`ખાનદાન આખું જામીન પર, ને ચોકીદાર ને ચોર કે છે !''

`ખાનદાન આખું જામીન પર, ને ચોકીદાર ને ચોર કે છે !''
ભુજ, તા. 18 : કચ્છની બેઠક પરથી સાંસદને ચૂંટવાના લોકશાહી પર્વને હવે અઠવાડિયા કરતાંયે ઓછો સમય બચ્યો છે ત્યારે કેસરિયા પક્ષે ચૂંટણીપ્રચારની પરાકાષ્ઠારૂપે કચ્છમાં ઉતારેલા સ્ટાર પ્રચારક પરેશ રાવલે વર્તમાન શાસનની સફળતાઓ ગણાવવા સાથે વિપક્ષી છાવણી પર કટાક્ષ છલકાવતાં ચાબખા વીંઝયા હતા. તાલુકાનાં સુખપર ગામના વિશાળ મેદાનમાં ગુરુવારની રાત્રે ચૂંટણીસભાને સંબોધતાં યુવાન ઉમેદવાર વિનોદભાઇ ચાવડા માટે પ્રચારાર્થે આવેલા પ્રતિભાશાળી અભિનેતા પદ્મશ્રી પરેશ રાવલે અસ્ખલિત વાકધારાથી જંગી જનમેદનીને મંત્રમુગ્ધ કરી નાખી હતી. `વિજય  વિશ્વાસ સંમેલન'ના મંચની સાથોસાથ આખું મેદાન બળકટ અવાજથી ગજવી નાખતાં દિગ્ગજ અભિનેતામાંથી નેતા બનેલા રાવલે કોંગ્રેસ પર આગઝરતા પ્રહાર કરતાં કહ્યું હતું કે, તમે એ લોકોનું ગઠબંધન જોયું ? બધી ઇયળો ભેગી થાયને તોયે એક અજગર ન બને. તમારું આખું ખાનદાન જામીન પર છે અને કહે છે કે ચોકીદાર ચોર છે. ચોકીદારને ચોર કહીને કાગડો મોર બનવા મથી રહ્યો છે તેવા પ્રહાર પરેશ રાવલે કોંગ્રેસ પર કર્યા હતા. કાશ્મીરમાં અલગ વડાપ્રધાન ફારુક અબ્દુલ્લાને જોઇએ છે, તે શું આ કાશ્મીર તારા બાપનો માલ છે ? તેવો સણસણતો સવાલ તખતો, ટીવી પડદો તેમજ રૂપેરી પડદાને ગજાવવાની કાબેલિયત ધરાવતા પરેશભાઇએ કર્યો હતો. સિદ્ધુ નામનો તીતીઘોડો દર દર લોટો લઇને ભટક્યો કે, કોઇ મને પક્ષમાં રાખો, તેવા પ્રહાર પંજાબના કોંગ્રેસી પ્રધાન પર તેમણે કર્યા હતા. `સ્વચ્છ ભારત' અભિયાન પાછળનું હાર્દ સમજાવતાં ગુજરાતી કલાકારે કહ્યું હતું કે, `ઘર મારું છે, તેવું સમજો છો એટલે જ ઘર ચોખ્ખું રાખો છોને, તો પછી `દેશ મારો છે' તેવું પણ માનતા થાવ, તેવો સંદેશ નરેન્દ્ર મોદીની સરકારે આ અભિયાન છેડીને આપ્યો છે. આશાપુરા માની પાવન ભૂમિ, હાજીપીર, મેકણ જેવા સંત, તપસ્વીઓની ભૂમિને વંદન. આફતને અવસરમાં પલટાવતા ખમીરવંતા કચ્છીઓના પ્રેમને પ્રણામ તેવું બોલતાં આ દિગ્ગજ અભિનેતાએ કચ્છનું હિત ક્યાં છે, કોના હાથમાં કચ્છ સલામત છે તે વિચારીને મતદાન કરવા અપીલ કરી હતી. આ વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સાથે ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલ, લોકસભા ઇન્ચાર્જ દિલીપ ત્રિવેદી, મહામંત્રી અનંત દવે, યુવા કલાકાર આયુષભાઇ તેમજ કેસરિયા પક્ષના પદાધિકારીઓ, કાર્યકરો જોડાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer