...અને ચૂંટણી પ્રચારાર્થે ભુજના રસ્તા પર `સિતારો'' ચમક્યો

...અને ચૂંટણી પ્રચારાર્થે ભુજના રસ્તા પર `સિતારો'' ચમક્યો
ભુજ, તા. 18 : કચ્છની લોકસભા બેઠક માટે મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર અભિયાન વેગીલું બન્યું છે. એક તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા, તો બીજી તરફ ભાજપે પોતાના સ્ટાર પ્રચારક અને પ્રતિભાશાળી અભિનેતા પરેશ રાવલને ભુજમાં લાવીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. શહેરના વિવિધ વિસ્તારો પરથી નીકળેલા કેસરિયા પક્ષના સ્ટાર પ્રચારક સાથેના રોડ-શોએ જણેજણમાં જબરું આકર્ષણ જમાવ્યું હતું.  શહેરના વાણિયાવાડ વિસ્તારમાં હકડેઠઠ મતદાર મેદનીને સંબોધતાં પરેશ રાવલે કહ્યું હતું કે, આજે તમારા પ્રદેશમાં બે બ્રાહ્મણ આવ્યા છે, એક અસલી અને એક નકલી, હું અંદર જનોઈ પહેરું છું, તેઓ બહાર પહેરીને બતાવે છે, તેવું રાહુલ ગાંધી પર માર્મિક પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું. બલ્યુ રંગના જભ્ભા સાથે કેસરિયો ખેસ તેમજ માથા પર પાઘડીમાં સજ્જ પદ્મશ્રી પરેશ રાવલે કચ્છ બેઠક માટે બીજી વખત પસંદગી પામેલા યુવા ઉમેદવાર વિનોદભાઈ ચાવડા માટે પ્રચારના ભાગરૂપે ખુલ્લી જીપમાં રોડ-શોમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. હાથ હલાવી, બે આંગળી ઊંચી કરતા વિજય મુદ્રા સાથે તેમજ હસ્તધૂનન કરીને કેસરિયા પક્ષમાં મતદાનની અપીલ કરતાં 63 વર્ષીય અભિનેતાને જોવા ઠેર-ઠેર લોકોના ટોળાં ઊમટી પડયાં હતાં. શંભુનાથ ટુંડિયા, ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, યુવા કલાકાર આયુષ શાહ સાથે રહ્યા હતા. શહેરના જ્યુબિલી સર્કલ પાસે ભાજપના ચૂંટણી પ્રચાર કાર્યાલય પરથી પ્રારંભ થયા બાદ હોસ્પિટલ રોડ, લાલટેકરી, અનમ રિંગ રોડ, વાણિયાવાડ સહિતના વિસ્તારો પર ફરી ત્યાંથી છઠ્ઠીબારી રિંગ રોડ, જિલ્લા પંચાયત અને આગળ વધીને સ્વામિનારાયણ મંદિરે રોડ-શો પહોંચ્યા પછી પરેશ રાવલ, ઉમેદવાર વિનોદ ચાવડા સહિત નેતાઓએ દર્શન કર્યા હતા. આ સમગ્ર રૂટ પર બાઈકસવાર યુવા કાર્યકરો, કારોની કતારો સાથેના સ્ટાર પ્રચારક પરેશ રાવલના રોડ-શોના કાફલાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. વિવિધ સમાજ, વર્ગના અગ્રણીઓ, મહિલાઓ, યુવાનો, વેપારીઓએ હાર પહેરાવી, શાલ ઓઢાડીને પરેશ રાવલ તેમજ વિનોદ ચાવડાનું સન્માન કરતાં વિજયની શુભેચ્છા આપી હતી. રસ્તા પર ગુલાબની પાંદડીઓની મુઠ્ઠી ભરીને અભિનેતામાંથી નેતા બનેલા ગુજરાતી કલાકારે ઊમટેલા લોકો પર ઉડાવીને મતદારોને આકર્ષ્યા હતા. દરેક વિસ્તારમાં ઊભતા વાહનને ઘેરી વળીને સ્ટાર પ્રચારક તેમજ યુવાન ઉમેદવારનું લોકો દ્વારા સન્માન થતાં લાંબા સમય સુધી ચાલેલો રોડ શો છઠ્ઠીબારી રિંગરોડ પર પહોંચ્યો ત્યારે વચ્ચે કાફલાને ખાસ થોભાવીને પરેશ રાવલે ચા પીધી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer