ખોરાક-પાણીની શોધમાં દીપડા હવે વાડી વિસ્તારમાં પ્રવેશે છે

ખોરાક-પાણીની શોધમાં દીપડા હવે વાડી વિસ્તારમાં પ્રવેશે છે
અશ્વિન જેઠી દ્વારા
નખત્રાણા, તા. 18 : તાલુકાના પાવરપટ્ટીનો જંગલ વિસ્તાર ધીણોધરની છાવર કચ્છી દીપડાનો રહેણાક વિસ્તાર છે, તો તાલુકાના રોહા, જંગલનો વિસ્તાર આ હિંસક રાની પશુઓનું મોસાળ ગણાય છે, પરંતુ હાલે સીમાડામાં કયાંય પાણી કે ખાવાનું (શિકાર) ન હોતાં ચાર-પાંચ દિવસ  અગાઉ આ દીપડો પાણીની શોધમાં ગોધિયાર ગામની સીમમાં રાત્રિના સમયે આવી પહોંચ્યો હતો. ઉનાળો હાલે બરોબર જામ્યો છે. ગરમી 42 ડિગ્રીનો પારો વટાવે છે, ત્યારે મોટો જંગલ વિસ્તાર જંગલી જાનવરોનું રહેઠાણ ધરાવતા આ તાલુકાના સીમાડામાં રહેતા જાનવરોના પાણી વગર હાલ બેહાલ છે, ત્યારે આ જાનવરો શિકાર અને પાણીની શોધમાં ગામની પાદરમાં કે વાડી વિસ્તારમાં આવી પહોંચે છે. ગોધિયારમાં વાડી ધરાવતા સોઢા વિક્રમસિંહ મોહનસિંહની વાડીમાં મધ્યરાત્રિના સમયે દીપડો પાણીની કે શિકારની શોધમાં આવી ચડયો હતો અને તે વાડીમાં લગાવેલા સી.સી. ટી.વી. કેમેરામાં આબાદ ઝીલાયો હતો. વનતંત્ર દ્વારા આ વિસ્તારના સીમાડા કે જંગલમાં જ્યાં જંગલી જાનવરોની વસ્તી છે ત્યાં નાના નાના ખાડા (તળાવ) બનાવી પાણીના ટેન્કરો દ્વારા આ ખાડા ભરી વ્યવસ્થા કરવી જોઇએ, નહીંતર પાણી વિના આ જંગલી જાનવરોનો ખો નીકળી જવાનો છે તેમાં બે મત નથી. આમેય દીપડા આ તાલુકાની શાન છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer