ભચાઉ નજીક ચેરિયાંનો ખો રોકવા ગ્રીન ટ્રિબ્યૂનલને ધા

ભચાઉ નજીક ચેરિયાંનો ખો રોકવા ગ્રીન ટ્રિબ્યૂનલને ધા
ભુજ, તા. 18 : ચેરિયાંનું નિકંદન રોકવા માટે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન છેલ્લા એક વર્ષથી અદાલતમાં પહોંચ્યું છે. છતાંયે ભચાઉ વિસ્તારમાં ચેરિયાંનો ખો કાઢવાનું સતત ચાલુ છે ત્યારે ખારાઈ ઊંટના સંવર્ધન માટે ઊંટપાલકોએ આ મુદ્દે ફરીથી એન.જી.ટી.ના શરણે જઈ રજૂઆત કરી છે. જંગીમાં છણવાળો બેટ અને ભચાઉમાં શેખરણ પીરની દરગાહ પાસે જે.સી.બી. અને હિટાચી દ્વારા સતત ચેરિયાંનું નિકંદન નીકળી રહ્યું છે. આ અંગે  કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ ભીખાભાઈ રબારી અને આદમભાઈ જતે તંત્રને રૂબરૂ મળીને રજૂઆત કરી છતાં બેફામ ભૂમાફિયાઓ ચેરિયાંનું નિકંદન કરી રહ્યા છે. આ વિસ્તારમાં 700થી વધુ ખારાઈ ઊંટો આશ્રિત છે. તાજેતરમાં કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના આદમભાઈએ સ્થળ પરથી હિટાચી મશીન બંધ કરાવ્યા હતા. સંગઠન દ્વારા આ બાબતે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલમાં પુન: યાચિકા દાખલ કરવામાં આવી છે કે ચેરિયાંનું નિકંદન રોકવામાં આવે.  આ વિસ્તાર એ ખારાઈ ઊંટ માટેનો મુખ્ય ચરિયાણ છે. આ દુષ્કાળના સમયમાં ચેરિયાં એ  ઊંટ સાથે અન્ય પશુઓ માટે પણ ઉપયોગી વનસ્પતિ છે તેવું એક યાદીમાં જણાવાયું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer