માગવા નીકળી પડયા. અમાને માતર હરપંચની ચૂંટણીમાં રસ... ઇમાં ખાવા-પીવા, પેરવા, ઓઢવા મલે અને અમલ પન હોય. આ લોકસભા વિધાનસભા તમતમારે પતાવી લેતા હો તો...!  આ શબ્દો છે સફેદ છતાં પીળા પડી ગયેલા ગામઠી પહેરવેશમાં  શોભતા એક વૃદ્ધજનના... આ જ છે સમગ્ર  વાગડની મતની વાત. અહીંના ખેડૂતને પાણી આપો અને પછી છોડી દો એ ધરતીનો  છોરૂ આપોઆપ ઊભો થઇ જશે અને આમેય આ મુલકને કોઇની પડી નથી એ સ્વયંના બળે જ જીવવા ટેવાયેલો છે. સોમવારે પશ્ચિમી વિક્ષોભની અસર તળે ધૂળના છદ્મ વરસાદ વચ્ચે `કચ્છમિત્ર'ની ટીમે ચોબારી, ભરૂડિયા, રામવાવ માર્ગેથી ત્રંબૌ થઇને રાપર, નીલપર અને ધોળાવીરા માર્ગે બાલાસર, ત્યાંથી પ્રાંથળના બેલા અને મૌઆણાથી મોમાયમોરા, મોડા, સણવાથી આડેસર અને કચ્છના પ્રવેશદ્વાર આડેસરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પલાંસવા, ગાગોદર, ચિત્રોડથી સૂરજબારી, ભચાઉનો લોકસભા ચૂંટણી માટેનો રાપર વિધાનસભા મત વિસ્તારનો  412 કિ.મી.નો વિદ્યુતવેગી પ્રવાસ કર્યો તો ચારેયકોર  વાતાવરણ ધૂંધળું હતું. ગત વિધાનસભામાં કોંગ્રેસને જીત અપાવનારા અને ભાજપની જૂથબંધીથી ત્રસ્ત થયેલા મતદારોએ પણ ધૂંધળા-ધૂંધળા જવાબ આપ્યા હતા. મહિલા વર્ગ `ઉજ્જવલા' યોજનાના ગેસ સિલિન્ડર, ત્રિપલ તલ્લાક, પુરુષો રાષ્ટ્રવાદ, રાફેલ અને યુવાવર્ગ પોતાની `મન કી બાત' બતાવવા ઉત્સાહી હતા પણ સ્થાનિકના `અમુક તત્ત્વો'થી તેઓ ખૂલીને પંગો લેવાનું ટાળતા હોવાથી ધૂંધળાશ ભર્યા જવાબોમાં કહેતા  કે આ મતવિસ્તારમાંથી કોંગ્રેસ ભાજપના વર્તમાન સાંસદથી વધુ મત લઇ જાય. ભાજપ પોતાની સરસાઇ ટકાવી નહીં શકે પણ કદાચ ઘટતી સરસાઇથી જીતી જશે. રાપરનું રાજકારણ : રાપર વિધાનસભા બેઠક કોંગ્રેસના મહિલા સંતોકબેન ભચુભાઇ આરેઠિયા પાસે છે. મત વિસ્તારમાં જિલ્લા પંચાયતની  પાંચ બેઠક છે, જેમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ લક્ષ્મણસિંહ અલજી સોઢાની મોટી રવ, ઉપરાંત ફતેહગઢ, ભીમાસર અને ગાગોદરનો સમાવેશ છે. કીડિયાનગર બેઠક કોંગ્રેસના કબજામાં છે. રાપર તાલુકા પંચાયતમાં પણ 21માંથી 14 બેઠક સાથે ભાજપના હરખીબેન ડાહ્યાભાઇ વાઘાણી (ગેડી) અધ્યક્ષ છે. કોંગ્રેસને ભાગે સાત બેઠક છે. રાપર નગરપાલિકા પણ ભાજપના ગંગાબેન સિયારિયાના અધ્યક્ષપદે ભાજપના કબજામાં છે. 15 બેઠક ભાજપની તો 13 પર કોંગ્રેસનો હાથ છે. તાલુકા પંચાયતમાં સઇ બેઠકના હમીરસિંહ સોઢા, ઉપપ્રમુખ તથા સુધરાઇમાં હઠુભા સોઢા ઉપપ્રમુખ છે. આમ ધારાસભ્ય, તા.પં. સુધરાઇમાં મહિલાઓના હાથમાં સુકાન છે તો જિલ્લા પંચાયતથી સુધરાઇ સુધી ક્ષત્રિયો શાસનમાં છે. મતદારો :?રાપર વિધાનસભા બેઠક માટે  2,24,292 મતદારો હોવાનું પ્રાંત અધિકારી શ્રી જાડેજાએ રાપર આઇટીઆઇ ખાતે તાલીમ દરમ્યાન માહિતી આપતાં જણાવ્યું હતું. મામલતદાર, નાયબ મામલતદાર ઉપરાંત ઇવીએમ નિષ્ણાંતો સાથે લોકશાહીના રક્ષણની  જવાબદારી સંભાળતા મૂળ ધ્રોળના યુવા ક્ષત્રિય એવા અંગ્રેજી વિષય સાથે એમ.એ. થયેલા શ્રી જાડેજાની સાથે જોડાતાં મહેશભાઇ ઠક્કર તથા ના.મ. શ્રી યાદવે જણાવ્યું હતું કે, કુલ 29 ઝોનલ, 3 રિઝર્વનું આયોજન છે. 293 મતદાન મથકો છે. જેમાં ક્રમ 1થી 85 ભચાઉ તાલુકામાં અને ક્રમ 86થી 293 રાપર તાલુકામાં સમાવિષ્ટ છે. ધોળાવીરા સૌથી દૂરનું મત કેન્દ્ર છે. કુલ 118200 પુરુષ અને 106092 મહિલા મતદારો છે. પ્રથમ તબક્કાની તાલીમ અપાઇ ગઇ છે. અને કોલેજ સંકુલમાં જ રાબેતા મુજબ સ્ટ્રોંગરૂમ પણ ઊભો કરી દેવાયો છે. ભાજપ-કોંગ્રેસના કાર્યાલયો દેનાબેન્ક ચોક નજીક જ સામસામે ઊભા છે. ભાજપનો ભગવો અંબાવી પટેલની માલિકીના મોટા મકાનમાં વાતાનુકુલિત હોલ અને કોમ્પ્યુટર, પ્રિન્ટર સાથે ધમધમે છે તો કોંગ્રેસીજનો પેટ્રોલ પમ્પના વ્યવસાય સાથે સંકળાયેલા પરંપરાગત કોંગ્રેસી એવા યુવાન મિતુલ મોરબિયાની ઓફિસમાં આવ-જા કરે છે. લોકસભા વિધાનસભાની પહેલી ચૂંટણી છે કે, જેમાં બાબુભાઇ મેઘજી શાહ ક્યાંય કોઇ રીતે સ્વયંસ્પષ્ટ નથી. આ બંને  કાર્યાલયોએ  કોંગ્રેસના કાંતિલાલ ઠક્કર, તા. પ્રમુખ બહાદુર પરમાર તથા મિતુલ મોરબિયા તથા ભાજપના  ડોલરરાય ગોર, બળવંત ઠક્કર, પદુભા સોઢાએ આપેલી વિગતો અનુસાર મતક્ષેત્રમાં 13402 ક્ષત્રિય, 41465 (સૌથી વધુ) કોળી, 21600 દલિત,  20131 રજપૂત, 24849 લેવા પટેલ, 17917 રબારી, 5909 જૈન, 1542 આહીર અને 16541 મુસ્લિમ મતદારો એવા છે કે જે મોટી સંખ્યામાં છે. અન્ય જ્ઞાતિઓ પણ છે જેમ કે સાત ભાનુશાલી મત છે. 23 શીખ પણ છે. રાપર મતક્ષેત્રની તાસીરમાં વ્યકિતગત `વટ' `અહં' અને સ્વાર્થ છે. દરેક ચૂંટણીમાં પૈસાની બોલબાલા રહે છે. વિધાનસભા ચૂંટણીમાં 25 કરોડ ખર્ચ થયો હોય અને લોકસભામાં હજુ એક ટંક જમાડયા પણ ન હોય તો મતદારો આચારસંહિતાનો છેદ ઉડાવીને સ્પષ્ટ કહે છે શું કામ મત દઇએ ? તારા તો ચા પાણી પણ નથી પીધા.-  2014નું પરિણામ- 2014 લોકસભાની ચૂંટણી વખતે રાપર વિધાનસભાની પેટાચૂંટણી પણ?જોડે જ હતી. ધારાસભ્ય વાઘજીભાઇ પટેલના અકાળ?નિધનથી ખાલી પડેલી બેઠક માટેની ચૂંટણીમાં ભાજપના જિલ્લાપ્રમુખ?પંકજ મહેતાએ કોંગ્રેસના બાબુભાઇ મેઘજી શાહ સામે ઝંપલાવ્યું હતું. એ ચૂંટણીમાં ભાજપને 15,014 મતની સરસાઇ મળી હતી. રાપર શહેરે કોંગ્રેસને મત આપ્યા હતા જ્યારે ખડીર સહિતના ભચાઉ વિસ્તારે ભાજપને લીડ અપાવી હતી. એ પરિણામ વખતે લોકસભામાં રાપર વિસ્તારે ભાજપના વિનોદ ચાવડાને 64082 અને કોંગ્રેસના ડો. દિનેશ પરમારને 42836 મત આપ્યા હતા. જો કે, 2017માં વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ?ઉપર રહ્યો હતો અને સંતોકબેન આરેઠિયા ભાજપના પંકજ મહેતા સામે 15211 મતથી જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી પછી એકમાત્ર રાપર સુધરાઇની ચૂંટણી થઇ?છે જેમાં ભાજપ 21-21 બેઠકવાળી સ્થિતિમાંથી ઘટીને 15 બેઠક પર આવી ગયો અને તેમાં આંતરિક જૂથવાદનો મુદ્દો મુખ્ય હતો.- પ્રચાર સુસ્ત કે ધમાકેદાર- રાપરમાં અને સમગ્ર તાલુકામાં ફરતાં ચૂંટણી પ્રત્યે કોઇને આકર્ષણ હોય તેવું લાગ્યું નહીં. જો કે, નીલપર જેવા વિસ્તારોમાં ચૂંટણી પ્રત્યે ગંભીરતા પણ પૂરેપૂરી જોવા મળી તો મૂળ રાપર નગરને કોઇ રસ જ નથી. લોકો મોઢું બગાડીને જ વાત કરે છે. ચૂંટણી મુદ્દે પણ હા... હજુ ક્યાં રૂપિયા આવ્યા છે તેવો એક છણકો રાજકીય પક્ષોના આગેવાનોમાં પણ છે. વિધાનસભામાં થયેલી સરભરા બધાને હજુ જોઇએ છે પણ?આપે કોણ ? ભાજપ તરફે ખુદ પ્રદેશ?અધ્યક્ષ?જીતુભાઇ?વાઘાણી ચૂંટણી સભા સંબોધી ગયા, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી આખો દિવસ વાગડમાં હતા તો વાગડના જ વીર એવા માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા પણ આવવાના છે.  ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ એવા ધારાસભ્ય શ્રી જાડેજાની આખા રાપર મત વિસ્તાર પર ખાસ્સી એવી અસર છે. તેઓ સમૂહલગ્ન બાદ લોકપ્રિય પણ છે અને લોકો વિકોભા, વી.બી., વીરૂભા એમ અનેક નામે બોલાવે છે. નર્મદા નહેરના બાંધકામમાં કોન્ટ્રાક્ટર તરીકે પણ હોવાથી તેમની `ક્ષત્રિયતા' વાગડને અને મતોને જરૂરથી પ્રભાવિત કરે છે. કોંગ્રેસ પડખે ધારાસભ્ય પતિ અને લોકસભા બેઠક ઇન્ચાર્જ ભચુભાઇ?આરેઠિયા એકલપંડે ખૂબ સદ્ધરતાથી સક્રિય છે. તાલુકા કોંગ્રેસના યુવા પ્રમુખ બહાદુર પરમાર, શહેર પ્રમુખ મિતુલ મોરબિયા પણ સક્રિય છે. કોંગ્રેસના નેટવર્કનો લાભ લઇ રહ્યા છે. સાથોસાથ ભાજપથી ઘવાયેલો, ડઘાયેલો, ડરેલો મતદાર પણ તેમની તરફ ઢળે છે. - માલને રોડ પર હાંકવા પડે છે- ખૂબ જ નિર્જન અને ધૂળની ડમરી ઉડાવતા કકરવાથી રામવાવ માર્ગે મંગાભાઇ રાજપૂત નામના એક માલધારી 500થી 600 ઘેટાં-બકરા સાથે મળી ગયા. બે ભાઇ?અને એક સફેદ વાળ-દાઢી અને નેણ સહિત વૃદ્ધ વડીલ પણ પિત્તળની અને લોઢાની રિંગવાળી તેલ પાયેલી કડિયારી ડાંગ સાથે આજ ટોળાંમાં હતા. ગાડી ઊભી રાખી ચૂંટણી મુદ્દે સહેજ પૂછપરછ કરતાં ખીલેલા આ સોહામણા વૃદ્ધે સમગ્ર કચ્છની પીડાને શબ્દો આપતાં બરછટ અને તળપદી ભાષામાં કહ્યું હતું કે, આ માલ રોડ?પર ડામર પર ચાલે છે કારણ કે તેને ચાલવા વગડો સીમાડો રહ્યો નથી, ખેતરો ખાલી છે છતાં ચારેય તરફ વધ્યા છે, દબાણોથી દબાયેલા સેઢા-કેડી લુપ્ત છે, ગૌચર નથી. અરે, ઘેટાં-બકરા ચર તો ગૌચર પહેલાં જ ખવાઇ?ગયું. ચોપડે ચડી ગયું કોને ખબર પડી ??(આ વડીલ વૃદ્ધે જ કહેલું કે `અમાને હરપંચની સૂંટણીમાં રહ...) આ ઝીણો માલ લઇને નીકળેલા પૈકી એક જણની આંખોમાં પીડાનો પાર નહોતો. ખૂબ સંવેદનશીલ અને લાગણીસભર એ ભાઇને ખભે હાથ મૂકવાની અદામાં જ્યારે પૂછપરછ કરી તો રીતસર ભાંગી પડયા. રોડ?પર ઘેટાં-બકરા લઇ ખેતરે ખેતરે ભેલાણની ભીખ માગીએ છીએ. બે દિ'?થયા કોઇ આવવા દેતું નથી. મારા ચોપાંના પેટમાં ભૂખ?છે અને એમને ભૂખ્યા રાખ્યાનું મને દુ:ખ?છે પણ શું કરું ? મરું ? કોઇ?ઢોરવાડો સ્વીકારતો નથી. ઘેટાં-બકરા, દુકાળ આ નાના જીવનો ભોગ લઇ રહ્યો છે. મોંમાં કોળિયો ઊતરતો નથી, ભૂખ્યા છોરા (ઢોર) બેઠા હોય ને હું ખાઉં તો કેવો લાગું ? આંખો દડદડી પડી હતી આ લાગણીશીલની... - મતદારોનો મિજાજ- રાપર શહેર, રવેચી માના મંદિરવાળું રવ, મોમાય માના મંદિર સાથે વણાયેલું માંજુવાસ, મોડા, મોમાયમોરા, એકલ મંદિર સાથે નાતો ધરાવતા ભરૂડિયાથી લઇને હાઇવેપટ્ટી, પ્રાંથળ જ્યાં જ્યાં મતદારોને રોક્યા અલગ અલગ મિજાજ સાથે તેઓએ જવાબ આપ્યા. બંને માઇ?મંદિરોમાં મળેલી મહિલાઓ હંસાબેન, માયાબેન તથા પ્રફુલ્લાબાએ કહ્યું કે, ઘરનાં કહેશે એને મત... હાઇવેપટ્ટી પર ગાગોદર નજીક મળેલા બે યુવાન સુરેશ?અને અમર બંને લોકસભામાં પ્રથમ વખત જ મત દેવાના મુદ્દે ઉત્સાહી હતા. ભાજપની નીતિઓનું સાફ સમર્થન કરીને તેમણે પોતાના ઘરના વડીલોને કોંગ્રેસ તરફ?પ્રેમ હોવાની વાત પણ?છાની ન રાખી પણ?બંને નવયુવાન વિદ્યાર્થીઓનો એક મુદ્દો સ્પર્શી ગયો... અનુસૂચિત જાતિ, જનજાતિ, બક્ષીપંચ અને સામાન્ય બધાની કોલેજ ફી એક જ કાં ? એડમિશન વખતે એક રકમ લેવાય (રૂા. 200) પણ?જ્યારે સ્કોલરશિપ માટેના ફોર્મ ભરવાના હોય ત્યારે કોલેજ ભરેલી ફીની રકમ?રૂા. 61 જ કાં બતાવે ? દીકરો-દીકરી એકસમાન કહો છો તો ફીમાં દીકરી જ કાં બાકાત, દીકરા કાં નહીં ? જો કોંગ્રેસ જાતિવાદ ભ્રષ્ટાચારને ઉત્તેજન આપે છે તો ભાજપનો દર ચૂંટણીમાં રામમંદિર, રાષ્ટ્રવાદની વાત અને એકપણ સરકારી કચેરીમાં ભાજપનું જ વરસોથી રાજ હોવા છતાં ભ્રષ્ટાચાર વગર કામ જ થતું નથી, એવું કેમ ? નોટા બટન કાં ન જીતે ? કાગડા તો બધે જ સરખા, તો નોટા દ્વારા તમામને ચીમકી ન આપી શકાય. આ પ્રવાસ દરમ્યાન ખેડૂતોએ ક્યાંયે પોતાને માર પડી રહ્યો હોવાનું કહ્યું નહીં, મોંઘવારી, નોટબંધી, જી.એસ.ટી. મુદ્દે રાપરના વેપારીઓ પણ ફરિયાદ નથી કરતા તેથી અહીં આ ચૂંટણીમાં એ મુદ્દા ક્યાંયે છે જ નહીં.  મુદ્દો એક છે અને એ મહત્ત્વનો છે નર્મદા નહેર અને પાણી. મળ્યું એ ખુશ નથી,  મળ્યું એને જોઇએ છે, આપશે કોણ ? બંદરબાટ થઇ?છે એનું શું ?- ભાજપ માટે ફાયદો ક્યાં ?- વિધાનસભામાં હાર ખાધેલા ભાજપ પાસે નર્મદા નહેરના પાણી, જીરૂંનો પાક, 22 હજારથી 24 હજાર રજપૂત મતદારોને તા. 8/3/19થી મળવા મંડેલા બક્ષીપંચના લાભ, જૂથવાદનો ખાત્મો મહત્ત્વના મુદ્દા છે અને એ જ મત અપાવશે તેવું કહેતાં લોકસભા બેઠકના કચ્છના ઇન્ચાર્જ દિલીપભાઇ ત્રિવેદી, જિ.પં. અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા, અંબાવી પટેલ, કેશુભા વાઘેલા, ઘનશ્યામ પૂજારા સહિતના કહે છે કે, ભાજપની લોકસભામાં ડાઘરહિત કામગીરી, 3500 ઉજ્જવલા ગેસ જોડાણ, આયુષ્માન યોજનાથી મત વધશે. હજુ ઘેર-ઘેર એક-એક મતદારનો સંપર્ક કરાશે એથી પણ સરસાઇમાં વધારો થશે. - કોંગ્રેસ માટે જીતના કારણો - ભચુભાઇ આરેઠિયા કહે છે કે, વિધાનસભામાં સંતોકબેનને મળેલા મતોનું પુનરાવર્તન થશે. કથળેલી કાયદો વ્યવસ્થા, લોકસભાના કોંગ્રેસના ઉમેદવારની સ્વચ્છ પ્રતિભા, ગરીબ-દલિત ખેડૂતોને જ જમીનનો કબજો અપાવવાના મુદ્દે કોંગ્રેસની ભૂમિકા મત અપાવશે. યુવાન પ્રમુખ મિતુલ મોરબિયા, સુધરાઇની ચૂંટણીમાં શહેરના મતો કોંગ્રેસના સીટ રૂપે મળ્યા એ જ મુદ્દો આગળ ધરતાં કહે છે હવે કોઇ અટકાવી નહીં શકે. વાયદા-વચનોથી નાગરિકો ત્રસ્ત છે. કોંગ્રેસ વિકાસ મુદ્દે કટિબદ્ધ છે. કાંતિભાઇ ઠક્કર, લક્ષ્મણસિંહ વાઘેલા પણ સ્થાનિકના જ મુદ્દાઓના આધારે જીતનો દાવો કરે છે.

 
નર્મદા નહેર થકી રાપરમાં દુકાળ ભુલાયો
ભુજ, તા. 18 : રાપર વિધાનસભાની ચૂંટણી હારેલા ભારતીય જનતા પક્ષે લોકસભામાં એ હારનો બદલો લેવાનું નક્કી કર્યું છે અને પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાની ટૂંકી ટર્મની કામગીરી, લોકસભામાં સાંસદ દ્વારા વાગડના થયેલા કાર્યો અને ખાસ તો નર્મદા નહેરના લાભો વર્ણવી મતો ઊભા કરવા અને ભવિષ્યમાં પણ વિકાસકાર્યો આ જ રીતે ચાલુ રાખવા આયોજન ઘડયું છે તેવું રાપર બેઠકના લોકસભા ચૂંટણી ઈન્ચાર્જ અને કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ  ત્રિકમભાઈ છાંગા તથા એડવોકેટ ઘનશ્યામભાઈ પૂજારાએ જણાવ્યું હતું.રાપર અયોધ્યાપુરીના નાકે જ ભાજપના ચૂંટણી કાર્યાલયમાં વાત કરતાં આ આગેવાનોએ સૌપ્રથમ સીધો જ આક્ષેપ ધારાસભ્ય પર કરતાં કહ્યંyં હતું કે મુંબઈ વસતા અને માત્ર ચૂંટણી ટાણે જ આવતાં દંપતીને વાગડ ટૂંક જ સમયમાં ઓળખી ગયું છે. દોઢ વર્ષની નિષ્ફળ કામગીરી થકી જ તેઓ ભાજપને ભાંડીને મત માગે છે, પોતાના કાર્યો વર્ણવી શકે તેમ નથી.દુષ્કાળ હોવા છતાં રાપર મતક્ષેત્રમાંથી નરેગાનાં કામો કોઈએ માગ્યા નથી. મજૂરોને કામ મળી રહે છે, કારણ કે લગાતાર ચાર મહિના ચાલે તેટલું પાણી તાલુકાના નર્મદા પટ્ટાનાં તળાવોમાં, ડેમોમાં નર્મદા નહેર વાટે ભરી દેવાયું છે. આવું ભૂતકાળમાં કદી થયું છે ??તળાવો ભરી-સંગ્રહી રાખવાની પરંપરા પુન: જીવિત કરી દીધી છે નર્મદાની નહેરે. સુધરાઈ હોય કે અન્ય કોઈ કચેરી કયાંય પાણીના મુદ્દે મોરચો આવ્યો જ નથી. ખુદ કોંગ્રેસના જ ધારાસભ્યને પૂછો, તેમણે આ મુદ્દે કોઈ આંદોલન કર્યું ? કરવું પડે તેવી સ્થિતિ જ નથી.ભાજપ સૌનો સાથ સૌનો વિકાસમાં જ માને છે, તેવા મક્કમ દાવા સાથે શ્રી છાંગા અને શ્રી પૂજારાની વાતમાં ઝંપલાવતાં જિ.પં. પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ જણાવ્યું હતું કે તાલુકાના 18 હજાર ખેડૂતોના બેંક ખાતામાં વ્યક્તિગત રૂા. 13,600 જમા થયા. રૂા. 2000નો કૃષિ સહાયનો હપ્તો પણ જમા થઈ?ગયો. ધારાસભ્યના 30 ટકા કમાન એરિયાના મુદ્દે આ આગેવાનોએ કહ્યું હતું કે ચૂંટણી પછી જિલ્લાના આગેવાનો સાથે બેસીને બાદરગઢ નજીક 40 કિ.મી. વિસ્તારમાં પથરાયેલા એક ઊંચાણ અને ઊંડાણવાળા વિસ્તારમાં નર્મદા જળસંગ્રહનું આયોજન છે. આ એવું તળાવ બની રહેશે કે જ્યાંથી આખા તાલુકાને ગ્રેવિટીથી પાણી અપાશે. નર્મદા નહેર કમાન વિસ્તારની વાત છોડો અને રૂબરૂ આવીને જુઓ, અત્યારે ખેડૂતો નહેરથી 20-25 કિ.મી. દૂર પાઈપલાઈનથી પાણી લઈ ગયા છે. ટેન્કરની માંગ જ્યાં-જ્યાંથી આવે છે પાણી પહોંચાડાય છે. એટલું જ નહીં જેટલા ટેન્કર છે પૂરતા છે તેવું પણ તેઓએ આરેઠિયા દંપતીના આક્ષેપના જવાબમાં ડોલરરાય ગોરે જણાવ્યું હતું.તાલુકામાં દુકાળ વખતે ક્રાઈમ રેશિયો ઊંચો જતો હોવાની તાસીર છે પણ?આ વખતે તેમ થયું નથી. કારણ કે મજૂરોને કામ, ખેડૂતોને પાણી મળી રહ્યું છે અને પેદાશોના ભાવ પણ સારા છે. ખેડૂત ઈનપુટ સહાયપેટે એકલા ગેડી ગામમાં 18 કરોડનું ચૂકવણું થયું છે. આ કિસાન સન્માનનિધિ જ કહે છે કે ખેડૂત ખુશ છે, નારાજ નથી અને માફી નથી ઈચ્છતો, પણ મહેનતથી વળતર ઈચ્છે છે.

 
નર્મદા માત્ર 32 ગામમાં, બાકીનાનું શું ?
ભુજ, તા. 18 : રાપર વિધાનસભા બેઠકના મહિલા ધારાસભ્ય કોંગ્રેસના સંતોકબેન ભચુભાઈ આરેઠિયા રેતીની ડમરીઓ વચ્ચે અને 38 ડિગ્રી તાપ વચ્ચે રસ્તામાં જ મળ્યા અને વૃક્ષના છાંયડા તળે વાત કરતાં પ્રશ્ન કર્યો કે રાપરને નર્મદા નહેરના આશીર્વાદ મળ્યા એવો ભાજપનો દાવો પોકળ છે. નહેર માત્ર 32 ગામમાં છે, બાકીનાનું શું ? તાલુકામાં કથળતી કાયદો વ્યવસ્થાનું શું ??રાપર શહેરને પીવાનું  પાણી નથી મળતું એનું શું ?ચૂંટણી પ્રવાસ માટે વાતાનુકૂલિત ઈનોવામાં પતિ ચૂંટણી ઈન્ચાર્જ ભચુભાઈ આરેઠિયા સાથે નીકળેલા અને ગૃહિણીની છાપ ધરાવતાં સંતોકબેને વક્તા તરીકેની નવી છાપ ઊભી કરવાના સફળ પ્રયાસ સાથે કહ્યું હતું કે નહેરથી આડેસર, સુવઈ, ફતેહગઢ ડેમ ભર્યા પણ વિતરણનું શું ? 40 ટેન્કરની જરૂર છે માત્ર ચાર જ ટેન્કર દોડાવાય છે અને લોકો વાંઢ-ગામડાંમાં તરસે મરે છે. ટેન્કર પણ 15-20 દિવસે માંડ આવે છે. આરેઠિયા દંપતીએ આક્ષેપ કર્યો હતો કે વાત `સૌનો સાથ સૌનો વિકાસ'ની થાય છે પણ વિધાનસભામાં મત અમને (કોંગ્રેસ) મળ્યા તેથી હવે કિન્નાખોરીપૂર્વક બધા જ નિર્ણયો લેવાય છે. દુકાળ વર્ષ છે. પાક વીમો કેટલો મળ્યો એ પૂછો ખેડૂતોને...  100 ટકા પાક નિષ્ફળ અને 9.40 ટકા વીમો, અરે પાંચ ટકા વીમો મળ્યાનું પણ નોંધાયેલું છે. આ દાઝેલા ખેડૂતો ભાજપને મત આપશે કે તમામ કૃષિ દેવા માફીમાં માનતા કોંગ્રેસને એ તમે જ નક્કી કરી લો ! ગામેગામ ભાજપના એજન્ટો-વગદારોને બેસાડાયા છે. કૃષિ વીમાનો એ ધારે તેવો લાભ અપાય છે તેવો અમારો આક્ષેપ છે અને એ સાબિત કરી શકીએ એમ છીએ. ખેડૂતો પર કિન્નાખોરી રાખી વીજચોરીના કેસ થાય છે. ઓછા દબાણે વીજળી અપાય છે, મસમોટા દંડ કરાય છે અને પોલીસ કેસથી ડરાવાય છે. રાપરને પીવાનું પાણી જ ફાળવાતું નથી. અધિકારીઓને માર મારવાના બનાવો છે.તાલુકાના 370 તળાવોમાંથી 320 તૂટેલા છે. સુજલામ સુફલામમાં 25 હજારથી કેવું સમારકામ થાય, બોરીબંધમાં પણ ભ્રષ્ટાચાર છે. તળાવ સમારકામ માટે કેન્દ્ર સરકારની ગ્રાંટ લેવાનું વચન આપતાં આ બંને જણે કોંગ્રેસ જીતશે અને કેન્દ્રમાં સરકાર પણ એમની જ આવી રહી છે તેવો દાવો પણ કર્યો હતો અને ગુજરાત સરકાર, વડાપ્રધાન તથા કચ્છ ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લેખિતમાં જવાબ આપ્યો છે, રાપર તાલુકાના કુલ પિયત વિસ્તારના 30 ટકા જ નર્મદાના કમાન એરિયામાં આવે છે. અર્થાત તાલુકાનો 70 ટકા ભૂભાગ નહેરના લાભથી વંચિત છે, છતાં નહેર મુદ્દે મત માગવામાં આવે છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીને ટકોર કરતાં ધારાસભ્ય કહે છે કે, રાપરમાં  ભાજપના જ અનેક `ઈભલા શેઠ' છે એની સામે પગલાં લ્યો !આ ચર્ચા દરમ્યાન તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, ઈભલા શેઠ વિશે અણછાજતું બોલનારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ રાપરમાં  કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ચિંતા કરવી જોઈએ.  કારણ કે સ્થિતિ જગજાહેર છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer